આવી ઍડ્વાઇઝરી બ્રિટને એના નાગરિકો માટે બહાર પાડીને આઠ અઠવાડિયાં પ્રિકૉશન લેવા કહ્યું
પ્રતીકાત્મક તસવીર
યુકેની હેલ્થ સિક્યૉરિટી એજન્સીએ વધતાં જતાં મન્કીપૉક્સ વાઇરસ કેસને રોકવા માટે લોકો માટે ઍડ્વાઇઝરી આપતાં કહ્યું હતું કે મન્કીપૉક્સથી સંક્રમિત થયેલા લોકો પોતાના ઘરે જ ક્વૉરન્ટીન થઈ શકે છે. તેમ જ અન્ય લોકો સાથે નજીકના સંપર્કોને ટાળવા જોઈએ. મે મહિનામાં આફ્રિકા ખંડની બહાર ૩૦૦ કરતા વધુ મન્કીપૉક્સના કેસો નોંધાયા હતા. આફ્રિકામાં આ રોગ સામાન્ય રીતે જોવા મળે છે જેમાં આ રોગથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા લોકોમાં એ ફેલાય છે તેમ જ શરૂઆતમાં એમાં ફ્લુ જેવાં લક્ષણો જોવા મળે છે. શરીરની ચામડી પર પરું જોવા મળે છે. ઇંગ્લૅન્ડમાં મન્કીપૉક્સના વધુ ૭૧ કેસ મળી આવ્યા હતા. એની સાથે મે મહિનામાં કુલ કેસની સંખ્યા ૧૭૯ થઈ હતી.
યુકેની હેલ્થ એજન્સીએ લોકોને કહ્યું હતું કે સંક્રમિત થયેલો લોકોએ જાતે જ પોતાનાં કપડાં તેમ જ પલંગની ચાદરો વૉશિંગ મશીનમાં પાઉડર નાખીને ધોવી જોઈએ. વળી જેવાં મન્કીપૉક્સનાં લક્ષણો દેખાય કે સેક્સથી દૂર રહેવું જોઈએ. વીર્યને કારણે આ વાઇરસ ફેલાય એવા કોઈ પુરાવાઓ હાલ મળ્યા નથી એમ છતાં આ રોગનો શિકાર બન્યા બાદ સાજા થયેલા લોકોને સાવચેતીના ભાગરૂપે આઠ સપ્તાહ સુધી કૉન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. સરકારે શીતળાની રસીના ૨૦,૦૦૦થી વધુ ડોઝ મેળવ્યા છે. શીતળા અને મન્કીપૉક્સ વાઇરસ વચ્ચે ઘણી સમાનતા છે. આ રોગના દરદીઓની સારવાર કરતા હેલ્થ વર્કરોને ગાઉન, આંખની સુરક્ષા તેમ જ ગ્લવ્ઝ જેવાં રક્ષણાત્મક સાધનો પહેરવા માટે જણાવ્યું છે.