ભારતમાં એક વ્યક્તિનો ડેટાની કિંમત લગભગ 25 પૈસા છે
Exclusive
પ્રતીકાત્મક તસવીર (ફોટો : આઈસ્ટોક)
શું તમારી સાથે એવું થયું છે કે તમે એકાદ પ્રોડક્ટ ઓનલાઈન સર્ચ કરી હોય પણ ખરીદી ન હોય અને ત્યાર બાદ ઈન્ટરનેટની કાયનાત એ પ્રોડક્ટની જાહેરાત તમને સતત દર્શાવે અથવા તમારા કોઈ માહિતી શેર કર્યા વિના જ વીમા કંપની કે કોઈ અન્ય કંપની સતત તેમની સેવાઓ વિશે તમને SMS અથવા ઈ-મેઈલ કરે તે પણ તમારા નામ સાથે. જોકે, અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે તમે તો કોઈ માહિતી તેમની સાથે શેર કરી નથી તો પણ તેમની પાસે તમારું નામ, નંબર, ઈ-મેઈલ જેવી વિગતો (ડેટા) કઈ રીતે પહોંચ્યા?
આ પ્રશ્ન સાથે બીજો એક પેટા પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ભારતમાં ડેટા કેટલો સિક્યોર છે? ડેટાનું એવું તે કયું માર્કેટ છે, જ્યાં તમારા આ અંગત ડેટાની લે-વેચ થાય છે? અને અતિ મહત્ત્વનું કે ભારતનો કાયદો આ મામલે શું કહે છે? તમે બેન્ક/કૉલેજ કે કોઈ ઓનલાઈન એપ પર રજિસ્ટ્રેશન વખતે આપેલી વિગતો અથવા સ્ટોર કરી રાખેલી કાર્ડની વિગતો કેટલી સિક્યોર છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી મહારાષ્ટ્ર સાયબર વિભાગ સાથે જોડાયેલા નિશિત શાહ સાથે જે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર, સાયબર લૉયર અને એક ફોરેન્સિક એક્સપર્ટ પણ છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ ભારતમાં ડેટા કેટલો સિક્યોર છે ડેટા?
ADVERTISEMENT
સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર નિશિત શાહ
ભારતમાં ડેટા સિક્યોરિટીની વર્તમાન સ્થિતિ શું છે?
નિશિત શાહે જણાવ્યું કે “અમારો અનુભવ રહ્યો છે કે ઘણી કંપનીઓમાં ડેટા બ્રીચ થતો હોય છે. જોકે, એવી એજન્સી પણ છે જે ડેટા પ્રોટેક્ટ કરે છે, પરંતુ તેથી વિરુદ્ધ આ ડેટા ત્રીજી વ્યક્તિને વેચવામાં પણ આવે છે. ડેટા કેટલો સુરક્ષિત છે તેનો ઘણો આધાર સર્વર પર છે. ઘણી કંપનીઓ રેનટેડ સર્વર પર પોતાનો ડેટા રાખે છે. તેથી ડેટા લીક થવાની કે ચોરી થવાની શક્યતાને નકારી શકાય નહીં. તેનું એક મૂળભૂત કારણ એ છે કે ભારતમાં હજી પણ ડેટા પોલિસી ઍક્ટ અમલમાં નથી અને તેને કારણે ડેટાનો વ્યાપાર કરનારી એજન્સી માટે આ એક સોનેરી તક છે.”
“આજની તારીખમાં ડાર્કવેબ એટલું પાવરફૂલ બની ગયું છે કે બેન્ક એકાઉન્ટ નંબર, એકાદ બ્રાન્ચના એકાઉન્ટ નંબર, એકાઉન્ટમાં મોટી રકમ હોય એવા બેન્ક એકાઉન્ટ નંબર પણ ત્યાંથી મળી શકે છે.” તેમણે ઉમેર્યું હતું.
શા માટે ડેટા એટલો મહત્ત્વપૂર્ણ બની ગયો છે કે ડેટાને ‘ન્યુ ઓઇલ’ કહેવામાં આવે છે?
તેમણે કહ્યું કે “ડેટાના સંપૂર્ણ ખેલ પાછળ માર્કેટિંગ છે. માર્કેટિંગ કરી કંપનીની સેવાઓ લોકો સુધી પહોંચાડવા માટે મોબાઈલ નંબર, ઈ-મેઇલ આઈડી અથવા પોસ્ટલ એડ માટે ઘરનું સરનામું જેવી તમામ વિગતો જરૂરી છે. તમે એકાદ વસ્તુ ઓનલાઈન સર્ચ કરો છો ત્યાર બાદ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય જગ્યાએ પણ તમને જે વસ્તુ સર્ચ કરી હતી તેની એડ બતાવવામાં આવે છે અને આખરે તે જોઈતી/ન જોઈતી વસ્તુ તમે ખરીદો છો. જેનાથી કંપનીને નફો થાય છે તો એડ દર્શાવનારા પ્લેટફોર્મ કમિશન મેળવે છે. તેથી જ ડેટા એટલો મહત્ત્વપૂર્ણ બની ગયો છે.”
ડેટાને લીક/ચોરી થવાથી કેવી રીતે બચાવી શકીએ?
તેઓ જણાવે છે કે “સામાન્ય રીતે મોબાઈલમાં રહેલી એપ્લિકેશન પણ ડેટા તમારી પરવાનગી સાથે લોકેશન, મેસેજ અને કોન્ટેક્ટસ જેવી વિગતોની ઉચાપત કરતી હોય છે. તેથી જ્યારે પણ કોઈ એપ ડાઉનલોડ કરો ત્યારે તેને તમામ પરવાનગી આપતી વખતે એક વખત જરૂર વિચારવું કે શું તે એપને સર્વિસ આપવા માટે આ પરવાનગીની ખરેખર જરૂર છે? અને જરૂરી જણાય તો જ તેને સંબંધિત પરવાનગી આપવી. આ રીતે ડેટા ચોરી થતો અટકાવી શકાય છે. ઉપરાંત ગૂગલ ડ્રાઈવ કે ક્લાઉડ સ્ટોરેજ પર ડેટા સ્ટોર કરવાની જગ્યાએ લોકોએ પેનડ્રાઇવ કે એક્સટર્નલ હાર્ડડ્રાઈવમાં ડેટા સ્ટોર કરવો જોઈએ.”
ડેટા શેર કરવાની વાત આવે ત્યારે સામાન્ય માણસ કઈ ભૂલો કરે છે?
“પેમેન્ટ એપ્લિકેશન વપરાતી વખતે સામાન્ય રીતે લોકો પોતાના ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો ભવિષ્યમાં ઉપયોગ માટે ત્યાં સેવ કરે છે, તેને કારણે તેમની કાર્ડની વિગતો લીક થવાની શક્યતા વધી જાય છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા જ્યારે જરૂર હોય ત્યારે ફરી કાર્ડની વિગતો ટાઈપ કરી લેવી જોઈએ.” સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું.
કેટલો સસ્તો છે ડેટા?
ક્રૂડ ઓઇલ કરતાં વિરુદ્ધ ડેટાનું આ ‘ન્યુ ઓઇલ’ ભારતમાં ખૂબ જ સસ્તું છે. નિશિત જણાવે છે કે “ભારતમાં એક વ્યક્તિનો ડેટા (નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી, સરનામું વગેરે)ની કિંમત લગભગ 25 પૈસા છે અને ઘણા કિસ્સામાં તેની કિંમત પ્રતિ વ્યક્તિ માત્રને માત્ર 10 પૈસા હોય છે.”
ડેટાનો દુરુપયોગ થાય તો શું કરી શકાય?
તેમણે ઉમેર્યું કે “જો કોઈ સાથે સાયબર ફ્રોડ થાય છે તો તેમણે નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી જોઈએ અથવા ઓનલાઈન cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે ત્યાર બાદ સંબંધિત અધિકારી 24 કલાકની અંદર વધુ વિગતો અને પુરાવા માટે ફરિયાદીને ફોન કરશે. અહીં નોંધનીય છે કે કોઈ સંસ્થા દ્વારા ડેટા ચોરીની ફરિયાદ પણ સાયબર સેલમાં થઈ શકે છે.”
ફન ટીપ: તમારા નામ પર કેટલા સીમકાર્ડ રજિસ્ટર્ડ છે તે તમે https://tafcop.dgtelecom.gov.in/index.php જોઈ શકો છો અને જાણી શકો છો કે કોઈએ તમારા નામે સીમકાર્ડ તો નથી ખરીદ્યુને! અને હા આ ગવર્મેન્ટની સાઇટ છે એટલે અહીં તમારો ડેટા વધુ સિક્યોર છે.