ઑડિયો રેકૉર્ડિંગનો ઉપયોગ વધુ થાય અને યુઝર્સને સરળતા રહે એ માટે કયાં નવાં ફીચર્સને લૉન્ચ કરવામાં આવ્યાં છે એ જાણી લો
ટેક ટૉક
વૉઇસ મેસેજ માટે વૉટ્સઍપની પહેલ
મેટા (ફેસબુક) કંપનીનું વૉટ્સઍપ એના યુઝર્સ માટે સતત નવાં-નવાં ફીચર્સ પર કામ કરતું રહે છે. આ ફીચર્સની મદદથી તેઓ માર્કેટમાં આગવું સ્થાન મેળવવા તો માગે છે, પરંતુ સાથે જ એમના યુઝર્સ સરળતાથી ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકે એ માટે પણ તેઓ સતત પ્રયત્ન કરે છે. હાલમાં જ એમણે વૉટ્સઍપની નવી અપડેટમાં કેટલાંક જરૂરી ફીચર્સનો સમાવેશ કર્યો છે. આ તમામ ફીચર્સ વૉઇસ મેસેજ માટે જ છે. જોકે એ એટલા જ જરૂરી પણ છે. આ ફીચર્સની મદદથી ઑડિયો મેસેજનો ઉપયોગ સરળ અને વધુ પ્રમાણમાં કરી શકાશે. વૉટ્સઍપ વૉઇસ મેસેજનો ઉપયોગ વાતચીતને વધુ રિયલ બનાવવા માટેના હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો. મેસેજમાં ઘણી વાર ઇમોશન્સને પારખી નથી શકાતાં. આથી વૉઇસ દ્વારા એક્સાઇટમેન્ટ અથવા તો દુઃખ વગેરે ઇમોશન્સને પારખી શકાય છે. એને વધુ સારું બનાવવા માટે કયાં ફીચર્સ લૉન્ચ કરવામાં આવ્યાં છે જે વિશે જોઈએ :
ચૅટની બહાર જઈને પણ વૉઇસ મેસેજ સાંભળી શકાશે | અત્યાર સુધી ઘણી ઍપ્લિકેશન દ્વારા પિક્ચર ઇન પિક્ચર ફીચર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દ્વારા યુઝર્સ એક કામ કરવાની સાથે બીજું કામ પણ કરી શકે છે. વૉટ્સઍપ પહેલાંથી આ ફીચરનો ઉપયોગ કરતું આવ્યું છે. વિડિયો કૉલ કરતી વખતે યુઝર્સ અન્ય વ્યક્તિને પણ અન્ય ચૅટમાં જવાબ આપી શકે છે. આ દરમ્યાન વિડિયો કૉલની સ્ક્રીન નાની થઈ જાય છે. વિડિયો કૉલની જેમ હવે વૉઇસ મેસેજમાં પણ એ સુવિધા આપવામાં આવી છે. યુઝર જ્યારે ઑડિયો મેસેજ સાંભળી રહ્યો હશે અને એ દરમ્યાન તેણે અન્ય કોઈ ચૅટમાં જઈને પણ જવાબ આપવો હશે અથવા તો મેસેજ કરવો હશે તો તે હવે એ કરી શકશે. આ દરમ્યાન તેનો ઑડિયો મેસજ ચાલુ જ રહેશે.
પોઝ-રિઝ્યુમ રેકૉર્ડિંગ | અત્યાર સુધી ઑડિયો મેસેજને રેકૉર્ડ કરતી વખતે તેને આખો જ મેસેજ કરવો પડતો હતો. એટલે કે યુઝર કંઈ વિચારી-વિચારીને વાત કરતો હોય ત્યારે એ જેટલો સમય વિચારે છે એ પણ ચૅટમાં બ્લૅક સ્પેસ તરીકે જતું હતું અને એને કારણે મેસેજની લંબાઈ પણ વધતી હતી. જોકે હવે જ્યારે પણ યુઝર્સ આ રીતે વિચારીને વાત કરતા હોય ત્યારે અથવા તો તે જ્યારે રેકૉર્ડ કરી રહ્યા હોય અને કોઈ વચ્ચેથી તેમને અટકાવે ત્યારે યુઝર્સ એને પોઝ કરી શકે. કામ પૂરું થયા બાદ તે ફરીથી રેકૉર્ડિંગ જ્યાં પોઝ કર્યું હતું ત્યાંથી રિઝ્યુમ કરી શકે છે.
વેવ ઇન્ડિકેટર | યુઝર જ્યારે વૉઇસ મેસેજ રેકૉર્ડ કરી રહ્યો હોય ત્યારે એને વેવ ઇન્ડિકેટર દ્વારા દેખાડવામાં આવશે. આ વેવ ઇન્ડિકેટર એટલા માટે કે યુઝર જ્યારે રેકૉર્ડ કરે ત્યારે તેને જાણ રહે અવાજ બરાબર રેકૉર્ડ થઈ રહ્યો છે કે નહીં. જો યુઝર ફોનને દૂર રાખીને વૉઇસ રેકૉર્ડ કરી રહ્યો હશે તો વેવ ઇન્ડિકેટરમાં વેવ નાના આવશે, જેથી સામેવાળી વ્યક્તિને મેસેજમાં અવાજ સાંભળવામાં તકલીફ પડી શકે છે. વેવ ઇન્ડિકેટરનો મુખ્ય ઉદ્દેશ અવાજ ક્લિયર રેકૉર્ડ થાય એ જ છે.
અટક્યું હતું ત્યાંથી જ શરૂઆત | વૉટ્સઍપ દ્વારા પહેલાં વૉઇસ મેસેજને ડબલ સ્પીડમાં સાંભળી શકાય એ ફીચર કાઢ્યું હતું. જોકે હવે ઇનકમિંગ અને આઉટગોઇંગ બન્ને મેસેજને ડબલ સ્પીડમાં સાંભળી શકાશે. તેમ જ વૉઇસ મેસેજ સેન્ડ કરવા પહેલાં એના પ્રીવ્યુનો પણ ઑપ્શન આપ્યો હતો. જોકે હવે વૉઇસ મેસેજને અડધો સાંભળ્યો હોય અને ત્યાર બાદ એને બંધ કરી દેવામાં આવે તો પણ ફરી સાંભળતી વખતે જ્યાંથી બંધ કર્યો હતો ત્યાંથી જ એની શરૂઆત થશે. પહેલાં એવું હતું કે એક વાર મેસેજ બંધ કરી દીધા પછી એને ફરી સાંભળતાં એ પહેલેથી જ શરૂ થયો હતો. જોકે હવે વૉટ્સઍપ યુઝરે ક્યાં મેસેજ અટકાવ્યો હતો એ યાદ રાખશે અને ત્યાંથી જ ફરી શરૂઆત કરશે.