અભૂતપૂર્વ સફળતા બદલ ટેનિસની રમતનો અને વિશેષ કરીને સૌથી વધુ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર રાફેલ નડાલનો આભાર માન્યો છે.
સ્વૉનટેક
શનિવારે અમેરિકાની ટીનેજર કોકો ગાઉફને ફાઇનલમાં ૬-૧, ૬-૩થી હરાવીને બીજી વાર ફ્રેન્ચ ઓપન સિંગલ્સનો તાજ જીતનાર પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક સતત ૩૫ મૅચ જીતી છે. આ સીઝનમાં તેનો હાર-જીતનો રેશિયો ૪૪-૩ છે. એટલું જ નહીં, તે છેલ્લા ૫૮માંથી ૫૬ સેટ જીતી છે. તેણે આ અભૂતપૂર્વ સફળતા બદલ ટેનિસની રમતનો અને વિશેષ કરીને સૌથી વધુ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર રાફેલ નડાલનો આભાર માન્યો છે.
સ્વૉનટેકે કહ્યું છે કે ‘ક્યારેક ટેનિસની રમત ખૂબ પડકારરૂપ બની જાય છે, પરંતુ મને જેકંઈ મળ્યું છે એ માટે હું આ મહાન રમતની આભારી છું. મેં અને મારી ટીમે પ્રત્યેક દિવસને મહત્ત્વ આપ્યું અને એ રીતે આગળ વધ્યા એટલે આ અદ્ભુત પરિણામ જોવા મળ્યું. બીજું, પ્રત્યેક પળને માણવી, જરૂર લાગે ત્યારે પૂરતો આરામ કરી લેવો અને દરેક સારી બાબતને વખાણવી એ બધી બાબતોને પણ મેં જીવનમાં ઘણું મહત્ત્વ આપ્યું છે. નડાલ ખૂબ ઠંડા મગજનો છે. તેના જેવા ગ્રેટ ચૅમ્પિયનોનો અપ્રોચ એવો હોય છે કે તેઓ કોઈ ફાઇનલ હારી જાય તો એ હારને તરત પચાવી લેતા હોય છે, નડાલ ડાઉન ટુ અર્થ છે.’
કોકોને એકેય ટ્રોફી ન મળી : ગાર્સિયા-ક્રિસ્ટિના ચૅમ્પિયન
ADVERTISEMENT
અમેરિકાની ૧૮ વર્ષની ટેનિસ-સ્ટાર કોકો ગાઉફને શનિવારે ફ્રેન્ચ ઓપનનો સિંગલ્સનો અને ગઈ કાલે ડબલ્સનો તાજ જીતવાનો મોકો હતો, પણ તે બન્ને મુકાબલાની ફાઇનલમાં હારી ગઈ હતી. શનિવારે વર્લ્ડ નંબર-વન ઇગા સામેના ૧-૬, ૩-૬ના પરાજય બાદ ગઈ કાલે મહિલા ડબલ્સની ફાઇનલમાં તે અને જેસિકા પેગુલાની જોડીનો ફાઇનલમાં કૅરોલિન ગાર્સિયા તથા ક્રિસ્ટિના લાદેનોવિચ સામે ૬-૨, ૩-૬, ૨-૬થી પરાજય થયો હતો. ગાર્સિયા-ક્રિસ્ટિનાની જોડી બીજી વાર આ ડબલ્સ ટાઇટલ જીતી છે.