સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીના ઉમેદવારને સમર્થન ન આપવાનું જાહેર કરી દીધું છે
ફાઇલ તસવીર
રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમાં બીજેપીએ રાજ્યની છઠ્ઠી બેઠક માટે પોતાના ઉમેદવાર ધનંજય મહાડિક વિજયી થવાનો દાવો કર્યો છે ત્યારે શિવસેનાના વિધાનસભ્યો ફૂટે નહીં એ માટે મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના તમામ વિધાનસભ્યોને મુંબઈ પહોંચવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય ઉદ્ધવ ઠાકરેએ પોતાના ઉમેદવારોને સમર્થન આપવા માટે અપક્ષ વિધાનસભ્યોને મનાવવાની કવાયત હાથ ધરી છે. બીજી બાજુ, શિવસેનાના ઉમેદવાર સંજય પવાર કોઈ રીતે બીજેપીને મહાત આપે એ માટે પણ મહા વિકાસ આઘાડી કમર કસી રહી છે.
એટલું જ નહીં, શિવસેનાના વિધાનસભ્યો મુંબઈ આવ્યા બાદ તેમનો સંપર્ક બીજેપી ન કરી શકે એવી રીતે એક ફાઇવસ્ટાર હોટેલમાં તેમને ત્રણ દિવસ રાખવાની યોજના શિવસેનાએ તૈયાર કરી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર શિવસેના જ નહીં, મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ ત્રણેય પક્ષના વિધાનસભ્યોને હોટેલમાં રાખવામાં આવશે.
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીના ઉમેદવારને સમર્થન ન આપવાનું જાહેર કરી દીધું છે, જ્યારે અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે એટલે તેઓ મત આપી શકશે કે નહીં એ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેવાની શક્યતા છે. બીજી તરફ ત્રણ બેઠક ધરાવતા હિતેન્દ્ર ઠાકુરે હજી સુધી સમર્થન બાબતે મગનું નામ મરી નથી પાડ્યું. આથી ખુદ ઉદ્ધવ ઠાકરે મેદાનમાં ઊતર્યા છે. તેમણે અપક્ષ વિધાનસભ્યોને મળીને મહા વિકાસ આઘાડી સરકારને સહયોગ કરવા માટેની બેઠક ગઈ કાલે બોલાવી હતી, પણ એમાં શું વાત થઈ અને અપક્ષ વિધાનસભ્યો શું કરશે એ વિશે કંઈ જાણવા મળ્યું નથી.