ફાયરિંગ બાદ મહિલાને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોમવારે રાત્રે એક આઘાતજનક ઘટના બની હતી. રિક્ષામાં જઈ રહેલી એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે મહિલા રિક્ષામાં બેસીને જય રહી હતી ત્યારે તેના બે અજાણ્યા બાઇકસવાર લોકોએ ફાયરિંગ કર્યું હતું.
છડેચોક થયેલા ફાયરિંગ બાદ મહિલાને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદ પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ (Arms act) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઉપલબ્ધ માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોલીસને આ ફાયરિંગની ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ જુહાપુરા પોલીસ અને સરખેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ન્યૂઝ૧૮ના અહેવાલ મુજબ બનાવ બાદ સરખેજ પોલીસ અને જુહાપુરા પોલીસની હદને લઈને પર ચર્ચા ગરમાઈ હતી. અંતે જુહાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલાને ત્રણ લોકો પર શંકા હોવાથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.