સાધનાનો અર્થ છે વ્યક્તિ પોતાના જીવનને અંદરથી તુંબડાની જેમ ધોઈને એકદમ સ્વચ્છ કરી નાખે
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
ભજન અને ભોજન વચ્ચે એક સમાનતા છે. બન્ને તાપથી પાકે. ભોજનને આગથી પકાવવું પડે. જો પકાવો નહીં તો એ ખાવાયોગ્ય બને નહીં. ભજનને સાધનાથી તપાવવું પડે. જો એ સાધનાથી તપાવ્યું ન હોય તો ઈશ્વર સુધી પહોંચે નહીં. વાત આગળ વધારતાં પહેલાં સાધનાનો અર્થ સમજવાની જરૂર છે.
સાધનાનો અર્થ છે વ્યક્તિ પોતાના જીવનને અંદરથી તુંબડાની જેમ ધોઈને એકદમ સ્વચ્છ કરી નાખે. તુંબડું અંદરથી પોલું થઈને વજનરહિત બનીને તરવા લાગે છે એ જ રીતે મન પણ અંદરથી તરવા લાગવું જોઈએ. જો મન તરે નહીં તો સાધના થઈ નથી.
ADVERTISEMENT
સાધના એટલે માણસે પોતાને ધોવાની કરેલી ક્રિયા. સાધના એટલે પોતાની સારી રીતે સફાઈ કરવી. જેમ ધોબી પહેલાં પાણીમાં કપડાં ધોવાનો પાઉડર નાખીને એને પલાળી રાખે, પછી એના પર સાબુ ઘસે, એ પછી એને પાણીમાં ઉકાળે, પથ્થર પર પછાડે. પથ્થર નક્કર અને કપડું બહુ જ કોમળ. છતાં પણ ધોબી એને પથ્થર પર કેટલી મહેનતથી પછાડે છે. તે કપડાંને નિચોવે છે અને પછી એને તડકામાં સૂકવે છે. સુકાઈ ગયા પછી તે ધોબી કપડાંને પ્રેસ કરે અને જે ઇસ્ત્રી-ટાઇટ કપડાં પહેરે તે સદ્ગૃહસ્થ દેખાય છે.
સાધનાનો અર્થ છે જાત માટે ધોબી બની ખુદની અંદરથી પોતાની જાતને ધોવી. જોકે અહીં એક પ્રશ્ન એ આવે કે જાતને ધોવા માટે પાણી જોઈએ, પણ અહીં એ પાણીનો ઉપયોગ નથી કરવાનો. અહીં તો સાધના વડે હૃદયનાં કપડાં ધોવાનાં છે. સાધનાના સાબુથી અંતઃકરણને શુદ્ધ કરવા માટે જે પાણીની જરૂર પડે છે અને જે પાણી છે.
આજની આ વાતની શરૂઆત આપણે ભોજન અને ભજનથી કરી. એ જ રીતે આ જ વાતનો અંત પણ ભોજન અને ભજન પર જ લાવીએ.
ભોજન કરવાથી માણસને ત્રણ પ્રકારના અનુભવ થાય. પહેલો અનુભવ - ભોજન કરવાથી ભૂખથી નિવૃત્તિ મળે. બીજો અનુભવ - ભોજન કરવાથી શરીરને પુષ્ટિ મળે અને ત્રીજો અનુભવ - ભોજન કરવાથી સ્વાદ મળે. ટૂંકમાં કહીએ તો ભોજન કરવાથી નિવૃત્તિ, પૃષ્ટિ અને સ્વાદ મળે છે; જ્યારે ભજન કરવાથી, સાધના કરવાથી ત્રણ વાત ભક્તિ, વૈરાગ્ય અને શાન સિદ્ધ થાય. સાધનાથી ભક્તિની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની અનુભૂતિ થાય અને સાધના કરવાથી જીવાત્માને શાનનો અનુભવ મળે. સાધનાનો પણ એક નિયમ છે. એ નિયમનું પાલન કરીને જ સાધના કરવી જોઈએ. આ નિયમ એટલે સાવધાન. સાવધાન રહીને કાર્ય કરવું એનું નામ સાધના. એ પછી તમે કોઈ પણ સાધના કરતા હો. અભ્યાસની સાધના હોય તો પણ આ જ વાત લાગુ પડે અને કળાની સાધના કરતા હો તો પણ આ જ વાત લાગુ પડે. સાવધાન રહીને કાર્ય કરવું એનું નામ સાધના.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)