ચીનની રાજધાની બીજિંગ અને શાંઘાઈમાં કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા હતા એવા સમયે આ વ્યક્તિ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું
COVID-19
પ્રતીકાત્મક તસવીર
બીજિંગમાં કોવિડ-19ને અનુલક્ષીને લાગુ કરાયેલા ફરજિયાત આઇસોલેશનના નિયમનો ભંગ કરનારા એક વ્યક્તિ સામે ગુનાહિત તપાસ કરવામાં આવી રહી છે. કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરાતાં બીજિંગના અધિકારીઓને તેના ૫૦૦૦ કરતાં વધુ પાડોશીઓને સરકારી કે હોમ ક્વૉરન્ટીનમાં મૂકવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
ચીનની રાજધાની બીજિંગ અને શાંઘાઈમાં કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા હતા એવા સમયે આ વ્યક્તિ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાછળથી તેનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું ગાર્ડિયનમાં જણાવાયું હતું.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યા મુજબ લગભગ ૪૦ વર્ષની આસપાસની વયનો આ માણસ ૨૩ મેના જોખમી વિસ્તાર મનાતા શૉપિંગ પ્લાઝામાં ગયા બાદ તેને ઘરમાં જ એકાંતવાસમાં રહેવા જણાવાયું હતું. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આઇસોલેશનના સમય દરમ્યાન તે અને તેની પત્ની પૉઝિટિવ જાહેર થયાં એ પહેલાં તે અનેક વેળા બહાર ગયો હતો, જેને કારણે રોગના પ્રસારનું જોખમ વધી ગયું હતું. પરિણામે અધિકારીઓએ તેના બિલ્ડિંગમાં રહેતા ૨૫૮ લોકોને સરકારી ક્વૉરન્ટીનમાં તથા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં રહેતા ૫૦૦૦ કરતાં વધુ લોકોને ઘરમાં જ ક્વૉરન્ટીન થવા જણાવાયું હતું.