આપણી પાસે જે પણ વારસો છે એ કંઇ અત્યારે એની કાળજી લેનારાઓનો નથી બલ્કે આખા દેશનો છે પછી ભલે એ મુંબઇમાં હોય કે લખનૌમાં કે અમદાવાદ-સુરતમાં.
World Heritage Day
પ્રતીકાત્મક તસવીર
મેરિઅમ વેબસ્ટર શબ્દકોષ દ્વારા આ વર્ષે ‘વર્ડ ઑફ ધી યર’નું બિરુદ ‘કલ્ચર’ શબ્દને અપાયું છે. કલ્ચર એટલે સંસ્કૃતિ અને એમાં ય ભારતિય સંસ્કૃતિને નામે કૉલર ચઢાવનારાઓનો આંકડો બહુ મોટો છે. કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો એક એવો વિષય છે જેને વિષે મોંઘો દાટ વાઇન પીતાં પીતાં, રાજકિય ચર્ચાઓમાં બે-ચાર પોઇન્ટ વધારે સ્કોર કરવા માટે કે પછી પોતાને બીજાથી અલગ બતાવવાની હોડમાં વાપરી લેવાય છે.
ખરેખર કલ્ચરલ હેરિટેજ કોઇપણ રાષ્ટ્ર, રાજ્ય કે શહેરની ઓળખ માટે કેટલી અગત્યની બાબત હોઇ શકે છે એ વિષે સટિકતા, સ્પષ્ટતા કે સાચી સંવેદનશીલતાથી વિચારનારાઓની સંખ્યા આપણા દેશમાં બહુ નાની છે. વર્લ્ડ હેરિટેજ વિકની ઉજવણી નવેમ્બર માસમાં કરાઇ પણ ત્યારે થોડા અહેવાલો, થોડા ઘણા કાર્યક્રમો સિવાય કોઇ અવાજ સાંભળવા ન મળ્યો. ક્યાંક રાજકિય મહેચ્છાઓ કાચી પડે છે તો ક્યાંક ખિસ્સાં ભરવાની વૃત્તિ હેરિટેજના કાંગરા ખેરવી નાખે છે. આપણા વડવાઓએ આપેલા સમૃદ્ધ વારસા પ્રત્યેના અભિગમનું વિશ્લેષણ કરવું બહુ જ જરૂરી છે. સરકાર અને નાગરિકોની સહભાગીદારી હોય તો જ સફળતા-નિષ્ફળતાની બારીકીઓ સમજીને એ દિશામાં કોઇ પહેલ થઇ શકશે. આપણી પાસે જે પણ વારસો છે એ કંઇ અત્યારે એની કાળજી લેનારાઓનો નથી બલ્કે આખા દેશનો છે પછી ભલે એ મુંબઇમાં હોય કે લખનૌમાં કે અમદાવાદ-સુરતમાં.
ADVERTISEMENT
અત્યારની સ્થિતિ પર નજર નાખીએ તો દેશની 32 સાઇટ્સ એવી છે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે. આપણાથી આગળ હોય એવા પાંચ દેશો છે ઇટાલી, ચિન, સ્પેઇન, જર્મની અને ફ્રાંસ. તમને થશે કે લે ભારતમાં તો આટલું બધું છે અને એ બધા વિદેશીઓ આપણાથી આગળ! એનું કારણ એટલું કે એ બધા સિત્તેરના દાયકાથી નોમિનેશન્સ ભરવામાં વ્યસ્ત હતા જ્યારે આપણે દલીલોમાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઇ) ક્યાંક બીજે ફાંફા મારવામાં ગરકાવ હતા. ભારતિયોના મોંએ ઠંડા પાણીની છાલક થઇ અને ખબર પડી કે આ લિસ્ટીંગમાં હોવું અગત્યનું છે ત્યારે યુનેસ્કોએ દરેક દેશમાંથી મોકલાતા નોમિનેશન્સની સંખ્યા ઘટાડીને બે કરી નાખી હતી. જો કે આપણે તો આમાં ય પાછા પડ્યા અને એએસઆઇને થોડા વર્ષો તો નોમિનેશન અંગે ‘સુઝ’ ન પડી. પછી 2009 અને 2012ની વચ્ચે આપણે બાર સાઇટ્સની એક યાદી બનાવી શક્યા જે પહેલાંના ચાર દાયકાના બારેક દાવાઓની સરખામણીએ સારી કહી શકાય. જો કે એએસઆઇને આમાં પોતાની ઇજારાશાહી તુટતી લાગી કારણકે આ મહેનત કલ્ચરલ મિનીસ્ટ્રીમાં બેસાડેલા ખાનગી નિષ્ણાતોની સમિતીની હતી. પછીના બે વર્ષોમાં 22 બીજી અરજીઓ તૈયાર કરાઇ અને વર્લ્ડ હેરિટેજનું બિરુદ મેળવવા યુનેસ્કોમાં મોકલવા લાયક નોમિનેશન માટે આપણી અત્યારે પસંદગી કરવા માટે 50 જેટલાં વિકલ્પ છે.
હવે નોમિનેશનમાં કોની પસંદગી થઇ શકે છે એમાં રાજકારણ કમાલ દેખાડશે કે એક્સપર્ટ્સની મહેનત લેખે લાગશે એ જોવું રહ્યું. આ બધું દેખીતી રીતે જેટલું સરળ લાગે છે એટલું નથી, આમાં માત્ર સરકાર નહીં પણ લોક ભાગીદારી પણ બહુ મોટો ફાળો ભજવે છે. અમદાવાદનું ઉદાહરણ લઇ તો બહુ લાંબા વખતથી શહેરનાં હેરિટેજની નાનામાં નાની વિગત ઉપર કામ થઇ રહ્યું હતું. સાહેબ રાજ્યમાં હતા અને સરકારી અધિકારીઓ નિષ્ણાતોને મદદ કરવામાં કોઇ પાછી પાની નહોતા કરતાં. પરંતુ લોકોની ઉદાસિનતા ને કારણે શહેરની પોળનાં ઘરોની સિકલ બદલાઇ કારણકે જે બીજા માટે હેરિટેજ છે તે એમને માટે જુનું ઘર છે. આ અભિગમ સહિયારા પ્રયાસથી જ બદલાઇ શકે. એએસઆઇની નિરસતા પાછળનાં કારણો જુદાં છે. એક સમયે દિલ્હીમાં કોંગ્રેસ બિરાજમાન હતી ત્યારે દિલ્હીને આગળ કરવાની મથમાણ ચાલતી હતી અને હવેની સરકારને બિહારની ચિંતા છે તો નાલંદા (જ્યાં કોઇ ફોક્સ્ડ કામગીરી નથી થઇ) એને વર્લ્ડ હેરિટેજનું લેબલ લાગે એની તજવિજ ચાલી રહી છે. આપણો સાંસ્કૃતિક વારસો આપણી ઓળખ, આપણી સંપત્તિ છે પણ કેટલાંયને એના આધારે પોતાની મિલકત વધારવામાં રસ છે.
યુનેસ્કોના હેરિટેજ સ્ટેટસ માટે એકેય નોમિનેશન ન કરાયું હોય એવાં સરકારી દિવસો પણ આપણે ભુતકાળમાં જોયા છે. દેશનાં સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાની જાળવણીનો બધો ભાર બ્યુરોક્રસીને ખભે નાખી દેવામાં આવે તો ચાલે એટલી હળવાશની બાબત નથી.
ઇન્ટાક જેવી સંસ્થાઓ દ્વારા આ દિશામાં લોકો જોડાય એ માટે બહુ કામગીરી કરવામાં આવી છે પણ મુઠ્ઠીભર માણસોને જ આ વિષયમાં રસ પડે છે બાકીનાઓ આ વિષયને નામે બે-ચાર વાક્યો બોલી પોતાનું સ્ટેટસ જાળવવામાં બિઝી થઇ જાય છે. પ્રસાર ભારતીના ચિફ એક્ઝિક્યુટિવ ઑફિસર જવાહર સિરકારે થોડા સમય પહેલાં એક લેખમાં લખ્યું હતું કે માત્ર પૈસાં અને નિષ્ણાતોની અછત નહીં પણ કંટાળાજનક સરકારી પ્રક્રિયાને પગલે મોટાં પ્રોજેક્ટ્સ પાર નથી પડતાં. દુઃખની વાત છે કે એએસઆઇની 3680 સાઇટમાંથી અડધોઅડધ પર તો ચોકીદાર સુદ્ધાં નથી અને 45-92 જેટલી સાઇટ્સ તો ‘ખોવાઇ છે’ની યાદીમાં છે. સાંસ્કૃતિક વારસામાં માત્ર જુની ઇમારતો નહીં બલ્કે પરંપરાઓ, ટેક્સ્ટાઇલ, લલિત કલાઓ, સંગીત, નૃત્ય, વાનગીઓ, સાહિત્ય બધાનો જ સમાવેશ થાય છે. નાટ્યગૃહો અને સભાખંડોની ઓછી સંખ્યા કોઇ નવો મુદ્દો નથી. આ બધામાં કલ્ચરલ હેરિટેજનો દબદબો ઝાંખો પડતો જાય છે અને આપણને એનો અંદેશો પણ નથી આવતો.
આપણે ન્યુયોર્ક, સ્પેઇન, લંડન, સિડની અને સિંગાપોર જેવાં શહેરોનાં વખાણ કરતાં થાકતાં નથી પણ ક્યારેય એ નથી વિચારતાં કે આ બધાં જ શહેરો કલ્ચર સેન્ટર્સ તરીકે સતત વિકસતાં રહ્યાં છે. આપણે ચિન જેવાં થવું છે પણ શાંઘાઇમાં 400 મ્યુઝિયમ્સ બની રહ્યાં છે એ આપણે ધ્યાનમાં લઇશું? વિદેશમાં મા-બાપ રજાને દિવસે છોકરાંઓને મ્યુઝિયમ્સમાં લઇ જતાં હોય છે અને આપણે મ્યુઝિયમ્સ કે હિસ્ટ્રીમાં શું દાટ્યું છેનો અભિગમ પાળીને બેઠા છીએ. આ બદલવા માટે વિદેશની માફક અહીં પણ સ્થાનિક જુથોએ ભેગાં થવું પડશે, રાજકિય અભિગમની હવા બદલાશે તો સર્વાંગી સાંસ્કૃતિક નિતિ લાગુ કરી શકાશે. સાંસ્કૃતિક સંપત્તિ છે પણ માળખું નથી. લંડનના ટેટ મોર્ડનના ડિરેક્ટર ક્રિસ ડેર્કોને હાલમાં જ ભારતની મુલાકાત લીધી ત્યારે ટિપ્પણી કરી કે, ‘મને ચીઢ એ વાતની ચઢે છે કે સરકાર પુરતો સહકાર કે મહત્વ આપ્યા વગર અહીં સતત હેરિટેજની જાળવણી અને ટુરિઝમની વાતો કરે છે. સંસ્કૃતિ એક માનવાધિકાર છે. એ રાષ્ટ્રની ઓળખ છે અને એ સરકારે સમજવું જ રહ્યું.’
સરકાર કંઇ કરતી નથી અથવા તો હવે સરકાર કંઇ કરશેની રાહ જોયા વિના આપણે નાગરિક તરીકે આપણા શહેર-રાજ્ય અને રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહરના જતનમાં યોગાદના આપીશું તો કોઇકને કોઇક ક્ષણે તો આવનારી પેઢીઓ તમારો પાડ માનશે જ.
બાય ધી વેઃ સાંસ્કૃતિક વારસા માટે કંઇક કરી છુટવાની વાત આવે ત્યારે ‘એનાથી મને શું ફાયદો?’વાળો અભિગમ રાષ્ટ્રની ગરિમા ઘટાડનારો જ સાબિત થાય. ઊંઘતા રહીશું તો ગુમાવવાનો વારો આપણો આવશે સરકાર આવશે અને જશે સંસ્કૃતિ અને વારસો હંમેશા સાથે જ રહેશે. જે છે એ માટે ખુશ થવાને બદલે સમજીએ કે ઇતિહાસ-સાંસ્કૃતિક વારસો-પરંપરાઓ ભુતકાળનો ભંડાર છે જે ઉજળું ભવિષ્ય ઘડવા બહુ જરૂરી છે. ગ્લોબલ ઇનવેસ્ટર્સને રાષ્ટ્રમાં રસ પડે એ માટે જે છે એને શ્રેષ્ઠ રીતે રજુ કરવા એક થવું જ રહ્યું.
(આ લેખ અગાઉ ગુજરાતમિત્રમાં પ્રકાશિત થયો હતો.)