આજે વાંચો બાજરી ઉપમા, દેશી કઠોળના વિદેશી રોલ અને સ્ટફ મૅન્ગો કુલ્ફી સ્લાઇસની રેસિપી વિશે
રેસિપી કોન્ટેસ્ટ
રેસિપી કોન્ટેસ્ટ
બાજરી ઉપમા
બાજરી ઉપમા, હીના રાકેશ ઓઝા, દહિસર-ઈસ્ટ
ADVERTISEMENT
સામગ્રી : ૧ બાઉલ બૉઇલ બાજરો, ૪ ચમચી ચણા દાળ, ૨ ચમચી અડદ દાળ, ૩ ચમચી સિંગદાણા, ૧ ચમચી જીરું, અડધી ચમચી હિંગ, પા ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી સાકર, ૫ કઢીપત્તાં, ૨ ચમચી કોથમીર, ૧ ચમચી બારીક લસણ, ૧ ચમચી બારીક લીલું મરચું, ૧ નંગ બારીક કૅપ્સિકમ, અડધો કપ વટાણા, ૪ ચમચી ખમણેલું નારિયળ, ૩ ચમચી ઘી
રીત : એક પૅનમાં ઘી મૂકી જીરું અને હિંગ નાખી હળદર, લસણ અને ચણા દાળને બે મિનિટ સાંતળો. હવે અડદ દાળ અને સિંગદાણાને સારી રીતે સાંતળો. કૅપ્સિકમ, વટાણા, મરી પાઉડર ઉમેરો. ૧ મિનિટ પછી કઢીપત્તાં, ધાણાજીરું, મરચું, મીઠું, સાકર નાખીને મિક્સ કરો. હવે એક બાઉલમાં પાંચ કલાક પલાળીને કુકરમાં ત્રણ સીટી મારીને બાફીને તૈયાર કરેલો બાજરો, લીલું મરચું, ઉમેરો. ૪ ચમચી પાણી ઉમેરવું. ત્યાર બાદ ૪ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવું. હલાવીને કોથમીર અને નારિયેળના ખમણથી ગાર્નિશ કરવું.
દેશી કઠોળના વિદેશી રોલ
સરયુ ધીરેન માલદે, થાણે, ઘોડબંદર
સામગ્રી : ફણગાવેલા મગ, મઠ અને લાલ ચણા ૧૦૦ ગ્રામ, ૩ બાફેલા બટાટા, ૧૦૦ ગ્રામ સિમલા મરચાં, પેરી પેરી મસાલો (જે મેં ઘરે જાતે બનાવ્યો છે), ૨ રોટલી ઘઉંની, ટમૅટો કેચપ અને પનીર
સજાવટ માટે : કોબી, ગાજર, સિમલા મરચાં અને પનીર
રીત : સૌપ્રથમ ઘઉંનો લોટ બાંધીને એની રોટલી કરવી. બટાટાને બાફી એની અંદર આદું-લીલાં મરચાંની પેસ્ટ, મીઠું અને કોથમીર નાખી એની લાંબી પેટીસ વાળીને શેકી લેવી. ફણગાવેલાં કઠોળને મિક્સરમાં અધકચરાં પીસી લેવાં અને પછી એક બાઉલમાં કાઢી લેવાં. એની અંદર ટમૅટો કેચપ અને પેરી પેરી મસાલો મિક્સ કરીને સરખી રીતે હલાવી લેવું. હવે રોટલી ઉપર કઠોળના આ મિશ્રણને પાથરી એના પર ગાજર અને કોબીનું છીણ નાખી વચ્ચે પેટીસ મૂકવી. ઉપર પેરી પેરી મસાલો છાંટી રોટલીને સરખી રીતે બંને બાજુથી વાળી ધીમા ગૅસ પર શેકી લેવી. સજાવટ માટે ઉપર થોડું પનીર ખમણીને નાખવું અને ચટણી અને સૉસ સાથે ખાવું.
સ્ટફ મૅન્ગો કુલ્ફી સ્લાઇસ
સ્ટફ મૅન્ગો કુલ્ફી સ્લાઇસ, નીપા ભાવિક ઠાકર, મુલુંડ-વેસ્ટ
સામગ્રી : ૫૦૦ મિલી. દૂધ (ફુલ ફૅટ), ૧૨૫ ગ્રામ મોળો માવો, ૨૫ ગ્રામ સાકર, પિસ્તાની કતરણ, કેસર, ૩ નંગ મીડિયમ સાઇઝની કેરી
રીત : કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. એક ઊભરો આવે એટલે ગૅસને મીડિયમ કરી દેવો અને માવો ઉમેરવો. એને એકસરખું સતત હલાવતા રહેવું. દૂધનું મિશ્રણ અડધું થાય ત્યાં સુધી ઉકાળતા રહો. પછી એમાં કેસર ઉમેરો. મિશ્રણ અડધું થાય એ પછી સાકર નાખીને ૭થી ૮ મિનિટ ઉકાળો. પિસ્તાની કતરણ નાખો અને ઠંડું થવા દો.
કેરી લો. ડીંટિયાનો ભાગ કટ (કૅપની જેમ) કરીને સાઇડ પર મૂકો. હવે ચાકુની મદદથી ધીમે-ધીમે ગોટલાની આજુબાજુમાંથી કેરીને કટ કરો. થોડું ટ્વિસ્ટ કરીને ગોટલો કાઢી લો. હવે કેરીને એક વાટકામાં ઊભી રહે એ રીતે મૂકો અને કુલ્ફીનું મિશ્રણ એમાં ઉમેરો. કેરીની ઉપરનો ભાગ કટ કર્યો હતો એનાથી ફરી પાછું ઢાંકી દો. હવે આ સ્ટફ કેરીને આખી રાત ફ્રીઝરમાં સેટ થવા દો. બરાબર સેટ થઈ જાય પછી ફ્રીઝરમાંથી કેરી કાઢીને એક મિનિટ રહેવા દો. ત્યાર પછી પિલરની મદદથી છાલ કાઢીને કેરીની સ્લાઇસ કરો. ઉપરથી પિસ્તા ગાર્નિશ કરો.