બીએમસીનું ઇલેક્શન જીતવા ગઈ ચૂંટણીમાં જ્યાં ૧૦૦૦થી ઓછા મતોથી હાર થઈ હતી એ બૂથ આ વખતે અંકે કરવા બનાવ્યો ગેમ-પ્લાન
બીએમસી ઓફિસ
મુંબઈ : પોલ ખોલ આંદોલનની જાહેરાત બાદ હવે બીએમસીની આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા બીજેપી વધુ એક યોજના તૈયાર કરી રહી છે. આ યોજના મુજબ બીજેપી ૨૦૧૭ની ચૂંટણીમાં એના ઉમેદવારો જે મતદાર ક્ષેત્રમાં ૧૦૦૦ કે એથી પણ ઓછા મતોએ હાર્યા હતા એ વિસ્તારના મતદારોના જૂથ પર વધુ ધ્યાન આપશે.
ભૂતપૂર્વ નગરસેવકોની મળેલી મીટિંગમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. પક્ષના નેતા અને ભૂતપૂર્વ કૉર્પોરેટર વિનોદ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘બીજેપીના ઉમેદવારો ૧૦૦૦ કે એથી ઓછા મતથી હાર્યા હોય એવા કુલ બાવન વૉર્ડ છે. અમે આ વૉર્ડ પર ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અમે વૉર્ડમાં મજબૂત સ્થિતિ હાંસલ કરવા માટે બૂથ લેવલ પર કામ કરીશું. જે મતદાન કેન્દ્ર પર બીજેપીનો ઉમેદવાર બીજા ક્રમે રહ્યો હોય એ વિસ્તારમાં અમે મહેનત કરીશું અને પ્રત્યેક મતદાર સુધી પહોંચવાની કોશિશ કરીશું. અમે મતદારોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં આઠ વર્ષમાં કરેલા કામ વિશે માહિતી આપશું તેમ જ મોદી સરકારની નવી યોજનાઓ વિશે પણ જાણકારી આપશું. મુંબઈ માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલા કામ વિશે પણ તેમને જણાવીશું.’