પહેલી ગ્રૅન્ડ સ્લૅમમાં પહોંચવા બદલ ટીનેજર બેહદ ખુશ હતી : ઇગા ફાઇનલમાં
કોકો ગાઉફ
પૅરિસની ફ્રેન્ચ ઓપનમાં પહેલી વાર સેમી ફાઇનલમાં પહોંચેલી અમેરિકાની ટીનેજ ખેલાડી કોકો ગાઉફ પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની સૌથી નજીક પહોંચ્યા પછી એક મુલાકાતમાં પોતાની ચાર વર્ષની કરીઅર વિશે કહ્યું, ‘હું તો કોઈ પણ પરિસ્થિતિમાં જિંદગીને માણી લેવામાં જ માનું છું. કારકિર્દી ખરાબ જઈ રહી હોય કે સારી, હું તો પોતાને હંમેશાં ગ્રેટ પ્લેયર જ માનું અને એવું વિચારીને જ આગળ વધું. મારા જેવા તમામ યુવા ખેલાડીઓને મારી સલાહ છે કે જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ પરિણામ, કોઈ પણ કાર્ય કે તમે ગમેએટલા પૈસા બનાવો, એનો કોઈ અર્થ નથી. કોઈ તમારા વિશે ભલે ગમે એ કહે... લવ યૉરસેલ્ફ ઍન્ડ એન્જૉય લાઇફ.’
ગૉફ ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૯માં ૧૫ વર્ષની ઉંમરે જિંદગી અને કારકિર્દી વિશેના આવા અભિગમને લીધે જ વિમ્બલ્ડનમાં ચોથા રાઉન્ડ સુધી પહોંચી શકી હતી. તે પૅરિસની સેમી ફાઇનલમાં ઇટલીની માર્ટિના ટ્રેવિસેન સામે રમશે. બીજી સેમી ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેકે દારિયા કાસ્તકિનાને ૬-૨, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરુષોની સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલનાં પરિણામો બાદ હવે સેમી ફાઇનલમાં નડાલ-ઝ્વેરેવ વચ્ચે અને રુડ-સિલિચ વચ્ચે ટક્કર છે.