યુદ્ધને લીધે યુક્રેનથી જીવ બચાવીને પાછા આવેલા મેડિકલના સ્ટુડન્ટ્સ માટે પાછા જવાનું હાલ તો શક્ય નથી લાગતું અને અહીં પણ સરકાર તેમના એજ્યુકેશન માટે કોઈ પગલાં નથી લઈ રહી : વિદ્યાર્થીઓ અને તેમનો પરિવાર આ અનિશ્ચિતતાને લીધે છે ચિંતામાં
યુક્રેનથી ભારત સલામત પાછા આવવાનો આનંદ હવે ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં બદલાઈ ગયો છે
રશિયા-યુક્રેનના યુદ્ધને ૧૦૦થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં શું થવાનું છે એની કોઈને ખબર નથી. એને લીધે બન્ને દેશને આર્થિક નુકશાન થઈ રહ્યું છે, પણ ત્યાં મેડિકલનું ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે તો આ યુદ્ધે એવી કફોડી હાલત કરી દીધી છે કે હવે બાકી રહેલું ભણતર તેઓ કઈ રીતે પૂરું કરશે એ જ તેમને નથી સમજાઈ રહ્યું. અત્યારે તો તેમને ઑનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે, પણ આગળ શું થશે એની કોઈ સ્પષ્ટતા તેમની પાસે નથી. ઓછામાં વધારે, આપણે ત્યાં સરકારે શરૂઆતમાં એવી આશા જન્માવી હતી કે અહીંની મેડિકલ કૉલેજોમાં આ સ્ટુડન્ટ્સને લઈ લેવામાં આવશે, પણ આ દિશામાં હજી કંઈ નક્કર કરવામાં નથી આવ્યું.
હાલમાં અધવચ્ચે રોકાઈ ગયેલા શિક્ષણને ઑનલાઇન પદ્ધતિથી પૂર્ણ કરીને અમુકની એક્ઝામ લેવાઈ ગઈ છે તો અમુકની લેવામાં આવશે. આ વર્ષનો અભ્યાસ તો ધક્કો મારીને પૂરો થયો, પરંતુ આગામી વર્ષનું શું એવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ચિંતામાં મૂકી દીધા છે.
ADVERTISEMENT
પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતાં વસઈમાં રહેતી રિતાંક્ષી પટેલના પપ્પા હેમંત પટેલે જણાવ્યું કે ‘યુદ્ધને કારણે દેશોનું તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ દેશના વિદ્યાર્થીઓનું પણ થઈ રહ્યું છે. યુક્રેનમાં એમબીબીએસ જેવા શિક્ષણની ફી ઓછી હોવાથી લોકો પોતાનાં બાળકોને અભ્યાસ માટે એટલાં દૂર મોકલતાં હોય છે. યુદ્ધમાં જેમ-તેમ જીવ જોખમમાં નાખીને બાળક ઘરે તો પહોંચી ગયાં, પણ હવે તેમના શિક્ષણની ચિંતા થઈ રહી છે. યુદ્ધની પરિસ્થિતિમાંથી બાળકો ઘરે પહોંચ્યાં ત્યારે નિરાંત થઈ અને એ પછી સરકારે તેમનું ઍડ્મિશન ભારતમાં કરાવી આપશે એવી વાત કરતાં રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સરકાર હવે એ વિશે કંઈ વિચારી નથી રહી. મારી દીકરી ચોથા વર્ષમાં ભણી રહી છે. ગઈ કાલથી તેની પરીક્ષા શરૂ થઈ છે. હાલમાં ઑનલાઇન ક્લાસ કરીને ઑનલાઇન પરીક્ષા આપીને આ વર્ષે કૉલેજ પૂરું કરાવીશું, પરંતુ આગામી વર્ષે શું થશે એની ચિંતા બધા પેરન્ટ્સને થઈ રહી છે. અમને મળેલી માહિતી મુજબ યુક્રેનની કૉલેજ બાળકોને બીજા દેશમાં ટ્રાન્સફર અપાવશે, પરંતુ પાસે આવેલા હંગરી અને પોલૅન્ડ જેવા દેશોમાં ફી વધુ છે. હાલની ફી કરતાં થોડી વધુ હોય તો અમે ઍડ્જસ્ટ કરી શકીએ, પરંતુ બમણી ફી ભરવી પડે તો એ કઈ રીતે કરવું એવા વિચાર અમને સતાવી રહ્યા છે, જ્યારે ભારતમાં તો ઍડ્મિશન મળવું શક્ય જ નથી.’
યુક્રેનથી આવેલી બીજી એક સ્ટુડન્ટ ખ્યાતિ પરમારે કહ્યું કે ‘હવે યુક્રેનમાં અમને પાછાં બોલાવે એ તો શક્ય નથી, પરંતુ યુક્રેનના સુમી જેવા વિસ્તારમાંથી ભારત પાછાં આવ્યા બાદ ત્યાં જવાની હિંમત પણ નહીં થાય. યુદ્ધની હાલતમાંથી પાછાં આવ્યા બાદ પોતાને સંભાળવું વિદ્યાર્થીઓ માટે અઘરું બની ગયું હતું. એ પછી ઑનલાઇન અભ્યાસ ચાલુ થતાં અમે પોતાને એમાં વ્યસ્ત રાખવા માંડ્યાં હતાં. હું એમબીબીએસના પાંચમા વર્ષમાં ભણી રહી છું અને ઑનલાઇન ક્લાસ કર્યા બાદ મેં ઑનલાઇન પરીક્ષા આપી છે. હવે અમારું એક મહિનાનું વેકેશન છે. અમારા કોર્સના છઠ્ઠા અને અંતિમ વર્ષમાં કૉલેજમાં અને હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરવી મહત્ત્વનું હોય છે. કોરોના વખતે પણ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ફરજિયાત કૉલેજ જવાનું હતું. ભારત સરકાર અમારા માટે કંઈક કરે એની રાહમાં અમે બેઠાં છીએ, પરંતુ અમને એ વિશે કોઈ જવાબ નથી મળી રહ્યો. એ ઉપરાંત યુક્રેનની કૉલેજ પણ આગળ અમારી સ્ટડીનું શું કરશે એ વિશે પણ કંઈ કહેવાઈ નથી રહ્યું. અમારી પાસે વેકેશનનો એક મહિનો જ છે, જેમાં અમે અમારા અભ્યાસના છેલ્લા અને અંતિમ વર્ષ વિશે કોઈક નિર્ણય લઈ શકીએ. અભ્યાસ પૂરો કેમ અને કેવી રીતે કરવો એની ચિંતાએ ઊંઘ ઉડાડી દીધી છે.’