કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવાની ચીમકી આપ્યા બાદ તેમને પલાયન થતાં રોકવા માટે તેમના કૅમ્પને તાળાં મરાયાં
તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે તેમની સામે ખતરો વધ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર ઍડ્મિનિસ્ટ્રેશને વડા પ્રધાનના સ્પેશ્યલ પૅકેજ હેઠળ રોજગારી મેળવનાર કાશ્મીરી પંડિતો અને જમ્મુ ડિવિઝનના અન્ય કર્મચારીઓને છઠ્ઠી જૂન સુધી કાશ્મીરમાં ‘સુરક્ષિત સ્થળો’એ તાત્કાલિક ટ્રાન્સફર આપવાનો ગઈ કાલે નિર્ણય કર્યો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ સરકારી કર્મચારીઓની ટાર્ગેટેડ હત્યા અને એને પગલે કાશ્મીરમાંથી તેઓ પલાયન કરી જશે એવા ભયને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ પૅકેજ હેઠળ રોજગારી મેળવનારા અને કાશ્મીર ડિવિઝનમાં તહેનાત અન્ય લઘુમતી સમુદાયના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પોસ્ટિંગ આપવામાં આવશે. આ પ્રક્રિયા સોમવાર સુધી પૂરી કરવાની છે.
કાશ્મીરી પંડિતોએ સામૂહિક સ્થળાંતરની ચીમકી આપી હતી, જેના પગલે ગઈ કાલે જમ્મુ-કાશ્મીર ઍડ્મિનિસ્ટ્રેશને કાશ્મીરી પંડિતોને તેમના ટ્રાન્ઝિટ કૅમ્પમાં એક રીતે કેદ કરી લીધા હતા. જમ્મુની હિન્દુ સ્કૂલ ટીચર રજનીબાલાની મંગળવારે કુલગામ જિલ્લામાં તેની સ્કૂલની બહાર આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ કાશ્મીરી પંડિતોના મનમાં ડર વધ્યો છે. વડા પ્રધાનના સ્પેશ્યલ પૅકેજ હેઠળ રોજગારી મેળવતા લગભગ ૪૦૦૦ કાશ્મીરી પંડિતોએ ચેતવણી આપી હતી કે જો ઍડ્મિનિસ્ટ્રેશન તેમને ૨૪ કલાકમાં સુરક્ષિત સ્થળે તેમનું સ્થળાંતર નહીં કરે તો તેઓ કાશ્મીર છોડી દેશે.
ADVERTISEMENT
ગઈ કાલે કાશ્મીરી પંડિતોના ટ્રાન્ઝિટ કૅમ્પને અનેક જગ્યાઓએ સીલ કરી દેવામાં આવ્યાં હતાં. શ્રીનગરમાં ઇન્દ્ર નગર ખાતે સરકારી નોકરી કરતા અનેક કાશ્મીરી પંડિતો રહે છે એ વિસ્તારમાં પોલીસે એન્ટ્રી પૉઇન્ટ્સ બ્લૉક કરી દીધા છે અને એક પણ કાશ્મીરી પંડિતને ત્યાંથી બહાર જવા દેવામાં આવતો નથી. પંડિતો જતા ન રહે એના માટે અનેક કૅમ્પના મેઇન ગેટ્સને લૉક મારી દેવામાં આવ્યા છે.