વીક-એન્ડમાં એક દિવસ ફરજિયાતપણે ટ્રેકિંગ પર અને ટ્રેકિંગ ન હોય ત્યારે ટ્રાવેલિંગ એ ઘાટકોપરના ૨૬ વર્ષના તેજસ મામણિયાનો ક્રમ છે
તેજસ મામણિયા
વીક-એન્ડમાં એક દિવસ ફરજિયાતપણે ટ્રેકિંગ પર અને ટ્રેકિંગ ન હોય ત્યારે ટ્રાવેલિંગ એ ઘાટકોપરના ૨૬ વર્ષના તેજસ મામણિયાનો ક્રમ છે. એ ઉપરાંત લાંબા પ્રવાસ જુદા. મહારાષ્ટ્રના બધા પહાડો, હિમાલયના સૌથી અઘરા ટ્રેક ખૂંદવાની સાથે તેમને એકદમ અવનવી જગ્યાઓ જ્યાં મોટા ભાગના ટૂરિસ્ટ જતા નથી એ શોધવાનું ખૂબ ગમે છે
‘કોઈ પણ જગ્યા જ્યાં સુધી જાણીતી બનતી નથી, લોકો ત્યાં સુધી પહોંચ્યા નથી હોતા એને શોધી કાઢવાની મજા જ જુદી છે; કારણ કે એની બ્યુટી એકદમ રૉ હોય છે. જેવી એક જગ્યા ટૂરિસ્ટ પ્લેસ બને છે એની કુદરતી સુંદરતા છીનવાઈ જાય છે. ગેટવે ઑફ ઇન્ડિયા જ ઉદાહરણ તરીકે લઈએ તો વર્ષો પહેલાંનો ગેટવે જે ફોટોગ્રાફમાં દેખાય છે અને આજના ગેટવે પર ફરવામાં ઘણું અંતર છે. એટલે મને એવી જગ્યાઓ શોધવામાં રસ છે જ્યાં સુધી કોઈ પહોંચ્યું નથી. એમાં બે પ્રકારની મજા છે. એક તો આ પ્રકારની જગ્યા શોધવાનો અનુભવ અને એક ત્યાંની સહજ સુંદરતા માણવાનો લહાવો.’
આ શબ્દો છે ૨૬ વર્ષના ઘાટકોપર રહેતા તેજસ મામણિયાના જેને એકદમ નવી અને ખાસ પ્રચલિત ન હોય એવી જગ્યાઓએ જવાનો જબરજસ્ત અભરખો છે, જે છેલ્લાં ૧૦ વર્ષથી ટ્રાવેલર પણ છે અને ટ્રેકર પણ.
ગયા વર્ષે તેમના આ શોખને પૂરો કરવા માટે તેઓ કર્ણાટકમાં સહસ્ત્રલિંગા નામક જગ્યાએ ગયા હતા જ્યાં નદીની અંદર અઢળક સ્વયંભૂ શિવલિંગ છે. આ જગ્યાએ એ કેવી રીતે પહોંચ્યો એ જાણવાલાયક છે. એ યાદ કરતાં તેજસ કહે છે, ‘કર્ણાટકમાં હું સોલો ટ્રિપમાં જવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ એક મિત્ર સાથે ચાલ્યો. કર્ણાટકના હમ્પી અને ગોકર્ણા એવી જગ્યાઓ છે જ્યાં બધા જ જતા હોય છે. અમે પણ ગયા હતા. ત્યાંથી અમે એક સ્કૂટર રેન્ટ પર લીધું અને હાઇવે તરફ નીકળી પડ્યા. હાઇવે પર અમે એક મંદિર જોયું. ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં અમે બોર્ડ પર એમની ભાષામાં લખેલી વિગત
જોઈ. આ બાબતે એટલું કુતૂહલ જાગ્યું કે જેટલું સમજ આવ્યું એ મુજબ ગૂગલ સર્ચ કર્યું તો ખબર પડી કે આ નજીકમાં આવેલી કોઈ નદીની વાત હતી.
લોકોને પૂછતાં-પૂછતાં અને સમજતાં-સમજતાં અમે ફાઇનલી સહસ્ત્રલિંગા પહોંચ્યા હતા. શું અદ્ભુત જગ્યા હતી એ! અમને નવાઈ લાગી કે હજી સુધી વધુ લોકોને આના વિશે ખાસ ખબર કેમ નથી?’
અકસ્માત પછી પણ ન છોડ્યું
તેજસે લગભગ ૧૬ વર્ષની ઉંમરથી જ ફરવાનો શોખ ડેવલપ કર્યો હતો. પોતે એનસીસી કૅડેટ હતો. સ્કૂલમાં પર્વત ચડતાં શીખવતા હતા ત્યારે તેનો એક ઍક્સિડન્ટ થયો હતો અને તેને કારણે તેનો પગ ભાંગી ગયો હતો. એટલે એ ૨-૩ વર્ષ ટ્રાવેલ ન કરી શક્યો. પરંતુ આટલા મોટા અકસ્માત પછી ટ્રાવેલ કરવાની પરવાનગી ઘરના લોકો આપે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેજસ કહે છે, ‘ઘરના લોકો બિલકુલ પરવાનગી આપે નહીં એ મને સ્પષ્ટ હતું પરંતુ હું અકસ્માતના ડરે ઘરમાં ભરાઈ રહું એવો નહોતો. શરૂઆતમાં ખોટું બોલી-બોલીને ફરવા ગયો હતો. પછી ત્યાંથી પાછો આવું એટલે માફી માગું. ઘરના લોકોને મેં સમજાવ્યા કે હું જવાબદારીથી ટ્રાવેલ કરીશ, તમે ચિંતા ન કરો. એ સ્કૂલમાં થયો હતો એ પહેલો અને છેલ્લો અકસ્માત હતો. હવે એ નથી થતા, કારણ કે હું મારી જવાબદારી લઉં છું અને ટ્રેકિંગ અને ટ્રાવેલિંગ બન્ને સાવધાની સાથે કરું છું.’
બજેટનું ધ્યાન
તેજસે ટ્રાવેલિંગની શરૂઆત ત્યારે કરી જ્યારે તે સ્કૂલ-કૉલેજમાં હતો. તેના મનમાં એ નક્કી હતું કે પોતાના પૉકેટ મનીમાંથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ કઈ રીતે ફરી શકાય એ શીખવું. એ સમયે પણ ૧૦-૨૦ હજારમાં એક મોટી ૧૦-૧૨ દિવસની ટૂર તે કરતો હતો. આને કારણે આજે પણ જ્યારે તે ખુદ કમાય છે ત્યારે પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ કઈ રીતે ફરી શકાય એના રસ્તાઓ શોધતાં તેને આવડે છે. આના વિશે વાત કરતાં તે કહે છે, ‘આજની તારીખે કૉલેજના જે છોકરાઓ પેરન્ટ્સ પાસેથી ૫૦-૬૦ હજાર રૂપિયા લઈને મોટી ટૂર કરવા નીકળી જાય છે તેમને હું સમજાવું છું કે ટ્રાવેલિંગ આ રીતે ન કરવું જોઈએ. જેમ કે આ ઉંમરમાં તમારે ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાની જરૂર નથી. ટ્રેનમાં ટ્રાવેલ કરો. મેં તો એમ જ શીખ્યું છે. મને આજે પણ સ્લીપરમાં ટ્રાવેલ કરવું ગમે છે. એમાં પૈસા તો બચે જ છે સાથે-સાથે જીવનનો અલગ અનુભવ મળે છે. જુદા-જુદા રાજ્યની ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં ત્યાંના લોકલ્સ સવારી કરતા હોય છે. તેમની પાસેથી તેમના રાજ્ય વિશે માહિતી મળે, લોકોને અલગ દૃષ્ટિથી સમજવા મળે છે. લક્ઝરી ટ્રાવેલ કરતાં આ પ્રકારનું બજેટ ટ્રાવેલિંગ મને લાગે છે વધુ ઉપયોગી છે. ભારત એક એવો દેશ છે જ્યાં ફરવા માટે પૈસાની નહીં, નીયતની વધુ જરૂર પડે છે. એટલે જેની પાસે પૈસા નથી એ પણ ઓછા પૈસામાં કરોડોનો અનુભવ લઈ શકે છે.’
દર અઠવાડિયે ટૂર
તેજસ ભારતમાં લદાખ, મનાલી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કચ્છ, અજમેર, રાજસ્થાન, કેરલા, કર્ણાટકામાં જાણીતી અને નહીં અથવા તો ઓછી જાણીતી જગ્યાઓએ ફર્યો છે. આ સિવાય ચાદર ટ્રેક, કેદારકંઠ ટ્રેક, બ્રહ્મતાલ ટ્રેક, રૂપકુંડ ટ્રેક, હરકી દુન ટ્રેક જેવા કઠિન ટ્રેક્સ કરી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં અંધરબાન ટ્રેક, ઘુમતારા ટ્રેક, કળસુબાઈ ટ્રેક, હરિશ્ચંદ્રગઢ ટ્રેક, અશેરીગઢ ટ્રેક, ભીવગઢ ટ્રેક, કલાવન્તીન દુર્ગ ટ્રેક, ભીમશંકર ટ્રેક, પ્રબલમાચી ટ્રેક, પ્રબલગઢ, કોંધાણા કેવ્સ, રાજમચી કિલ્લો, વિકટગઢ પેબ કિલ્લો, વિસાપુર, ડ્યુક નોઝ, ગાર્બેટ પ્લૅટો અને મહારાષ્ટ્રનાં અઢળક ઝરણાંઓ અને એ ઝરણાંઓના ટ્રેક્સ પણ તે કરી ચૂક્યો છે. એમાં એક સમયે એ ટ્રેકિંગ શીખતો હતો, હવે આટલાં વર્ષોના અનુભવ પછી એ હવે બીજા લોકોને શીખવે છે. ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં તે રેપલિંગ, કમાન્ડો રેપલિંગ, વૉટરફૉલ રેપલિંગ, ઝિપલાઇન, બંજી જમ્પિંગ, રિવર રાફ્ટિંગ, કાયાકિંગ ઘણીબધી વાર કરી ચૂક્યો છે. ઇન્સ્ટ્રક્ટર તરીકે એ છેલ્લાં ૪ વર્ષથી દર અઠવાડિયે શની-રવિ બન્ને દિવસ નહીં તો ક્યારેક એક દિવસ કૅમ્પ માટે જાય જ છે. જ્યારે ટ્રેકિંગ ન હોય ત્યારે ફરવાનું અને ફરવાનું ન હોય ત્યારે ટ્રેકિંગ ફિક્સ જ છે. દર અઠવાડિયે જવું જ એ તેના નિયમ જેવું બની ગયું છે.
૩-૪ કલાકની ઊંઘ
આટલું ટ્રાવેલ કરવાવાળી વ્યક્તિ કંઈ ખાસ કામ નહીં કરતી હોય એવું
લાગે પરંતુ એવું નથી. પોતે પોતાના પિતાના વાસણના બિઝનેસને સંભાળે છે. પોતે MSC-IT ભણેલો છે એટલે પાર્ટટાઇમ આઇટીનું કામ સંભાળે છે. ગયા વર્ષે લોકોને પોતાના ટ્રાવેલિંગના અનુભવનો લાભ અપાવવા માટે
અને હટકે ટ્રાવેલિંગ જગ્યાઓ પર
લઈ જવા માટે એણે પોતાની ટ્રાવેલ કંપની પણ શરૂ કરી છે. તેને ફોટોગ્રાફીનો પણ
ઘણો શોખ છે. આ સિવાયની તેની પોતાના કૅમ્પ, ટૂર અને ટ્રાવેલિંગ થાય એ જુદાં. આટલુંબધું એકસાથે
કેવી રીતે મૅનેજ થઈ શકે છે એ વાતનો
જવાબ આપતાં તેજસ કહે છે,
‘આમાંથી એકપણ વસ્તુ છોડી શકાય એમ નથી. હું રાત્રે ૨-૩ વાગે સૂઉં છું અને સવારે ૭ વાગ્યે ઊઠી જાઉં છું. ૩-૪ કલાકની ઊંઘ મને પૂરતી થઈ જાય છે. મને કામ કરવાની એનર્જી મારા ટ્રાવેલિંગથી મળે છે. જીવનનો એક અલગ જ દૃષ્ટિકોણ વિકસે છે એનાથી. એટલે કોઈ પણ રીતે
બૅલૅન્સ કરીને પણ હું મારું ટ્રાવેલિંગ નહીં છોડું.’
ઓછામાં ઓછો સામાન
ADVERTISEMENT
તેજસ બૅકપૅક ટ્રાવેલમાં માને છે. એટલે કે તે જ્યાં પણ જાય ત્યાં સૌથી ઓછો સામાન લઈને જાય છે. ૨-૪ જોડી કપડાં, ટૉઇલેટરીઝ, મોબાઇલ ચાર્જર જેવી અત્યંત જરૂરી વસ્તુઓ જ એની સાથે હોય. ફોટોગ્રાફીનો શોખ હોવાથી એક બૅગ તેની હોય બસ. હિમાલયમાં જ્યાં ટ્રેક કરવા જાય ત્યાં તમારો સામાન ઊંચકવા માટે માણસો મળે, જે સામાન લઈને તમારી સાથે ચાલે. આ બાબતે તેજસ કહે છે, ‘મને એવું જરાય ન ગમે કે આપણો સામાન બીજા ઊંચકે. આપણે આપણો ભાર ખુદ જ ઊંચકવો જોઈએ. એટલે ઓછામાં ઓછો સામાન હું સાથે લઈને નીકળું છું. એ સામાન એટલો જ હોય છે જે લઈને હું ટ્રેક કરી શકું.’