ઉદ્ધવ ઠાકરેએ એમ કહીને સ્વતંત્રતા દિવસે કોવિડથી છુટકારો મેળવવા માટે પ્રતિજ્ઞા લેવાની લોકોને કરી અપીલ
ઉદ્ધવ ઠાકરે
દેશના ૭૫મા સ્વાતંત્ર્યદિને મંત્રાલય ખાતે ઝંડાવંદન કર્યા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોના પૅન્ડેમિકે આપણને સૌને સ્વતંત્રતા પહેલાંના દિવસોમાં મૂકી દીધા છે. તેમણે આ સમયે લોકોને રાજ્ય અને દેશને કારોના-ફ્રી કરવા માટેની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘રાજ્ય કોવિડ સામે દૃઢતાથી લડી રહ્યું છે અને આ મહામારી સામે રક્ષણ મેળવવા વૅક્સિનેશનની ઝડપ વધારી રહ્યું છે. ગઈ કાલે ૯.૫ લાખ લોકોને સિંગલ ડેમાં વૅક્સિન અપાઈ હતી. દેશને લોકોના સંઘર્ષ અને ચળવળથી સ્વતંત્રતા મળી છે. અત્યારે આપણે સ્વતંત્રતાના ૭૫મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આવતા વર્ષે સ્વતંત્રતા દિવસ મુક્તપણે મનાવી શકીએ એ માટે આપણે રાજ્ય અને દેશને કોરોના-ફ્રી બનાવવાની પ્રતિજ્ઞા લેવી પડશે. આ મહામારીએ આપણને સૌને સ્વતંત્રતા પહેલાંના દિવસોમાં લાવીને મૂકી દીધા છે અને આપણે છેલ્લા દોઢ વર્ષથી આવો અનુભવ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને કોવિડ-૧૯માં મોટે ભાગે છૂટછાટ અપાઈ રહી છે આ વિશે કહ્યું હતું કે ‘હજી ખતરો ટળ્યો નથી. વિદેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફરી માથું ઊંચકી રહ્યો છે. આ જોખમ આપણને વધુ નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન રાખવું પડશે. દવાઓ અને વૅક્સિન ઉપલબ્ધ હોવા છતાં આપણી પાસે ઑક્સિજનની કમી છે. ઑક્સિજનની ઉપલબ્ધતા મુજબ પ્રતિબંધો હળવા કરાઈ રહ્યા છે. હું જનતાને અપીલ કરું છું કે કોવિડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો. રાજ્યમાં જો ફરી દરરોજ કોવિડના કેસમાં વધારો થવાની સાથે ઑક્સિજનની સ્થિતિ ખરાબ થશે તો ફરી લૉકડાઉન લાગુ કરાશે.’