કેટલીક ઍપ્લિકેશન જે સર્વિસ આપી રહી છે એનાથી અલગ પરંતુ રિલેટેડ સર્વિસ આપી માર્કેટમાં પોતાનો દબદબો બનાવી રહી છે : યુઝર્સે આ ડબલ સેવા માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ચૂકવવાનો હોતો
એક તીર દો શિકાર
ટેક્નૉલૉજી આગળ વધી રહી છે એમ દરેક ઍપ્લિકેશન પણ વધુ સ્માર્ટ બની રહી છે. આજે દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે અને એમાં ઍપ્લિકેશનની દુનિયા પણ પાછળ નથી. યુઝરને પોતાની તરફ આકર્ષવા માટે દરેક ઍપ્લિકેશન નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. એમાં કેટલીક ઍપ્લિકેશન એવી છે જેમણે પોતે જે સર્વિસ આપે છે એને રિલેટેડ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. એક રીતે જોઈએ તો એને ઍડિશનલ અથવા તો વૅલ્યુ ઍડેડ સર્વિસ કહી શકાય. આવી જ કેટલીક ઍપ્લિકેશન વિશે આપણે ચર્ચા કરીએ.
ગૂગલ મૅપ્સ | ગૂગલ મૅપ્સ નામ પરથી જ ખબર પડે છે કે એ રસ્તો બતાવવા માટે ઉપયોગ થતી ઍપ્લિકેશન છે. એમાં જે-તે સ્થળની માહિતી અને થિંગ્સ-ટુ-ડૂ જેવી સુવિધા પણ ઍડ કરવામાં આવી છે. જોકે હવે એમાં વધુ એક ઑપ્શન ઉમેરાયો છે અને એ છે ટ્રેઇન ટ્રેકિંગ. કયા સ્ટેશન પર કઈ ટ્રેઇન આવશે અને એનું લાઇવ લોકેશન શું છે એ હવે ગૂગલ મૅપ્સ દ્વારા પણ જાણી શકાશે. પહેલાં આ માટે ઇન્ડિયન રેલવેની વેબસાઇટ પર જઈને એ ચેક કરી શકાતું હતું. જોકે હવે આ માટે ગૂગલ મૅપ્સ ઓપન કરી એમાં જે-તે સ્ટેશનનું નામ નાખી સર્ચ કરવું. ત્યાર બાદ મૅપમાં એ નામનું સ્ટેશન દેખાશે જેના પર ટ્રેઇનનું એન્જિન હશે. એના પર ક્લિક કરી એને ઓપન કરવું. ત્યાર બાદ ડિપાર્ટમાં જઈ ક્યાં જવું છે એ સર્ચ કરવું. આ બે સ્ટેશન વચ્ચે કેટલી ટ્રેન છે એ બતાવી દેવામાં આવશે. તેમ જ એ દરેક ટ્રેન સમયસર છે કે પછી લેટ ચાલી રહી છે અને એ હાલમાં ક્યાં છે અને એ ટ્રેઇનનો નંબર શું છે બધી જ માહિતી ત્યાં દેખાડવામાં આવશે.
ADVERTISEMENT
નેટફ્લિક્સ | નેટફ્લિક્સ એની ફિલ્મો અને શો માટે જાણીતું છે. એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં નેટફ્લિક્સ ખૂબ જ આગવું નામ ધરાવે છે. એમનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરના દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનો છે. જોકે તેઓ આ એન્ટરટેઇનમેન્ટને ખૂબ જ સિરિયસલી લઈ રહ્યા છે અને એ માટે તેઓ હવે તેમના યુઝર્સને કેટલીક ફ્રી ગેમ્સ પણ આપશે. આ ગેમ્સને ઍપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. નેટફ્લિક્સના કેટલાક શોની પણ ગેમ્સ પહેલેથી ઉપલબ્ધ છે પરંતુ હવે તેમણે તેમના યુઝર્સ માટે એક્સક્લુઝિવ ગેમ્સ જાહેર કરી છે. હાલપૂરતી ત્રણ ગેમ્સ જાહેર કરવામાં આવી છે જેમાં ‘ધિસ ઇઝ અ ટ્રૂ સ્ટોરી’, ‘શેટર રીમાસ્ટર્ડ’ અને ‘ઇન્ટુ ધ ડેડ 2 : અનલિશ્ડ’નો સમાવેશ થાય છે. ‘ધિસ ઇઝ અ ટ્રૂ સ્ટોરી’ પાણી બચાવો પર છે. આ ગેમમાં એક આફ્રિકન છોકરી તેની મમ્મી માટે પાણી લાવવા માટે કેવી રીતે લડતી જોવા મળે છે એ દેખાડવામાં આવ્યું છે. ‘શેટર રીમાસ્ટર્ડ’એ ૨૦૦૯માં પ્લેસ્ટેશન 3 માટે બનાવવામાં આવેલી ‘શેટર’નું અપડેટેડ વર્ઝન છે. આ એક બ્રીક-બ્રેકિંગ આર્કેડ ગેમ છે. ‘ઇન્ટુ ધ ડેડ 2 : અનલિશ્ડ’ એક ઝોમ્બી શૂટર ગેમ છે. નેટફ્લિક્સની આ એકમાત્ર ફર્સ્ટ-પર્સન શૂટર ગેમ છે. આ ગેમમાં હીરોએ ડેન્જર ઝોનથી પોતાને બચાવવાનો હોય છે અને ઝોમ્બી મારવાના હોય છે. નેટફ્લિક્સ એક તરફ એની બૉર્ડરને વધુ બ્રૉડ કરી રહી છે ત્યારે બીજી તરફ એની ટીકા પણ કરવામાં આવી રહી છે. નેટફ્લિક્સે ઘણા દેશમાં એની સર્વિસના ભાવ વધારી દીધા છે. ઇન્ડિયામાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને ડિઝની+હૉટસ્ટારની સરખામણીએ એના ચાર્જ પહેલેથી જ ખૂબ જ છે. આથી એની ટીકા થઈ રહી છે. આ સાથે જ નેટફ્લિક્સ હવે પાસવર્ડ શૅર કરનાર વ્યક્તિઓ માટે પણ અલગથી ચાર્જ લગાવવાની ટેક્નૉલૉજી પર કામ કરી રહ્યું છે. આથી ફરી એ ચર્ચાનો વિષય બને તો નવાઈ નહીં.
શઝામ | શઝામ એક મ્યુઝિક ડિસ્કવરી ઍપ્લિકેશન છે. દુનિયાની કોઈ પણ ભાષાનું કોઈ પણ ગીત યુઝર્સને ન ખબર હોય અને એ માટે માહિતી જોઈતી હોય તો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે યુઝર્સે ગીત અથવા તો મ્યુઝિક વાગતું હોય ત્યાં એ ઍપ્લિકેશનને ઓપન કરી શઝામના આઇકન પર ક્લિક કરી એ શોધી શકાય છે. આ માટે આ ઍપ્લિકેશન મોબાઇલના માઇક્રોફોનનો ઉપયોગ કરે છે અને એ મ્યુઝિક રેકૉર્ડ કરે છે. ત્યાર બાદ એ કયું મ્યુઝિક છે એને એના ડેટાબેઝમાં શોધીને માહિતી આપે છે. આ ઍપ્લિકેશનને ૨૦૧૮માં ઍપલે ખરીદી લીધી હતી. આ ઍપ્લિકેશન હવે દુનિયાની ટૉપની મ્યુઝિક ઍપમાંની એક છે. જોકે ગીત શોધવા અને સાંભળવાની સાથે આ ઍપ્લિકેશન વધુ માહિતી આપે છે. હવે કૉન્સર્ટ અને મ્યુઝિક ઇવેન્ટ્સ ધીમે-ધીમે શરૂ થઈ રહી છે. શઝામ હવે યુઝર્સને લાઇવ પર્ફોર્મન્સ અને કૉન્સર્ટ વિશેની ડીટેલમાં માહિતી આપશે. આ માટે તેમણે બેન્ડ્સઇનટાઉન સાથે ટાઇ-અપ કર્યું છે. બેન્ડ્સઇનટાઉન દુનિયાનું જાણીતું ઇવેન્ટ રેકમન્ડેશન પ્લૅટફૉર્મ છે જેના ૬૮ મિલ્યનથી પણ વધુ યુઝર્સ છે. હવે શઝામ દુનિયાભરના યુઝર્સ સુધી ઇવેન્ટ્સની માહિતી પણ પહોંચાડશે.
ગૂગલ મૅપ્સ હવે ટ્રેનનું સ્ટેટસ, નેટફ્લિક્સ એક્સક્લુઝિવ ગેમ્સ અને શઝામ વિશ્વભરની ઇવેન્ટ્સની માહિતી આપશે.