જોકે નવી મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની જવાબદારીથી હાથ ઝાટકીને આવાં બાળકોને સાચવવાની જવાબદારી તેમનાં મા-બાપની હોવાનું કહ્યું
ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં તરતાં બાળકો.
નવી મુંબઈમાં ઐરોલી સેક્ટર ત્રણમાં આવેલા રાજીવ ગાંધી મેદાનમાં સુધરાઈ તરફથી ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે એનો ઉપયોગ ગણપતિ વિસર્જન માટે નહીં પણ સ્થાનિકમાં રહેતાં નાનાં બાળકો સ્વિમિંગ માટે કરે છે. સ્થાનિક રાજકીય પાર્ટીઓએ સુધરાઈ સામે લાલ આંખ કરીને અહીં વિશેષ ધ્યાન આપવાની માગણી કરી છે.
કોરોનામાં ભીડ ઓછી કરવા માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરમાં ૧૫૦ કૃત્રિમ તળાવો બનાવ્યાં છે. જોકે અહીં સેફ્ટી અંગે સુધરાઈ તરફથી કચાશ હોવાથી બાળકોએ કૃત્રિમ તળાવોને સ્વિમિંગ પૂલ બનાવ્યાં છે. રાજીવ ગાંધી કૃત્રિમ તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિકમાં રહેતાં બાળકો સ્વિમિંગ કરતાં જોવા મળી રહ્યાં છે. એ જોતાં લોકોએ સુધરાઈ પાસે અહીં કડક સિક્યૉરિટી તહેનાત કરવામાં આવે એવી માગણી કરી છે.
અહીં રહેતા નીલેશ બાળખેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુધરાઈ તરફથી ગણેશોત્સવ માટે કૃત્રિમ તળાવ તો બનાવવામાં આવ્યાં છે, પણ સેફટીના નામે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જે બાળકો પાણીમાં સ્વિમિંગ માટે જાય છે એમાંના કોઈને કંઈ થશે તો એ માટે જિમ્મેદાર કોણ રહેશે? સુધરાઈને મેં કરેલી ફરિયાદ બાદ તળાવનું પાણી બદલવામાં આવ્યું છે.’
નવી મુંબઈ મહાનગરપાલિકાના ‘જી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર મહેન્દ્ર સાપરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બાળકો તો આવાં કૃત્ય કરે જ, પણ તેમને સાચવવાની જવાબદારી તેમનાં માતા-પિતાની છે.
તેમને આ વિષય પર વધુ પૂછવામાં આવ્યું કે અહીં સુધરાઈની કોઈ જવાબદારી નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સુધરાઈ કૃત્રિમ તળાવ તૈયાર કરી આપે છે, એમાં ક્યાંય લખ્યું નથી હોતું કે એ તળાવ સ્વિમિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ બાબતે બાળકોના વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ.’