અમને લાગ્યું કે ઊંઘમાં એવું થયું હશે, પરંતુ ફરી પાછું બે દિવસ પછી પણ તેમને એવું થયું. આમ આખો દિવસ કશો વાંધો આવતો નથી અને રાત્રે જ કેમ આવું થાય છે?
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર
મારા પતિ ૭૨ વર્ષના છે. તેમની હેલ્થ ઘણી સારી રહે છે. તેઓ દરરોજ એક કલાક વૉક લે છે અને આખો દિવસ ઍક્ટિવ રહે છે. બધું ખાઈ પણ શકે છે. જોકે બે દિવસ પહેલાં રાત્રે તેઓ બાથરૂમ માટે ઊઠ્યા ત્યારે તેમને ચક્કર આવી ગયાં અને માંડ-માંડ પડતા બચ્યા. અમને લાગ્યું કે ઊંઘમાં એવું થયું હશે, પરંતુ ફરી પાછું બે દિવસ પછી પણ તેમને એવું થયું. આમ આખો દિવસ કશો વાંધો આવતો નથી અને રાત્રે જ કેમ આવું થાય છે? મને ડર છે કે પડી ગયા તો શું કરીશું? અમે રૂટીન ટેસ્ટ કરાવી તો બધી ઠીક જ આવે છે.
અહીં બે શક્યતા છે કે ઉંમરને કારણે શરીર નબળું થઈ ગયું હોય અને ઇમબૅલૅન્સ આવ્યું હોય અથવા તેમનું બીપી ડ્રૉપ થતું હોય. તમે કહ્યું કે તેઓ દરરોજ ચાલવા જાય છે. જો તેમને ચાલવામાં કોઈ જ તકલીફ ન પડતી હોય તો બીજી શક્યતા હોઈ શકે છે. જેને ઇમબૅલૅન્સ આવ્યું હોય તે વ્યક્તિનું દિવસે કે રાત્રે બંને સમયે ચાલવામાં બૅલૅન્સ ખોરવાય અને તે પડી શકે છે, પરંતુ જો આ તકલીફ રાતની જ હોય તો બીપી ડ્રૉપ થવાની શક્યતા વધુ જણાય છે. થાય છે એવું કે જ્યારે વ્યક્તિ બેઠી હોય અને ઊભી થાય ત્યારે લોહી એકદમ પગ તરફ ભાગે છે. એટલે જ એ સમયે ધબકારા વધે અને બ્લડ-પ્રેશર પણ વધે જેને લીધે લોહીનું પરિભ્રમણ ઉપર તરફ થાય અને મગજને પણ લોહી મળે. જોકે જ્યારે એ લોહી ઉપર તરફ વહેતું નથી ત્યારે શરીરમાં કેટલીક સેકન્ડ કે સેકન્ડનો પણ નાનો ભાગ મગજને લોહી મળે નહીં તો તરત જ ચક્કર આવે છે. આ તકલીફ નૉર્મલી મોટી ઉંમરે વધુ થતી હોય છે. એનો સીધો અર્થ એ થયો કે તેમનું બીપી ડ્રૉપ થઈ રહ્યું છે.
આ માટે સૌથી પહેલાં તો તેમને કહેવું પડશે કે રાત્રે ઊઠે ત્યારે એકદમથી ઊઠીને બેસી ન જાય. જમણું પડખું ફરે. એ પડખે અડધી મિનિટ સૂઈ રહે પછી ઊઠે. ઊઠીને અડધી મિનિટ બેસે અને પછી ધીમે રહીને ઊભા થાય. આ સમય આપવો અત્યંત જરૂરી છે. એટલે એકદમ બીપી ડ્રૉપ ન થાય. આવું આમ તો દરેક ઉંમરલાયક વ્યક્તિએ કરવું જોઈએ, કારણ કે રાત્રે બાથરૂમ જવા ઊઠે ત્યારે વડીલોના પડવાના કિસ્સાઓ સામાન્ય જણાય છે. બીજું એ કે બીપીમાં થતો ઘટાડો કે વધારો એક વખત ડૉક્ટરને મળીને તપાસવો જરૂરી છે અને એ મુજબ દવાઓમાં ફેરફાર કરવો પણ એટલો જ જરૂરી છે.