મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ પુરુષ દરદીઓને મહિલા ડૉક્ટર તથા નર્સોએ અને મહિલા દરદીઓએ પુરુષ ડૉક્ટર તથા વૉર્ડબૉયને રાખડી બાંધીને આજીવન એકબીજાને સલામતીનું વચન આપ્યું ત્યારે થયા બધા ભાવવિભોર
મુલુંડમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટરમાં ગઈ કાલે એક દરદીને રાખડી બાંધી રહેલી એક ડૉક્ટર
જમ્બો કોવિડ સેન્ટરમાં ગઈ કાલે અનોખી રક્ષાબંધન જોવા મળી હતી. એમાં કોવિડ પૉઝિટિવ પુરુષ દરદીઓને મહિલો ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે રાખડી બાંધી હતી. એવી જ રીતે મહિલા દરદીઓએ ડૉક્ટરને અને અન્ય સ્ટાફને રાખડી બાંધીને રક્ષાબંધન ઊજવી હતી. પુરુષ દરદીઓને મહિલા ડૉક્ટરોએ રાખડી બાંધી ત્યારે તેમની આંખમાંથી આંસુ આવી ગયાં હતાં. કેટલાક દરદીઓ આજે પણ અહીં કોવિડની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલા જમ્બો કોવિડ સેન્ટરમાં ગઈ કાલે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ડૉક્ટરો, નર્સો, વૉર્ડબૉય, અન્ય સ્ટાફ વગેરેએ દરદીઓ સાથે રક્ષાબંધન મનાવી હતી. અહીં ટ્રીટમેન્ટ લઈ રહેલા ૪૧ દરદીઓ સાથે ૮ નાનાં બાળકોને રક્ષાબંધન નિમિત્તે પોતાના પરિવારજનોની યાદ ન આવે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ૨૧ પુરુષ દરદીઓને કોવિડ સેન્ટરમાં હાજર મહિલા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે રાખડી બાધી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે ૧૨ મહિલા દરદીઓએ પુરુષ ડૉક્ટરો, વૉર્ડબૉય અને અન્ય સ્ટાફને રાખડી બાંધી હતી. મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરના ડીન પ્રદીપ આંગ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં દાખલ થયેલા દરદીઓ પોતાના પરિવારના સંપર્કમાં આવી શકતા નથી. આ જ કારણસર અમે તેમના માટે પારંપરિક રીતે રક્ષાબંધનનું આયોજન કર્યું હતું. એમાં અમે પહેલાં દરદીઓની આરતી ઉતાર્યા બાદ રાખડી બાંધીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. કેટલાક પુરુષ દરદીઓ કોવિડને લઈને પરેશાન હતા. ગઈ કાલે રાખડી બાંધીને બનેલી બહેને તેમને કંઈ નહીં થાય અને તેઓ હંમેશાં તેમની સાથે રહેશે એવું વચન પણ આપ્યું હતું. કોવિડ સેન્ટરથી ગઈ કાલે બહેન-ભાઈનો એ સંબંધ બની ગયો હતો.’ જમ્બો કોવિડ સેન્ટરમાં ઍડ્મિટ ૪૮ વર્ષના એક પુરુષ દરદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મને એક નવી બહેન મળી છે. કોવિડ સેન્ટરમાં આવ્યા બાદ હું બહુ જ ગભરાઈ ગયો હતો અને છેલ્લા બે દિવસથી અનેક વિચારોમાં રહેતો હતો. જોકે ગઈ કાલે મારી નવી બહેને મને વચન આપ્યું છે કે તને કંઈ જ નહીં થાય અને હું હંમેશાં તારી સાથે છું. તેના એક વચનથી મારામાં પૉઝિટિવ વાઇબ્સ આવી ગયા છે. અહીંથી બહાર ગયા બાદ પણ મારી આ બહેન પાસે હું દર રક્ષાબંધનમાં રાખડી બંધાવીશ.’