Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભારતમાં સંસ્કૃતિનો જે સમૃદ્ધ પટારો છે એ કોઈ સમૃદ્ધ દેશોમાં પણ નથી

ભારતમાં સંસ્કૃતિનો જે સમૃદ્ધ પટારો છે એ કોઈ સમૃદ્ધ દેશોમાં પણ નથી

Published : 12 May, 2022 01:52 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એવું માનવું છે બ્રિટન અને ભારતના ખૂણેખૂણાને એક્સપ્લોર કરનારા મુંબઈ મેટ્રોમાં કાર્યરત ઍરોસ્પેસ એન્જિનિયર જય શેઠનું

જય શેઠ

અલગારી રખડપટ્ટી

જય શેઠ


એવું માનવું છે બ્રિટન અને ભારતના ખૂણેખૂણાને એક્સપ્લોર કરનારા મુંબઈ મેટ્રોમાં કાર્યરત ઍરોસ્પેસ એન્જિનિયર જય શેઠનું. તે માને છે કે ટ્રાવેલિંગ જગ્યાઓ જોવા જ નહીં, અઢળક અવનવા અનુભવોનો આસ્વાદ માણવા માટે હોય છે. જીવનભર આવા અનુભવોનો ખજાનો પોતાના પટારામાં ભરવાના શોખીન જયની રખડપટ્ટીની અવનવી વાતોનો રસાસ્વાદ માણીએ


કેટલાક લોકો એવા છે જેમના જીવનમાં ટ્રાવેલ નાનપણથી જ ઘર કરેલું હોય છે તો કેટલાક લોકો મોટા થયા પછી આ શોખ ડેવલપ કરે છે. અંધેરીમાં રહેતા ૩૯ વર્ષના ઍરોસ્પેસ એન્જિનિયર જય શેઠ, જે હાલમાં મુંબઈ મેટ્રોમાં કાર્યરત છે તેમના જીવનમાં ટ્રાવેલ એમના ભણતર પછી આવ્યું. યુકેથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ભણીને ત્યાની જ રેલવેમાં જોડાયા પછી જય શેઠને લાગ્યું કે હવે ફરવાનો શોખ પાળવા-પોસવા જેવો છે. પોતે ત્યાં રેલવેમાં જ જૉબ કરતા હોવાથી ત્યાં રેલવેમાં ફ્રીમાં ટ્રાવેલ થતું. એનો લાભ લઈ જયે આખું યુકે ફરી લીધું.



શોખને કેળવ્યો 
‘ટ્રાવેલિંગ એક શોખ છે પરંતુ એ ફરતા-ફરતા પણ ડેવલપ થતો હોય છે’ એમ સ્પષ્ટ કરતાં જય કહે છે, ‘એક વખત તમે ફરવાનું શરૂ કરો એટલે ટ્રાવેલિંગમાં એટલી મજા પડવા લાગે છે, એટલા નવા અનુભવો સામે આવે છે, તમે ખુદ એટલું બધું શીખો છો અને મજા કરો છો કે ધીમે-ધીમે તમને એ રીતે શીખવાની અને એ રીતે જ મજા કરવાની આદત પડતી જાય છે. એ આદતને તમે પોષો એટલે એ બની જાય છે શોખ અને જ્યારે શોખ વધતો ચાલે છે ત્યારે એ જુનૂન બની જતું હોય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. યુકેમાં ફરવાની શરૂઆત થઈ. યુકેનો ખૂણેખૂણો હું ફરી વળ્યો એમ કહું તો ખોટું નથી અને યુરોપમાં પૅરિસ પણ હું ફરી આવ્યો.’ 


આખું યુકે ફર્યું 
જય યુકેમાં બોરેનમાઉથ, સાઉધમ્પ્ટન, બ્રિસ્ટોલ, કાર્ડિફ, મૅન્ચેસ્ટર, બર્મિંગહૅમ, લેસ્ટર, પ્રીસ્ટન, બોલટન, બ્લૅકપુલ, કોવેન્ટ્રી, સ્વીડન, બ્રાઇટન, ડર્બી, બાથ, નોટિંગહૅમ, શેફીલ્ડ, લફબરાહ એટલે કે ટૂંકમાં આખું યુનાઇટેડ કિંગડમ. બ્રિટનમાં ક્યાં તે નથી ફર્યો એની યાદી બનાવવી પડે. ૨૦૧૨માં તે ઇન્ડિયા પાછો આવ્યો. ત્યાં સુધીમાં તો તેને ફરવાનો ચસકો લાગી ચૂક્યો હતો. એ પહેલાં તે ઇન્ડિયા ખાસ ફર્યો પણ નહોતો.

સામાન્ય મુંબઈગરાની જેમ તે લોનાવલા, ખંડાલા ગયેલો પણ બાકી કોઈ પણ જગ્યાને ઊંડાણથી એક્સપ્લોર કરેલી નહીં. ભારત પાછા ફરીને એણે દેશ ફરવાનું શરૂ કર્યું. છેલ્લાં ૧૦ વર્ષમાં એ ભારતનો ઘણો બહોળો પ્રદેશ ફરી ચૂક્યો છે. વર્ષમાં વાઇફ સાથે ૨-૩ ટૂર, મિત્રો સાથે બે-ત્રણ ટૂર અને ઓછામાં ઓછી એક લાંબી ટૂર તેની નક્કી જ હોયે જ્યાં જઈ આવ્યા હોય એ જગ્યાએ નહીં અને બીજી જગ્યાએ જ જવું એવા નિર્ધાર સાથે તે ભારતની ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ દિશામાં ખૂણેખૂણો ફરવા માગે છે. 


ઇન્ડિયાની મજા જ જુદી 
ભારતમાં જેને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કહેવાય એવાં બધાં સ્થળોએ જયે એક્સપ્લોર કર્યું છે. મહારાષ્ટ્રમાં માથેરાન, અલીબાગ, મહાબળેશ્વર, દાપોલી, ગણપતિપુલે, ગોઆ, બૅન્ગલોર, કન્યાકુમારી, કોવાલમ, હૈદરાબાદ, નાગપુર, ભાવનગર, જામનગર, ઉદયપુર, જોધપુર, જેસલમેર, અજમેર, બિકાનેર, જયપુર, અમ્રિતસર, લુધિયાણા, મનાલી, શિમલા, કસોલ, હરિદ્વાર, હૃષીકેશ, દેહરાદૂન, કલકત્તા, દાર્જીલિંગ, ગૅન્ગટૉક ફરી આવ્યો છે. આ દરેક જગ્યાને  અલગ નજરથી એક્સપ્લોર કરો તો રૂટીન લાગતાં શહેરોમાં પણ જોવા-માણવા જેવું ખૂબ છે એવું તે માને છે. યુકે અને ઇન્ડિયામાં આટલું બધું ટ્રાવેલ કરી ચૂક્યા પછી બન્ને દેશમાં મૂળભૂત તફાવત તને શું લાગે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જય કહે છે, ‘યુકેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ વ્યાપક અને સારું છે. જૂનામાં જૂની વસ્તુને એ લોકો સાચવી જાણે છે, એની કદર કરે છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું વેકેશન પ્લાન કરવું સરળ છે; કારણ કે બધું બહુ સિસ્ટમૅટિક હોય છે. ત્યાંની ટ્રેઇલ્સ કરવી મને ખૂબ જ ગમતી. નૅચરલ બ્યુટી અને દેશના હેરિટેજને એ લોકો સાચવી રાખે છે. આમ એની જુદી મજા છે. પરંતુ ઇન્ડિયામાં ટ્રાવેલ એટલે નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી એટલું જ નથી; જુદા-જુદા લોકો, જુદું-જુદું કલ્ચર, ખાણી-પીણી જેવા અઢળક અવનવા અનુભવોનો આસ્વાદ માણવા મળે છે. જે વરાઇટી આ દેશમાં ટ્રાવેલ કરીને મળે એ યુકે જેવા સમૃદ્ધ દેશ પાસે પણ નથી. એક જગ્યાથી બીજી જગ્યા સાવ જુદી છે. વળી અહીં લોકો એટલા પ્રેમાળ અને મદદગાર હોય છે કે તમને તમારો ટ્રાવેલ અનુભવ જીવનભર યાદ રહી જાય. ટ્રાવેલ કોઈ પણ વ્યક્તિ કરે છે જ એટલા માટે કે એ જીવનભરનું સંભારણું બની જાય. એટલે મને અહીં ફરવાની ખૂબ મજા પડે છે.’

ટ્રાવેલમાં જય બધા જ પ્રકારના અનુભવો લેવામાં માને છે. એ વિશે વાત કરતાં તે  કહે છે, ‘હું ફાઇવસ્ટાર સ્ટેથી લઈને ટૂ-સ્ટાર હોટેલમાં પણ રહ્યો છું. હોમ સ્ટેથી લઈને ટેન્ટમાં પણ રહ્યો છું. ફ્લાઇટ, ટ્રેન જ નહીં મેં લાંબી રોડ જર્ની પણ કરી છે. એકદમ પ્લાન્ડ ટ્રિપથી લઈને કશું જ પ્લાનિંગ ન હોય એવી ટ્રિપ પણ કરી છે. એની પાછળ એ જ કારણ છે કે હું દરેક વસ્તુને ઓછામાં ઓછી એક વાર કરીને જોવા માગુ છું કે એ અનુભવ કેવો રહ્યો. દરેક પ્રકારના જુદા-જુદા અનુભવો જ ટ્રાવેલિંગની ખરી મજા છે.’

રોડ ટ્રિપનો યાદગાર અનુભવ 
તેના ટ્રાવેલ અનુભવોમાં રોડ ટ્રિપનો અનુભવ યાદગાર રહ્યો એ જણાવતાં જય કહે છે, ‘ગયા વર્ષે અમે બાય રોડ ખુદ ડ્રાઇવ કરીને મુંબઈથી રાજસ્થાન ગયા હતા, જેમાં રાજસ્થાનની મુખ્ય ત્રણ જગ્યાઓ જોધપુર, જેસલમેર અને બિકાનેર કવર કરી હતી. આ ટ્રિપમાં હું ખૂબ મોટા ઍક્સિડન્ટથી બચ્યો હતો. હું ડ્રાઇવ કરી રહ્યો હતો. રાતનો સમય હતો અને મને ખૂબ ઊંઘ આવતી હતી. એવામાં મારી બાજુમાં બેઠેલા મિત્રએ ગાડીની ચાલ સમજીને તરત જ મને ઉઠાડ્યો. એ એક ક્ષણ પણ મોડું થયું હોત તો આજે કદાચ અમે હોત જ નહીં. બાય રોડ જાતે ડ્રાઇવ કરીને જવાના અભરખા હોય ત્યારે એની ગંભીરતા આવા અનુભવોથી આવે છે. ક્યારેક નવી જગ્યા એક્સપ્લોર કરતાં-કરતાં અમે રસ્તા ભૂલી ગયા હોઈએ અને અટવાઈ પડ્યા હોઈએ એવું તો અનેક વાર બન્યું છે. ક્યારેક રસ્તામાં નેટ ચાલતું ન હોય એટલે મૅપની ગાઇડ વિના જ વાહન ચલાવવાનું થાય ત્યારે આવું બને. આજે આ જૂના કિસ્સાઓ યાદ કરીને હું ઘણો હસતો હોઉં છું કે કેવું થયેલું?’

અનોખો અનુભવ 
એક ખૂબ જ અલગ અનુભવ પણ તેમને આ જ ટૂર પર થયો હતો. બિકાનેરમાં એક મંદિર એમને મળ્યું જે કરણી માતા મંદિર છે જ્યાં લોકો ઉંદરની પૂજા કરે છે. આ મંદિરની અંદર ૨૫,૦૦૦ જેટલા ઉંદરો છે. ત્યાં માણસ જાય તો આમથી તેમ ભાગતા ઉંદરો જ ઉંદરો જોવા મળે. એ વિશે વાત કરતાં જય કહે છે, ‘આ અનુભવ બહુ અલગ હતો. ખૂબ જ ચીતરી ચડે તમને આટલા ઉંદરો જોઈને. આમથી તેમ ભાગતા ફરતા હોય ત્યારે એ તમારા પગ પર પણ ચડી જઈ શકે છે. મારા પગ પર એ ચડ્યો ત્યારે મને ખૂબ જ ગંદી ફીલિંગ આવેલી. અમે જલદીથી ત્યાંથી બહાર નીકળી ગયા. પણ આજે એના વિશે વિચારું છું તો લાગે છે કે એ પણ એક જુદો જ અનુભવ હતો.’

સુખી દામ્પત્યનું રહસ્ય 
જયનાં પત્ની નિકિતા શેઠ આઇટી કંપનીમાં જૉબ કરે છે. બન્ને પતિ-પત્ની અત્યંત બિઝી રહે છે. પરંતુ એકમેક માટે સંપૂર્ણ ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ટાઇમ કાઢવા એ બન્ને સાથે ટ્રાવેલ કરે છે. એ વિશે વાત કરતાં જય શેઠ કહે છે, ‘અમારા સુખી દામ્પત્યજીવનનો રાઝ પણ આ જ છે. ટ્રાવેલિંગ તમને એકબીજા સાથે એ સમય આપે છે જેની તમને ખાસ જરૂર રહે છે. મને આનંદ છે કે અમને બન્નેને ટ્રાવેલિંગ પસંદ છે.’

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 01:52 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK