આજે વાંચો મુંગદાલ પાલક કેનાપીસ, લીલા નારિયેળનો આઇસક્રીમ અને બાર્લી ઍન્ડ બીન રિસોટોની રેસિપી વિશે
રેસિપી કૉન્ટેસ્ટ
રેસિપી કૉન્ટેસ્ટ
મુંગદાલ પાલક કેનાપીસ
રાગિણી કિરીટ ગાંધી, અંધેરી-વેસ્ટ
ADVERTISEMENT
સામગ્રી : કેનાપીસ માટે: અડધી વાટકી મગની દાળ પલાળેલી (જે પલળીને એક વાટકી થઈ જશે), એક નાની ઝૂડી પાલકની પ્યુરી (પ્યુરી બનાવતી વખતે એમાં બે લીલાં મરચાં તથા આદુંનો ટુકડો પીસી દેવા). અડધી વાટકી પૌંઆને મિક્સરમાં ચર્ન કરી લેવા. મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી જીરું પાઉડર, અડધી ચમચી ચાટ મસાલો, તેલ.
રીત : ઉપરની બધી સામગ્રી મિક્સ કરીને ખીરું તૈયાર કરવું. પંદર-વીસ મિનિટ રાખ્યા પછી એમાંથી નાની થેપલીઓ તૈયાર કરીને ગરમ તેલમાં તળી લેવી. કેનાપીસ તૈયાર.
ફીલિંગ ૧ માટે સામગ્રી : બે ચમચી બાફેલા કૉર્ન, બેથી ત્રણ ચમચી રેડ કૅપ્સિકમ ઝીણાં સમારેલાં, ૩ ચમચી બારીક સમારેલો કાંદો, બે ચમચી સાલ્સા સૉસ, બે ચમચી ટમૅટો કેચપ, ચીઝ ૧થી ૨ ક્યુબ.
રીત : ચીઝ સિવાયની તમામ સામગ્રી મોટા બાઉલમાં મિક્સ કરી દો. હવે કેનાપીસ પર આ ફીલિંગ મૂકીને ચીઝ ખમણી દો.
ખાસિયત : ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે.
ફીલિંગ ૨ માટે સામગ્રી : બેથી ત્રણ ચમચી બાફેલા કૉર્ન, બેથી ત્રણ ચમચી ઝીણાં સમારેલાં લાલ કૅપ્સિકમ, ઝીણો સમારેલો કાંદો, દાડમના દાણા, કોથમીરની તીખી ચટણી, ખજૂરની મીઠી ચટણી, સેવ, કોથમીર તથા સૅન્ડવિચ મસાલો.
રીત : કાંદા, કૉર્ન, કૅપ્સિકમ તથા દાડમના દાણામાં સૅન્ડવિચ મસાલો નાખીને બરાબર મિક્સ કરી દો. કેનાપીસ પર આ ફીલિંગ મૂકો. એના પર તીખી-મીઠી ચટણી રેડો. હવે સેવ અને કોથમીર ભભરાવીને ડેકોરેટ કરો.
ખાસિયત : ચાટ જેવો ટેસ્ટ લાગશે અને જોતાંની સાથે મોંમાં પાણી આવશે.
લીલા નારિયેળનો આઇસક્રીમ
હીના અમર સેજપાલ, મીરા રોડ
સામગ્રી : ૧ વાટકી લીલા નારિયેળની મલાઈ, ૧ વાટકી
મિલ્ક પાઉડર, ૧ વાટકી દૂધની મલાઈ, પાંચ ચમચી દળેલી ખાંડ, ૧ વાટકી ઠંડું દૂધ.
રીત : સૌપ્રથમ નારિયેળની અંદરની મલાઈ કાઢીને ચર્ન કરી લેવી. એમાં મલાઈ, ઠંડું દૂધ, મિલ્ક પાઉડર, ખાંડ નાખીને ફરી ચર્ન કરી લેવું. ચર્ન કરવામાં ધ્યાન રાખવું જેથી ક્રીમ (મલાઈ)નું માખણ ન થઈ જાય. બરાબર
ચર્ન થઈ જાય એટલે પ્લાસ્ટિકના ડબ્બામાં રેડી ડીપ ફ્રીઝરમાં છથી સાત કલાક સેટ થવા મૂકી દેવું.
બીજી વાર ચર્ન કરવાની જરૂર નથી.
તો તૈયાર છે એકદમ ઈઝી અને યમ્મી લીલા નારિયેળની મલાઈનો આઇસક્રીમ.
બાર્લી ઍન્ડ બીન રિસોટો
નીતિ ભીખુભાઈ લાઠિયા, કાંદિવલી-વેસ્ટ
સામગ્રી : અડધો કપ બાર્લી, ૧ ટેબલસ્પૂન બીન્સ, અડધી ટીસ્પૂન બાજરો, અડધો કપ સ્વીટ કૉર્ન અને બારીક સમારેલી બ્રૉકલી, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા કાંદા, અડધી ટીસ્પૂન બારીક સમારેલું લસણ, ૩થી ૪ ફુદીનાનાં પાન, ૧ ટેબલસ્પૂન લેમન જૂસ, ૧ ટેબલસ્પૂન ઘી, ચપટી મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી બેથી ત્રણ કપ જરૂર મુજબ, ચીઝ (ઑપ્શનલ)
રીત : બાર્લી, બાજરો અને બીન્સ પાંચથી છ કલાક અલગ-અલગ પલાળો. કુકરમાં બે ચમચી ઘી ગરમ કરી એમાં બારીક સમારેલું લસણ નાખો. એ લાઇટ બ્રાઉન થાય એટલે કાંદા નાખીને પાંચ મિનિટ સોંતે કરો. હવે બીન્સ, બ્રૉકલી, સ્વીટ કૉર્ન નાખીને સાંતળો. એમાં મીઠું-મરી, થોડાં ફુદીનાનાં પાન, ચપટી ટીટ-બીટ, સેલમ હળદર નાખીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખી હલાવીને કુકર બંધ કરીને મીડિયમ ગૅસ પર ચારથી પાંચ સીટી વગાડો. કુકર ઠંડું થાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી લીંબુનો રસ, કોથમીર, ફુદીનો નાખી ગરમાગરમ રિસોટો સર્વ કરો.
નોંધ : એને વધુ આકર્ષક બનાવવા ઉપરથી ચીઝ ખમણો. બાળકને ખવડાવવા ચીઝથી ચટાકેદાર બનાવીને સર્વ કરો.
હેલ્ધી બાર્લી ઍન્ડ બીન રિસોટો બાર્લી વૉટર સાથે સર્વ કરો.
ખાસિયત : સુપર હેલ્ધી, ટેસ્ટી અને ફુલ ઑફ પ્રોટીન છે આ ડિશ.
કૉન્ગ્રેચ્યુલેશન્સ
રેસિપી કૉન્ટેસ્ટની પહેલા વીકની મેગા પ્રાઇઝ વિનર છે
પાત્રા રોલદે રેસિપી મોકલનાર ચિંચપોકલીની પાયલ સુરેશ સાવલા
પાયલને મળે છે નટરાજ ઝેસ્ટની ઘરઘંટી ટિટ-બિટ મસાલા અને ‘મિડ-ડે’ પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટમાં તમે રેસિપી ન મોકલાવી હોય તો ઝટ મોકલાવો