બોરીવલીના એક બિલ્ડિંગમાં પ્રેગ્નન્ટ ફીમેલ મન્કી બધાનાં ઘરમાં ઘૂસીને કાળો કેર વર્તાવી રહી છે : ત્યાંના રહેવાસીઓ ભયભીત છે છતાં કાંઈ કરી શકતા નથી
બોરીવલીના બિલ્ડિંગના એક વિન્ડો પાસે બેસીને કેરી ખાતી વાંદરી
મુંબઈમાં અને ખાસ કરીને પરાંઓમાં વાંદરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. અગાઉ ઘાટકોપરમાં મન્કીઓના વધેલા ત્રાસને િમડ-ડે વારંવાર હાઇલાઇટ કરી ચૂક્યું છે, પણ હવે આવો જ ત્રાસ પશ્ચિમનાં પરાંઓમાં પણ વધ્યો છે. બોરીવલી-વેસ્ટના એસવી રોડ પર આવેલી કૃષ્ણનગરી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ‘સી’ અને ‘ડી’ વિંગમાં ફીમેલ પ્રેગ્નન્ટ વાનરનો ત્રાસ છેલ્લા ૧૦ દિવસથી ખૂબ જ વધી જવાને કારણે રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. ગ્રીલની અંદરથી અને વિન્ડોની સ્લાઇડિંગ ઓપન કરીને ઘરની અંદર ઘૂસીને ઘરની ખરાબ હાલત કરે છે. એટલું જ નહીં, ફ્રિજની અંદરનું ખાવાનું ખાઈને બધું વેરવિખેર કરી નાખતી હોવાથી રહેવાસીઓ ત્રાસી ગયા છે.
બોરીવલીના કૃષ્ણનગરી બિલ્ડિંગના ‘સી’ અને ‘ડી’ વિંગના ચૅરમૅન ભાનુ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાનરનો ત્રાસ અસહ્ય વધી ગયો છે. એક જ વાનર છે, પરંતુ એ દરેક રહેવાસીઓને બહુ જ હેરાન કરે છે. કોઈ પણ સમયે ઘરની અંદર ઘૂસીને કેરી ખાઈ જાય, ઘરને ખરાબ કરી નાખે, ફ્રિજની વસ્તુઓ નીચે ઢોળી દે અને આખું ઘર ખેદાન-મેદાન કરી નાખે છે. પર્સ કે મોબાઇલ પણ લેવા જાય છે. વાનરને કાઢવાની કોશિશ કરીએ તો એ બીજાના ઘરમાં ઘૂસી જાય છે. બિલ્ડિંગમાં નાનાં બાળકો પણ છે એને જો કંઈ નુકસાન પહોંચાડશે તો શું થશે એ ડર પણ સતત સતાવે છે. અમે આ બાબતે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવાના છીએ. વહેલી તકે વાનરને અહીંથી લઈ જાય જેથી બાળકો પણ વગર કોઈ ડરે બિલ્ડિંગમાં રમી શકે ને વાનરનો ડર પણ લોકોમાંથી દૂર થાય.’
ADVERTISEMENT
આ જ બિલ્ડિંગના અન્ય એક રહેવાસી ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાનર વિન્ડોની સ્લાઇડિંગ ખોલીને ઘરમાં ઘૂસી જાય છે. સોમવારે મારા ઘરની અંદર ઘૂસીને ફ્રિજમાં મૂકેલી ત્રણ કેરીમાંથી એક ખાધી અને બે લઈને નાસી ગયો. ઘરના વડીલો પણ બહુ ડરી રહ્યા છે. અચાનક સામે વાનર દેખાતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ઘરની અંદર પોટ્ટી પણ કરીને જાય છે. ઘરને ખરાબ કરવામાં આ વાનરે કોઈ કસર બાકી રાખી નથી. ફીમેલ પ્રેગ્નન્ટ વાનર હોવાથી કંઈ કરી શકાય નહીં, એ વિચારીને છોડી દઈએ છીએ. કોઈને હજી સુધી તો કંઈ નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ કોઈ કઈ નુકસાન થાય એ પહેલાં સુરક્ષિત રીતે આ ફીમેલ પ્રેગ્નન્ટ વાનરને બિલ્ડિંગમાંથી પકડીને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને લઈ જાય તો સારું થશે.’
થાણેના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારી રાકેશ ભોઇરે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે આ બાબતે હું વધુ તપાસ કરીને સત્વરે પગલાં ભરીશ.