બન્ને મૂળ ઑસ્ટ્રેલિયન સોશ્યલાઇટ્સે તેમના સિંહની પાર્ટીઓમાં પરેડ કરાવી, ઓપન મર્સિડીઝમાં ડ્રાઇવ પર લઈ જતા તેમ જ ચેલ્સિયા ખાતે આવેલા તેમના ફ્લૅટમાં મુક્તપણે વિચરવાની છૂટ આપતા હતા.
પાળેલી બિલાડીની માફક ઊછરેલા સિંહબાળની આ તસવીરો વેચવાની છે
લંડનના એક ફ્લૅટમાં રહેતા અને સ્ટિક ખાતા તથા કમોડમાંથી પાણી પીતા તેમ જ કન્વર્ટિબલ કારમાં પ્રવાસ કરતા એક પાળેલી બિલાડીની માફક ઊછરેલા સિંહબાળની અતિવાસ્તવિક તસવીરો વેચાવા મુકાવાની છે. આ તસવીરમાં ક્રિશ્ચિયન નામનો સિંહબાળ છે, જે ૧૯૬૯માં સોશ્યલાઇટ્સ જૉન રેન્ડલ અને ઍન્થની ‘એસ’ બોર્કે હેરોડ્સમાંથી લાવ્યા હતા. હેરોડ્સમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પેટ શૉપ હતી; જેમાં દુર્લભ પક્ષીઓ, સિંહ અને એલિગેટર જેવાં વિવિધ જંગલી પ્રાણીઓ વેચાતાં હતાં. બન્ને મૂળ ઑસ્ટ્રેલિયન સોશ્યલાઇટ્સે તેમના સિંહની પાર્ટીઓમાં પરેડ કરાવી, ઓપન મર્સિડીઝમાં ડ્રાઇવ પર લઈ જતા તેમ જ ચેલ્સિયા ખાતે આવેલા તેમના ફ્લૅટમાં મુક્તપણે વિચરવાની છૂટ આપતા હતા.
ક્રિશ્ચિયન ઑસ્ટ્રેલિયન સોશ્યલાઇટ્સના ચેલ્સિયા સ્થિત ફ્લૅટમાં સોફા પર, બાથરૂમમાં અને ટીવી સામે જોઈ શકાતો હતો. આ ઉપરાંત તેને લંડનના લોકોને મળવા પણ લઈ જવાતો હતો. આ દંપતીએ ક્રિશ્ચિયનને તેમની કિંગ્સ રોડ ફર્નિચરની દુકાનની ઉપર તેમના ઘરમાં ઉછેર્યો હતો. આ સિંહબાળ જ્યારે મહાકાય થઈ ગયો ત્યારે એને એના મૂળ સ્થાને એટલે કે કેન્યાના જંગલમાં લઈ જવાયો હતો.
વર્ષો પછી જ્યારે જૉન રેન્ડલ અને ઍન્થની ‘એસ’ બોર્કે કેન્યાના જંગલમાં ગયા એ વખતે તેમની ક્રિશ્ચિયન સાથેની મુલાકાતની લાગણીસભર ક્ષણોને વિડિયોમાં કેદ કરી લેવામાં આવી હતી, જેને કરોડો વ્યુઝ મળ્યા છે. એ વાઇરલ થતાં બે ઑસ્ટ્રેલિયન અને તેમના સિંહબાળની વાતો પ્રકાશમાં આવી હતી.
ક્રિશ્ચિયનના ચેલ્સિયા, રેન્ડલના લંડન ફ્લૅટ અને આફ્રિકામાં મુલાકાતની ક્ષણોના ફોટોગ્રાફ્સનું વેચાણ સ્વૉર્ડર્સ હોમ્સ અને ઇન્ટીરિયર્સ સેલના ભાગરૂપે ૨૧મી જૂને કરવામાં આવશે.