જે સ્વતંત્રતા આપણો સમાજ પુરુષને આપે છે એ સ્ત્રીને કેમ આપી શકતો નથી?
પ્રતીકાત્મક તસવીર
વર્ષોથી સ્ત્રીના જીવનના નિર્ણયો હંમેશાં દસ માણસોની સલાહ લઈને જ નક્કી થાય છે જેમાં તે ખુદ શું ઇચ્છે છે એ સમાજ માટે મહત્ત્વ ધરાવતું નથી. આજકાલ સ્ત્રીઓ જીદ કરીને પણ પોતાના નિર્ણયો લેતી થઈ છે ત્યારે સમાજ તેને સતત પ્રશ્નો કર્યા કરે છે, તેના નિર્ણયને ખોટો ઠરાવ્યા કરવામાં લાગી જાય છે. જે સ્વતંત્રતા આપણો સમાજ પુરુષને આપે છે એ સ્ત્રીને કેમ આપી શકતો નથી?
તારાં લગ્નની ઉંમર જાય છે અને હજી તારે ભણ્યા જ કરવું છે? એનો શું અર્થ કે તારે અમારી સાથે ટૂર પર નથી આવવું, ઘરે એકલી રહેશે કે તું? તારે તારી પૂરી કમાણી શૅરબજારમાં રોકવી છે? તને એના વિશે ખબર જ શું છે? તારે એકલા અમેરિકા જઈને નોકરી કરવી છે, એ શક્ય નથી, પરદેશમાં તને એકલી થોડી મોકલીશું? તને લગ્ન કરવામાં રસ નથી એનો શું અર્થ? આખી જિંદગી કુંવારી રહીશ? એ તો શક્ય જ નથી. પરણવું તો પડે જ. પતિ આટલું કમાય છે તો પછી તારે આ ટીચરની નાનકડી જૉબ કરવાની શું જરૂર? તારે સ્ટાર્ટ-અપ બિઝનેસ ખોલવો છે? જેટલી બચત કરી છે એ બધી ઉડાવી દઈશ? ઘર અને બાળકો સંભાળતાં-સંભાળતાં નોકરી માંડ કરી શકે છે એમાં તને આ બિઝનેસનું ક્યાં સૂઝે છે?
ADVERTISEMENT
જ્યારે સ્ત્રી પોતાના નિર્ણયો ખુદ લે છે કે ખુદ વિશે વિચારતી થાય છે ત્યારે એ સ્વચ્છંદતા અને સ્વાર્થમાં ખપી જાય છે. સ્ત્રી-પુરુષ સમાનતા માટેની હજારો વર્ષોથી ચાલી આવતી લડાઈ જે છે એ લડાઈમાં આજે આપણે એ સ્ટેજ પર પહોંચ્યા છીએ કે સમાજ તેને એની પરવાનગી આપે કે નહીં, પરંતુ એટલી હિંમત સ્ત્રીઓમાં આવી છે કે તેઓ નિર્ણય લેતી થાય. એ વિશે વાત કરતાં ફેમિનિસ્ટ ડૉ. સેજલ શાહ કહે છે, ‘નાનપણથી ઘરની બહાર કેટલા કલાક રમવુંથી માંડીને તેણે કેવાં કપડાં પહેરવાં, કેવી રીતે બેસવું બધું જ સમાજનાં ધારાધોરણો પ્રમાણે નક્કી થાય છે. એટલે તેને અપ્રૂવલ લેવાની આદત પડી ગઈ હોય છે. મારાં કપડાં બરાબર છે? હું જે બોલું છું એ બરાબર છે? હું જે વિચારું છું એ બરાબર છે? દરેક બાબતે સ્ત્રીને અપ્રૂવલ લેવાની આદત હોય છે જે તેણે છોડવી પડશે.’
સતત દરેક વ્યક્તિને ખુશ રાખવાનો ભાર સ્ત્રી હંમેશાં ખુદના ખભે લેતી હોય છે. હકીકત એ છે કે તે ગમે એટલું કરે, પરંતુ બધાને ખુશ રાખી નથી શકવાની. બીજી બાબત એ કે નિર્ણય લેવાની તાકાત તેણે પોતાની અંદર વિકસાવવી જ રહી. એ માટેની તૈયારી વિશે વાત કરતાં ડૉ. સેજલ શાહ કહે છે, ‘ખુદના નિર્ણયો લેવા સરળ તો નથી જ. પહેલાં તો એ સમજવું કે શું સાચું છે કે શું ખોટું અને પછી એ નિર્ણય જો તમે લો છો તો એની પૂરેપૂરી જવાબદારી તમારી જ ગણાય. વૅલિડેશનની પરવા તેણે છોડવી પડશે, ખુદ પર વિશ્વાસ મૂકવો પડશે અને એનાં જે પણ પરિણામો આવશે એ ભોગવવા તેણે તૈયાર રહેવું પડશે.’
નિર્ણયનો હક અને જવાબદારી
તાજેતરમાં નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે અનુસાર ૯૨ ટકા ગુજરાતી સ્ત્રીઓ ઘરેલુ કામોમાં પોતાના નિર્ણય લે છે. મહારાષ્ટ્રમાં આ આંકડો ૮૯.૯ ટકા જેટલો છે. તાજેતરના બીજા એક પ્રકાશિત સર્વે અનુસાર ભારતની ૬૬ ટકા સ્ત્રીઓ પોતાના આર્થિક નિર્ણયો ખુદ લેતી નથી જે દર્શાવે છે કે મોટા નિર્ણયો લેવાનો હક અને જવાબદારી બંને સ્ત્રી પોતાના માથે લેતી નથી