અંધેરી (ઈસ્ટ)માં રહેતા કરણ સોલંકીએ લૉકડાઉન દરમ્યાન સહાર વિલેજમાં ઍરપોર્ટ પાર્કિંગ એરિયા પાસેનાં વૃક્ષો સાથે રોજના એક-બે કલાક ગાળ્યા અને ખોળી કાઢ્યાં મજાનાં પંખીઓ. તેનું કહેવું છે કે જો આંખો ખુલ્લી રાખો તો મુંબઈમાં પણ બાયોડાઇવર્સિટી જોવા મળી જશે
કરણ સોલંકી
બાળપણથી જ પપ્પાની આંગળી પકડીને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ પર સાથે જતો અંધેરી (ઈસ્ટ)ના કરણ સોલંકીને ક્યારે જંગલ, પશુપંખીઓ અને કુદરતના ખોળે ઘૂમવાનો લગાવ થઈ ગયો એની તેને પોતાને પણ ખબર નથી. કરણ કહે છે, ‘હું પપ્પા સાથે ફરતો અને કુદરતની આ સુંદરતા અને વિવિધતાને જોઈને મુગ્ધ થઈ જતો. વાઇલ્ડલાઇફ માટે મને જે ફીલ થતું એે ફીલ બીજાઓ સુધી કઈ રીતે પહોંચાડી શકાય એ વિચારતો રહેતો. એવામાં મારા કેટલાક ફોટોગ્રાફીના શોખીન ફ્રેન્ડ્સે મને પણ જંગલમાં જઈને કુદરતને કચકડે કંડારવાનો આઇડિયા આપ્યો. આ વાત છે ૨૦૧૯ની. હજી તો માંડ મેં ફોટોગ્રાફી શીખવાનું શરૂ જ કર્યું હતું ત્યાં આવ્યું લૉકડાઉન. આ લૉકડાઉને મને સરસ ઑપોર્ચ્યુનિટી આપી મારા જ ઘરની આસપાસ નજર દોડાવવાની.’
સહાર વિલેજમાં ઍરપોર્ટના પાર્કિંગ એરિયા પાસેનું જંગલ તેના ઘરની એકદમ પાસે જ પડે. ટ્વેલ્થ કૉમર્સમાં ભણતો કરણ કહે છે, ‘બધું જ જ્યારે બંધ હતું ત્યારે હું રોજ સવારે દોઢ-બે કલાક માટે મારા ઘરની પાસે આવેલાં વૃક્ષો પાસે જઈને બેસી જતો. શાંતિથી બેસો તો મસ્ત પંખીના કલરવના અવાજ સંભળાય. આ પંખીઓને ખોળીને ફોટો પાડી લઉં. આપણે પહેલાં કદી ન જોયાં હોય એવાં બહુ મજાનાં પંખીઓ મળવા લાગ્યાં. એટલે આ પંખી કોણ છે? એનું બિહેવિયર શું છે? એ મૂળ ક્યાંનાં? ક્યાંથી આવે? એ બધું જાણવાની ઉત્કંઠા થવા લાગી. ઘરમાં એન્સાઇક્લોપીડિયાની બુક્સ હતી જ. મારે જે જાણવું હોય એ હું એમાં ફેંદતો. જોકે આપણા ઇન્ડિયાની બાયોડાઇવર્સિટી બહુ જ અલગ છે અને એમાંય પંખીઓનું વૈવિધ્ય તો ખાસ. મને એમાં વધુ ઊંડાં ઊતરવું હતું. તો શું કરવું?’
ADVERTISEMENT
આ સમસ્યાનો ઉકેલ પણ તેને પપ્પા નવીનભાઈએ જ લાવી આપ્યો. નવીનભાઈ સોલંકીએ દીકરાને બર્ડ્સ ઑફ ઇન્ડિયન સબકૉન્ટિનન્ટ નામની પંખીઓની ગીતા કહેવાય એવી બુક લાવી આપી.
બસ, એ પછી તો કરણે પાછું વળીને જોયું જ નથી. કરણ કહે છે, ‘આ બુક સાથે મને ઇન્ડિયામાં જોવા મળતાં પંખીઓ વિશે ખૂબ જાણવા મળ્યું. ખાસ કરીને વિન્ટર સીઝનમાં માઇગ્રેટ થઈને અહીં આવતાં પંખીઓ વિશે પણ મેં ખૂબ અભ્યાસ કર્યો. લોકો વિન્ટર માઇગ્રેટેડ પંખીઓને જોવા માટે લોનાવલા અને નવી મુંબઈ પાસે જતા હોય છે, પણ મારો અનુભવ કહે છે કે જો તમે થોડાક શાંત થઈને કુદરત સાથે એક-બે કલાક ગાળો તો ફળ કે ફ્રૂટ્સના એક વૃક્ષ પર પણ તમને અઢળક વરાઇટીનાં પંખીઓ જોવા મળી જશે.’
મુંબઈમાં કોઈએ ભાગ્યે જ જોયાં હોય એવાં પંખીઓ કરણે પોતાના કૅમેરામાં કેદ કર્યાં છે. પવાઈ મેના, પીળક, હડિયા બુલબુલ, જલ કીટ કીટ, દૂધરાજ, નાચણ, જાંબુડી શક્કરખોરો જેવાં પંખીઓને કરણે અંધેરીના પોતાના ઘરની આસપાસનાં વૃક્ષો પરથી જ ખોળી કાઢ્યાં છે.