દુબઈના દરેક સ્થળે કલ્પનાબહેને પતિના ફોટાેને બહાર કાઢીને જાણે તેમને દેખાડતા હોય એ રીતે પ્રવાસ કર્યો.
કલ્પના વિઠલાણી
હસબન્ડની દુબઈ ફરવાની ખૂબ ઇચ્છા હતી, પરંતુ ૨૦૧૭માં તેમણે આકસ્મિક વિદાય લીધી. હાલમાં ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે પરિવારના આગ્રહથી બહેન સાથે દુબઈ ફરવા ગયેલાં કલ્પના દિનેશ વિઠલાણીએ દરેક સ્થળે પતિદેવનો ફોટો સાથે રાખીને જાણે તેમને પણ દુબઈ ફેરવતા હોય એ રીતે આખી ટ્રિપ પાર પાડી હતી
સુખ-દુઃખના તમામ સંજોગો સામે ખભેથી ખભો મેળવીને લગ્નજીવનનાં ૩૭ વર્ષ સુધી સતત એકબીજાનો સાથ રહ્યો હોય અને અચાનક આ સાથ છૂટે તો એ આઘાત અકલ્પનીય હોય એ સ્વાભાવિક છે. કાંદિવલીમાં રહેતાં કલ્પના દિનેશ વિઠલાણી માટે પણ આ આઘાત અસહ્ય હતો જ્યારે ૨૦૧૭માં દિનેશભાઈની આકસ્મિક વિદાય થઈ. જોકે પતિ સદેહે ભલે દૂર થયા હોય પરંતુ યાદરૂપે જાણે સતત સાથે જ હોય એવો અહેસાસ પ્રત્યેક ક્ષણે તેમને રહ્યો. તાજેતરમાં કલ્પનાબહેન ૬૦મા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે તેમના આખા પરિવારે ધામધૂમથી ઉજવણી કરી. મુંબઈમાં ઉજવણી થયા બાદ કલ્પનાબહેનને દુબઈના પ્રવાસે મોકલવાની વિશેષ વ્યવસ્થા પરિવારે કરી હતી. આ પ્રવાસ શું કામ ખાસ હતો અને જીવનસાથીનો સંગાથ છૂટ્યા પછી કેવી રીતે જીવનને નવા દૃષ્ટિકોણથી કલ્પનાબહેન નિહાળી રહ્યાં છે એ જાણીએ આજે.
ધાર્યું નહોતું ક્યારેય
વિશાળ સંયુક્ત પરિવારમાં રહેલાં કલ્પનાબહેને જીવનના ઉતારચડાવ જોયા છે. સૌને સાથે લઈને ચાલવામાં ઘણી વાર ઘણું જતું પણ કર્યું છે. જોકે એ દરેક વાતનો તેમને ભરપૂર આનંદ છે. તેઓ કહે છે, ‘ઍડ્જસ્ટમેન્ટ એ જ જીવન છે. તમે ખુશી-ખુશી કરો તો આનંદથી જીવી શકાય અને તમે ઉકળાટ સાથે કરો તો જીવનમાં ચિંતા અને અસંતોષ જ રહે. નાનપણથી જ આ મેં જોયું છે અને જીવ્યું છે. મારાં મામા-મામીએ મને દત્તક લીધી હતી એટલે મને ચાર પેરન્ટ્સનો પ્રેમ પણ મળ્યો અને ટ્રેઇનિંગ પણ મળી. લગ્ન પછી શરૂઆતનાં વર્ષો તો પરિવારની જવાબદારી નિભાવવામાં જ ગયાં છે. બાળકો મોટાં થયાં. તેમને ભણાવ્યાં. સાસુ મારી સાથે હતાં. તેમની પાસેથી પણ હું ખૂબ શીખી છું. એ બધા વચ્ચે ઘણી તીર્થયાત્રા મેં મારા મિસ્ટર સાથે કરી. ભારતનાં પર્યટનસ્થળોએ પણ ખૂબ ફર્યાં છીએ પરંતુ અમે બન્ને ક્યારેય સાથે વિદેશ ફરવા ન જઈ શક્યાં. દુબઈ જવાનું તેમને ખૂબ મન હતું પરંતુ તેમની હેલ્થ ડાઉન રહેતી હોવાથી અમે દુબઈનો પ્લાન કરી ન શક્યાં અને એમાં અચાનક બાઇક પર અકસ્માતમાં તેઓ દુનિયા છોડીને ચાલી ગયા. ૩૭ વર્ષમાં એકેય વાર અમારે ઝઘડો નહોતો થયો. અમે બહુ જ સ્નેહપૂર્વકનું સાથે જીવ્યાં છીએ.’
ADVERTISEMENT
પ્રભુ છેને સાથે
કલ્પનાબહેનના બન્ને દીકરાઓ તેમને ફૂલની જેમ સાચવે છે. એકલતાનો અહેસાસ મમ્મીને ક્યારેય ન થાય એની દરકાર તેમણે રાખી છે. કલ્પનાબહેન કહે છે, ‘હસબન્ડ બીમાર રહેતા હોવાથી મોટા ભાગનો સમય તેમનું ધ્યાન રાખવામાં નીકળી જતો. જોકે તેમના ગયા પછી હવે શું કરવું એ વિચારથી ખાસ્સો ખાલીપો આવ્યો હતો. જોકે પ્રભુભક્તિમાં હંમેશથી હું આગળ પડતી રહી છું. સાંજે કીર્તન કરવાનો મારો નિયમ વર્ષોથી છે. હવે તો અમારા બિલ્ડિંગની બહેનોનું એક ગ્રુપ બનાવીને રોજ સાંજે અમે ભજન-કીર્તન કરીએ છીએ. નવરાશના સમયમાં વાંચન શરૂ કર્યું. વૉક કરવા જાઉં છું. એવામાં ૨૦૧૯માં અમારા રિલેટિવ્સ સાથે અમેરિકા જવાનું થયું. આ મારો પહેલો વિદેશ પ્રવાસ હતો. એ પછી હું એકલાં પ્રવાસ કરતાં પણ શીખી. દુનિયાની દૃષ્ટિએ હું એકલી હતી પરંતુ મારે મન હું ક્યારેય એકલી હોતી જ નથી. સતત એમ જ લાગે કે મારા મિસ્ટર મારી સાથે છે. ક્યાંય પણ હોઉં, તેમનો ફોટો મારી સાથે જ હોય. કૅલિફૉર્નિયામાં રહેતા એક રિલેટિવને ત્યાંથી બીજા સંબંધીને ત્યાં હ્યુસ્ટન જવા માટે હું બે ફ્લાઇટ બદલીને એકલી ગઈ હતી. પહેલી વાર જતાં હોઈએ ત્યારે ઇમિગ્રેશનના નિયમો, કયાંથી જવાનું એ ખબર ન હોય અને પાછું ચાલવાનું પણ લાંબું હોય એટલે મેં વ્હીલ-ચૅર લઈ લીધેલી.’
અહેસાસની વાત
૨૦૧૯માં અમેરિકામાં દસ સ્ટેટ કલ્પનાબહેન ફરી આવ્યાં છે. એ જ રીતે આ નવેમ્બરમાં દુબઈમાં પણ તેઓ ૧૪ દિવસ રહ્યાં. તેમની સાથે આ પ્રવાસમાં તેમનાં બહેન પણ હતાં. સાથે દુબઈમાં બહેનની દીકરી રહેતી હોવાથી તે પણ ઘણાં સ્થળે સાથે આવી. કલ્પનાબહેન કહે છે, ‘દુબઈનો પ્રવાસ મારા માટે ઘણી રીતે ખાસ હતો. સૌથી પહેલાં તો મારા હસબન્ડ માટે એ ડ્રીમ ડેસ્ટિનેશન સમાન હતું. ત્યાંના લગભગ દરેક સ્થળે હું જઈ આવી. બુર્જ ખલીફાના ૧૨૫મા માળે ગઈ હતી. સફારી રાઇડ કરી. ગ્લોબલ વિલેજ જોયું. દરેક સ્થળ પર હું તેમના ફોટો સાથે ગઈ અને જે-તે સ્થળે ફોટો બહાર કાઢીને જાણે તેમને દેખાડતી હોઉં એ રીતનો પ્રવાસ કર્યો. સૌથી વધારે મજા મને ત્યાં ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાનની મૅચ જોવાની આવી. અમારા ઘરમાં ક્રિકેટનો બધાને જ બહુ શોખ છે. હું અને મારા મિસ્ટર સાથે મૅચ જોતાં. મુંબઈમાં ક્યારેય કોઈ સ્ટેડિયમમાં મેં મૅચ નહોતી જોઈ પરંતુ દુબઈમાં હું મૅચ પણ જોઈ આવી. એક જ વાત કહીશ કે ડરવું નહીં. જીવનમાં સતત વહેતા રહેવાનું. હારશો તો થાકશો. મનથી મક્કમ રહે તેને કોઈ હરાવી ન શકે. સ્વીકાર અને ઍડ્જસ્ટમેન્ટ જ મારા જીવનનો મંત્ર છે.’