સેરેના વિલિયમ્સ ૨૦૧૩માં લાગલગાટ ૩૪ સેટ જીતી હતી, ત્યાર પછી સ્વૉનટેકનો ૪૮ સેટનો વિક્રમ છે.
નંબર વન સ્વૉનટેક ફ્રેન્ચ ટાઇટલની વધુ નજીક
મહિલાઓની વર્લ્ડ નંબર વન પોલૅન્ડની ઇગા સ્વૉનટેક શનિવારે પૅરિસની ફ્રૅન્ચ ઓપનમાં ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તે ચોથી વાર આ સ્પર્ધામાં રમી રહી છે અને ચોથી વાર આ રાઉન્ડમાં પહોંચી છે. ગયા વર્ષે તે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી હતી. શનિવારે થર્ડ રાઉન્ડમાં તેણે ડેન્કા કૉવિનિચને ૬-૩, ૭-૫થી હરાવીને સતત ૩૧મી મૅચ જીતી લીધી હતી. તે છેલ્લી ૩૧ મૅચોમાં જે ૪૯ સેટ રમી છે એમાંથી ૪૮માં જીતી છે. સેરેના વિલિયમ્સ ૨૦૧૩માં લાગલગાટ ૩૪ સેટ જીતી હતી, ત્યાર પછી સ્વૉનટેકનો ૪૮ સેટનો વિક્રમ છે.
નૌકા હરીફાઈમાં ભારતની પ્રાચી યાદવે રચ્યો ઇતિહાસ
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની દિવ્યાંગ સ્પર્ધક પ્રાચી યાદવ પૅરા વર્લ્ડ કપની નૌકા હરીફાઈમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય સ્પર્ધક છે. તેણે પોલૅન્ડમાં વીએલ-ટૂ વિમેન્સ ૨૦૦ મીટરના વર્ગની ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવતાં તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો છે. ગયા વર્ષે તેણે ટોકયોની પૅરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય હતી અને હવે ચંદ્રક જીતનારી પણ દેશની પહેલી જ નૌકા હરીફાઈની સ્પર્ધક બની છે. ઑસ્ટ્રેલિયા અને કૅનેડાની હરીફ અનુક્રમે ગોલ્ડ તથા સિલ્વર જીતી હતી.
ભારત ફુટબૉલમાં જૉર્ડન સામે હાર્યું
દોહામાં ભારતના પુરુષ ફુટબોલરોની ટીમ શનિવારે જૉર્ડન સામેની ફ્રેન્ડ્લી ઇન્ટરનૅશનલ મૅચ ૦-૨થી હારી ગઈ હતી. સુનીલ છેત્રીએ ભારતીય ટીમમાં કમબૅક કર્યું, પરંતુ એ ફળ્યું નહીં. જૉર્ડનની વિશ્વમાં ૯૧મી રૅન્ક છે, જ્યારે ભારતનો ક્રમ ૧૦૬ છે. એશિયન કપ ફાઇનલ રાઉન્ડ ક્વૉલિફાયર માટેની તૈયારી કરી રહેલું ભારત એ સ્પર્ધાના ગ્રુપ ‘ડી’માં ૮ જૂને કમ્બોડિયા સામે રમશે.