સિક્કાઓ પર એકેએમનો લોગો હશે, અર્થાત્ આઝાદી કા અમૃત મહોત્સવ. વડા પ્રધાને આ પ્રસંગે નૅશનલ પોર્ટલ ફૉર ક્રેડિટ લિન્ક્ડ ગવર્નમેન્ટ સિક્કિમ માટે જન સમર્થ પોર્ટલ નામનું એક પોર્ટલ પણ લૉન્ચ કર્યું હતું
નવી દિલ્હીમાં ગઈ કાલે નવા સિક્કા બહાર પાડતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. એના ઉપક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના મૂલ્યના નવા સિક્કા બહાર પાડ્યા છે. આ સિક્કાઓની ખાસિયત એ છે કે એને બ્લાઇન્ડ વ્યક્તિ પણ સહેલાઈથી ઓળખી શકશે. સિક્કાઓ પર એકેએમનો લોગો હશે, અર્થાત્ આઝાદી કા અમૃત મહોત્સવ. વડા પ્રધાને આ પ્રસંગે નૅશનલ પોર્ટલ ફૉર ક્રેડિટ લિન્ક્ડ ગવર્નમેન્ટ સિક્કિમ માટે જન સમર્થ પોર્ટલ નામનું એક પોર્ટલ પણ લૉન્ચ કર્યું હતું.
વડા પ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે ‘છેલ્લાં આઠ વર્ષના શાસનમાં દેશે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. સ્વચ્છ અભિયાને ગરીબોને સન્માન સાથે જીવવાની તક આપી છે. કોરોના દરમ્યાન મફત રૅશનની યોજનાને લીધે દેશના ૮૦ કરોડથી વધુ લોકોને ભૂખના ડરથી મુક્ત રાખ્યા હતા. અગાઉ યોજનાઓનો લાભ લેવા માટે સરકાર પાસે જવાની જવાબદારી લોકોની હતી. હવે સીધી લોકો સુધી પહોંચે એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.’
ADVERTISEMENT
સરકારનાં સુધારાનાં પગલાં વિશે વાત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘હવે યુવાનો ઇચ્છે એ પ્રમાણે કંપની શરૂ કરી શકે છે તેમ જ એને ચલાવી શકે છે. એના માર્ગમાં આવતી ઘણી બધી સમસ્યાને સરકારે હટાવી છે. અમે ઇચ્છીએ છીએ કે કંપનીઓ માત્ર આગળ વધે એટલું જ નહીં, નવી ઊંચાઈએ પહોંચે. જીએસટીએ ઘણાં કેન્દ્ર તથા રાજ્યોના ટૅક્સની જગ્યા લઈ લીધી છે. એથી જ દર મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે.’