કાર્લસન બ્લિટ્ઝમાં પરાસ્ત : જોકે આનંદ પછીના બે રાઉન્ડમાં પરાજિત
વિશ્વનાથન આનંદ અને મૅગ્નસ કાર્લસન
ભારતના સર્વોચ્ચ ચેસ ખેલાડી અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન વિશ્વનાથન આનંદે ગઈ કાલે નૉર્વે ચેસ ટુર્નામેન્ટની બ્લિટ્ઝ ઇવેન્ટમાં નૉર્વેના જ વર્લ્ડ નંબર વન મૅગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. આ સાતમો રાઉન્ડ હતો અને કાર્લસન સામે જીત્યા બાદ નેધરલૅન્ડ્સના અનિશ ગિરિ અને ફ્રાન્સના મૅક્સિમ વૅશિયર-લાગ્રેવ સામે અનુક્રમે ચોથા અને નવમા રાઉન્ડમાં હારી જતાં આનંદ પાંચ પૉઇન્ટ સાથે ચોથા નંબરે રહ્યો હતો. ૧૦ ખેલાડીઓની આ સ્પર્ધામાં અમેરિકાનો વેસ્લી સો ૬.૫ પૉઇન્ટ સાથે મોખરે હતો, જ્યારે ૫.૫ પૉઇન્ટ ધરાવતો કાર્લસન બીજા નંબરે અને અનિશ ગિરિ ત્રીજા નંબરે રહ્યો હતો. થોડા દિવસ પહેલાં એક ઑનલાઇન બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં ભારતના ૧૬ વર્ષના આર. પ્રજ્ઞાનાનંદે કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. આનંદ હવે ક્લાસિકલ ઇવેન્ટમાં મૅક્સિમ વૅશિયર-લાગ્રેવ સામે રમીને શરૂઆત કરશે.