વેકેશનમાં ટીનેજર્સ માટે તરતાં શીખવું એ ફેવરિટ ઍક્ટિવિટી રહી છે, પણ તેમની નાજુક સ્કિન અને વાળ પર ક્લોરિનવાળા પાણીથી નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે
સ્વિમિંગ કરતા હો તો સ્કિનને ભૂલી ન જતા
ઉનાળાનું વેકેશન એટલે પૂલમાં નાનાં અને મોટાં બધાં જ બચ્ચાંઓની મજા કરવાની સીઝન. બાળકો જેટલી સ્વિમિંગની મજા લે છે એટલી જ સ્કિન માટે એ સજા બની શકે છે. પૂલના પાણીમાં રહેલા ક્લોરિનને લીધે સ્કિન કાળી અને સૂકી થઈ જવાની ફરિયાદ મોટા ભાગના લોકોને રહે છે. એ સિવાય બીજા સ્કિન ઇશ્યુ પણ થઈ શકે છે પણ જો યોગ્ય તકેદારી લેવામાં આવે તો આ ટાળી શકાય. જાણી લો સ્વિમિંગ પહેલાં અને પછીની સ્કિન-કૅર બાબતે ત્વચાનિષ્ણાતનું શું કહેવું છે.
સ્વિમિંગ-કૉસ્ચ્યુમ | સ્વિમિંગ માટેનો ડ્રેસ નાયલૉન કે સ્પેન્ડેક્સનો જ હોવો જોઈએ. એનું મુખ્ય કારણ એ છે કે આ ફૅબ્રિક્સ પૂલના પાણીમાં રહેલા ક્લોરિનને સ્કિનની અંદર ઊતરતું રોકે છે. એટલે જ સ્વિમિંગ માટે આ જ ફૅબ્રિકના અને શરીર પૂરી રીતે ઢંકાય એવા કૉસ્ચ્યુમ પસંદ કરો. વાળને પ્રોટેક્ટ કરવા માટે સ્વિમિંગ કૅપ પહેરો.
સ્વિમિંગ પહેલાં શાવર | સામાન્ય રીતે સ્વિમિંગ-પૂલમાં જતાં પહેલાં શાવર લેવો એ હાઇજીન એટિકેટનો એક ભાગ છે. જોકે એ તમારી સ્કિન માટે પણ ફાયદાકારક છે. એ વિશે જણાવતાં ત્વચા નિષ્ણાત ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘સ્વિમિંગ પહેલાં તમે શાવર લો એટલે તમે તમારી સ્કિનને હાઇડ્રેટ કરી રહ્યા છો. ઑલરેડી ત્વચા ભીની હોય ત્યારે પૂલના પાણીને એ વધુ ઍબ્ઝૉર્બ નહી કરી શકે. એટલે જ પૂલમાં જતા પહેલાં ફક્ત શરીર પર જ નહીં, વાળ પર પણ શાવર લઈ લેવો.’
મૉઇસ્ચરાઇઝર અને સનસ્ક્રીન | પૂલમાં જવા પહેલાં ચહેરા પર અને જો કૉસ્ચ્યુમ ટૂંકો હોય તો શરીરના બીજા ખુલ્લા ભાગો પર પૂલમાં જવાની ૧૦-૧૫ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો. ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘સનસ્ક્રીન હાઈ એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફૅક્ટરવાળું પસંદ કરવું. એ વૉટરપ્રૂફ હોવું પણ જરૂરી છે. પૂલ માટે સ્પ્રે સનસ્ક્રીન વધુ યોગ્ય રહેશે. અહીં સનસ્ક્રીન ત્વચા પર એક પ્રોટેક્ટિંગ લેયર બનાવે છે અને ક્લોરિનના પાણીથી નુકસાન થતું રોકે છે. બાળકો માટેનું ખાસ સનસ્ક્રીન પણ બજારમાં મળી રહે છે, જેનો ઉપયોગ કરી શકાય. ક્લોરિન ત્વચાને સૂકી બનાવી દે છે. એટલે જ સનસ્ક્રીન સાથે મૉઇસ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરવો. એ સિવાય રેગ્યુલર સ્કિન રૂટીન ફૉલો કરવું.
સ્વિમિંગ પછી | સ્વિમિંગ કર્યા બાદ ક્લોરિનવાળું પાણી ત્વચા પર કે વાળ પર હવાથી સુકાઈ જાય એની રાહ નથી જોવાની. આ વિશે ડૉ. રિન્કી કહે છે, ‘સ્વિમિંગ કર્યા બાદ તરત જ બૉડી વૉશ લગાવી સ્નાન કરી લેવુ. તેમ જ વાળ પણ ધોઈ લેવા. ક્લોરિનને જો ત્વચા પર કે વાળ પર સુકાવા દેશો તો એ ત્વચાની અંદર ઊતરશે અને નુકસાન કરશે. હાઇજીનની દૃષ્ટિએ પણ પૂલમાંથી બહાર આવી વહેલામાં વહેલું સ્નાન કરી લેવું જરૂરી છે.’