ભાઈબીજને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
ભાઈબીજ કારતક મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ ઊજવાય છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન યમ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતા અને ત્યારથી જ આ પર્વની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના મસ્તક ઉપર ટીકો લગાવીને તેની લાંબી ઉંમરની મનોકામના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી યમરાજ તે ભાઈ-બહેનના કષ્ટ દૂર કરે છે. પછી ભાઈ બહેનને ભેટ આપે છે. ભાઈબીજને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ તહેવારની કથા મૃત્યુના દેવતા યમરાજ સાથે સંબંધિત છે.
ભાઈબીજના દિવસે ટીકો કરવાનો શુભ સમય, પૂજાની વિધિ, મંત્ર અને આ તહેવારનું મહત્વ જાણી લો અહીં....
ADVERTISEMENT
ભાઈબીજના શુભ મુહૂર્ત:
સવારે ૧૧.૪૫ થી ૧૨.૨૫ સુધી
બપોરે ૧.૧૦ થી ૩.૨૧ સુધી
ભાઈબીજ પર આ રીતે તૈયાર કરો થાળી:
થાળીમાં સિંદૂર, ફૂલ, આખા ચોખાના કેટલાક દાણા, ચાંદીનો સિક્કો, સોપારી, સૂકું નાળિયેર, ફૂલની માળા, નાડાછડી, મીઠાઈ, ચપટી ઘાસ અને કેળું મૂકો.
આ રીતે કરો ભાઈબીજની પૂજા:
બહેને સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને ગણેશની પૂજા કરવી. આ દિવસે ભાઈના હાથમાં સિંદૂર અને ચોખાનો લેપ લગાવવામાં આવે છે. તે પછી ભાઈના હાથમાં પાંચ પાના, સોપારી અને ચાંદીનો સિક્કો રાખવામાં આવે છે. ત્યારબાદ ભાઈના હાથ પર નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી બાંધતી વખતે બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે મંત્રનો પાઠ કરે છે. ક્યાંક બહેનો પોતાના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને તેમની આરતી કરે છે. ત્યારપછી નાડાછડી બાંધવામાં આવે છે. ભાઈનું મોઢું મીઠાઈ કે માખણ મિશ્રીથી મીઠું કરવામાં આવે છે. પરિણીત બહેન હોય તો ભાઈ તેના ઘરે ભોજન કરવા જાય છે. ભાઈ બહેનને ઉપહાર આપે છે.
ભાઈબીજનો મંત્ર:
આજના દિવસે ભાઈને ટીકો કરતી વખતે બહેને આ મંત્ર બોલોવો જોઈએ, ‘ગંગા પૂજે યમુનાને, યમી પૂજે યમરાજને. સુભદ્રા પૂજે કૃષ્ણને, ગંગા યમુના નીર વહે મારા ભાઈ, તું ઊગે-ખીલે’.
સાંજે દીપદાનની પરંપરા:
આજના દિવસે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આજના દિવસે ભાઈ-બહેન સવારે સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેન આસન ઉપર ચોખાના ખીરાથી ચોક બનાવે છે. આ ચોક ઉપર ભાઈને બેસાડીને બહેન ભાઈના હાથની પૂજા કરે છે અને ભાઈને નાડાછડી બાંધે છે અને તિલક કરે છે.
આજના દિવસે સવારે ચંદ્રદર્શનની પરંપરા છે અને સંધ્યાકાળે ઘરની બહાર ચાર દિવેટવાળો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. માન્યતા છે કે આવું કરવાથી કલ્યાણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાંજે યમરાજને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુડ ઉડતું જોવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, બહેન ભાઈની લાંબી ઉંમરની જે કામના કરી રહી છે તે સંદેશને ગરુડ સાંભળીને યમરાજને જણાવે છે.
બહેનને યમુના સ્નાન કરાવવાની પરંપરા:
ભાઈબીજ, ધર્મરાજ યમ અને તેની બહેન યમુનાના પ્રેમનો તહેવાર છે. આ દિવસે યમ અને યમુનાની જેમ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમ અને યમુના પ્રસન્ન થાય છે. આ પર્વમાં ભાઈ અને બહેનને યમુના સ્નાન કરવું જોઈએ. આવું ન કરી શકો તો સ્નાનના પાણીમાં યમુના જળ મિક્સ કરીને નાહવું અને દેવી યમુના અને ધર્મરાજ યમને પ્રણામ કરો. તેનાથી બંનેની ઉંમર વધે છે. જેઓ આ દિવસે આ પ્રકારે પૂજન પછી તિલકની વિધિ પૂર્ણ કરે છે તેમને સ્વર્ગ મળે છે.
ભાઈબીજ સાથે જોડાયેલી પૌરાણિક કથા:
સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. સજ્ઞા પોતાના પતિ સૂર્યની ઉદ્દીપ્ત કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી. તેનાથી તાપ્તી નદી તથા શનિશ્વરનો જન્મ થયો. આ છાયાથી જ સદાય યુવાન રહેનાર અશ્વિની કુમારો પણ જન્મ થયો છે. જે દેવતાઓના વૈધ માનવામાં આવે છે. ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે સંજ્ઞા(છાયા)નો યમ તથા યમુનાની સાથેના વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈ દુઃખી થતી હતી, એટલા માટે તે ગૌલોકમાં ચાલી ગઈ. સમય પસાર થતો ગયો. ત્યારે ઘણા વર્ષો પછી અચાનક એક દિવસ યમને પોતાની બહેન યમુના યાદ આવી. યમે પોતાના દૂતોને યમુનાની શોધ લગાવવા મોકલ્યા. પરંતુ તે ક્યાંય ન મળી. પછી યમ પોતે લોકમાં ગયા જ્યાં યમુના સાથે ભેટ થઈ. આટલા દિવસો પછી યમુના પોતાના ભાઈને મળીને આનંદિત થઈ. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. તેનાથી ભાઈ યમ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવાનું કહ્યું. ત્યારે યમુનાએ વરદાન માગ્યું કે, ‘હે ભાઈ હું ઈચ્છું છું કે જે પણ મારા જળમાં સ્નાન કરશે તે યમપુરી નહીં જાય’. આ સાંભળી યમ ચિંતિત થઈ ગયા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. ભાઈને ચિંતિત જોઈ બહેન બોલી ભાઈ, ‘ચિંતા ન કરો, મને એવું વરદાન આપો કે જે લોકો આજના દિવસે બહેનને ત્યાં ભોજન કરે તથા મથૂરા નગરીમાં સ્થિત વિશ્રામઘાટ ઉપર સ્નાન કરે તે યમપુરી નહીં જાય’. યમરાજે આ વાતનો સ્વીકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન-ભાઈના આ પર્વને હવે ભાઈબીજના રૂપમાં ઉજવવામાં આવે છે.