અર્ધપારદર્શક એવા કાપડમાંથી બનેલા શિઅર ડ્રેસ ફક્ત બૉલીવુડની પાર્ટીઓ માટે જ નથી. જો યોગ્ય રીતે ડિઝાઇનની પસંદગી કરવામાં આવે તો એ પહેરીને પણ મૉડેસ્ટ લાગી શકાય
સ્ટાર ઍન્ડ સ્ટાઈલ
શિઅર ડ્રેસિસ ટ્રાય કરશો તમે?
૨૦૨૨ એ ડૅરિંગ ફૅશનનું વર્ષ છે. આ વર્ષે રેડ કાર્પેટથી લઈને પાર્ટીઓ સુધી બધે જ એવા ફૅશન-ટ્રેન્ડ છે જે સામાન્ય રીતે રિયલ લાઇફમાં ટ્રાય કરવામાં સંકોચ અનુભવાય. એવો જ એક ટ્રેન્ડ એટલે પારદર્શક ફૅબ્રિકના ડ્રેસ. શિઅર એટલે કે અર્ધપારદર્શક કે પારદર્શક એવા ડ્રેસમાં હાલમાં અનન્યા પાંડે અને મલાઇકા અરોરા જોવા મળી હતી. આવા ડ્રેસ જો ટ્રાય કરવા હોય અને ક્ષોભજનક પણ ન લાગે એ માટે શું ધ્યાનમાં રાખવું એ જાણો ડિઝાઇનર પાસેથી.
લેયરિંગ કરો | શિઅર ડ્રેસિસ જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો ખૂબ સુંદર લાગી શકે છે. શિઅર ડ્રેસિસ એટલે સ્કિન શો એવું નથી. આ વિશે ડિઝાઇનર પરિણી ગાલા કહે છે, ‘શિઅર ડ્રેસિસ ફ્લૉઈ હોય તો સુંદર લાગે. બૉડી ફિટિંગ જ હોવાં જોઈએ એવું નથી. શિઅર ડ્રેસિસ જૅકેટ કે પછી ગાઉન જેવા બનાવડાવો અને એની અંદરનું જે ઇનર હોય એ બૉડીફિટ પહેરો. અહીં ઇનરમાં કટ્સ અને પૅટર્નમાં ક્રીએટિવ બની શકાય. બ્રાલેટ કે ટ્યુબ જેવું ઇનર અને એના પર શિઅર ફૅબ્રિકનું શર્ટ કે ગાઉન સુંદર લાગશે. એ સિવાય જો લાંબું ગાઉન હોય તો એની અંદર સ્કર્ટના ભાગનું ઇનર શૉર્ટ રખાવી શકાય. આ રીતે પારદર્શક ડ્રેસનો ટ્રેન્ડ પણ ફૉલો થશે અને સાથે એ ક્ષોભજનક પણ નહીં લાગે.’
ADVERTISEMENT
ફૅબ્રિકની પસંદગી | શિઅર ફૅબ્રિક એટલે ફક્ત નેટ નહીં. નેટ અને લેસ સિવાય પણ ઘણાં એવાં ફૅબ્રિક્સ છે જે શિઅર લુક આપે છે અને સંપૂર્ણ પારદર્શક પણ નથી લાગતાં. આ ફૅબ્રિક્સ એટલે શિફોન, ઑર્ગન્ઝા, મસલીન અને ક્રૅપ. શિફોનના ફ્લૉઈ ગાઉન્સ કે ડ્રેસિસ સારાં લાગે છે. આ ફૅબ્રિકનાં ડાર્ક રંગનાં શર્ટ પણ સારાં લાગશે જેમાં ટ્યુબ ઇનર પહેરી શકાય. એ સિવાય ગાઉન માટે હોલોગ્રાફિક ઇફેક્ટવાળું ઑર્ગન્ઝા ફૅબ્રિક પણ પસંદ કરી શકાય.
ઇન્ડિયન વર્ઝન | લખનવી કુરતા મોટા ભાગે જ્યૉર્જેટ ફૅબ્રિકના બને છે જે પારદર્શક લાગે છે અને એમાં ઇનર અલગથી પહેરવું પડે છે. અહીં લાંબા કુરતા સાથે ટ્યુબ સ્ટાઇલનું ઇનર પહેરી નીચે જીન્સ પહેરી શકાય. ટ્યુબ ઇનર ક્રૉપ ટૉપ જેવો લુક આપશે. અહીં ચન્કી ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે સરસ ફ્યુઝન લુક ક્રીએટ કરી શકાય.
આટલું ધ્યાન રાખો
શિઅર ડ્રેસની અંદર હંમેશાં સ્કિન કલરનાં ન્યુડ શેડનાં અન્ડરગાર્મેન્ટ્સ જ પહેરવાં. ખાસ કરીને બૉટમમાં જો શર્ટની અંદર ડાર્ક કે કૉન્ટ્રાસ્ટ ઇનર હોય તો ચાલશે. આ એક બાબત ખૂબ મહત્ત્વની છે, ગાઉન્સ પહેરતી વખતે.
જો સ્કિન શો ન થાય એનું ધ્યાન રાખવું હોય તો શિઅર ડ્રેસની અંદર ડ્રેસ સ્લિપ અથવા સ્કર્ટ સ્લિપ પહેરો.
શિઅર ડ્રેસિંગને આઉટિંગ અને એ પણ ખાસ કરીને ડિનર પાર્ટી અને ઈવનિંગ વેઅર સુધી જ સીમિત રાખો. ઑફિસ કે કૉલેજમાં આવા ડ્રેસ કે ટૉપ્સ પહેરવાનું ટાળો.
શિઅર ડ્રેસિસ અંગપ્રદર્શન નથી. યોગ્ય અન્ડરગાર્મેન્ટ્સ અને લાઇનિંગ સાથે આ ડ્રેસને એક સુંદર લુક આપી શકાય.
જો ઈવનિંગ પાર્ટી હોય અને તમારી સ્ટાઇલ થોડી બોલ્ડ હોય તો સ્કિન દેખાય એવા ડ્રેસ પહેરી શકાય.
આ એક એક્સપરિમેન્ટલ ટ્રેન્ડ છે, એટલે કૉન્ફિડન્સ સાથે એ બિન્દાસ ટ્રાય કરો.