એ કાળમાં યુરોપમાં એવું જ માનવામાં આવતું હતું કે વિશ્વના આદિથી અંત સુધીની બધી વાતો વિચારવામાં આવી છે અને એનાથી જુદું વિચારવું એ શેતાની પ્રક્રિયા છે.
ચપટી ધર્મ
મિડ-ડે લોગો
આપણે વાત કરતા હતા આપણી ધર્મ સ્થગિતતાની, પણ એ વાતને બાજુ પર મૂકીને પણ કહેવું પડે કે એક સમય હતો જ્યારે આપણા કરતાં યુરોપ ધર્મના નામે વધુ સ્થગિત થઈ ગયું હતું, નવું વિચારી જ શકતું નહોતું. જેકંઈ વિચારવાનું, નિર્ણીત કરવાનું હતું એ બધું ધર્મગ્રંથમાં આવી ગયું હોય એ જ. જોકે યુરોપે એમાંથી બહાર આવવાની જાગ્રત પેરવી કરી અને એનું એને પરિણામ પણ મળ્યું.
એ કાળમાં યુરોપમાં એવું જ માનવામાં આવતું હતું કે વિશ્વના આદિથી અંત સુધીની બધી વાતો વિચારવામાં આવી છે અને એનાથી જુદું વિચારવું એ શેતાની પ્રક્રિયા છે. પ્રજા આ રીતે સ્થગિત થઈ ગઈ હતી. આ સ્થગિત પ્રજાનાં સેંકડો વર્ષ એવી માન્યતાઓ તથા રૂઢિઓમાં વીત્યાં કે આજે તો એ નિતાન્ત હાસ્યાસ્પદ લાગે. આજે આપણને લાગે કે શું યુરોપની પ્રજા આવું પણ માનતી હતી? અરે, આવું પણ જીવતી હતી?
આજે કોઈ કાશીમાં કરવત લેવા જાય તો આખો દેશ ખળભળી ઊઠે. તેને કરવત ન દે. જોકે પ્રાચીનકાળમાં ઢોલનગારાં સાથે આ પ્રક્રિયા થતી, કશા જ ખળભળાટ વિના. થોડાં વર્ષો પહેલાં રાજસ્થાનમાં કોઈ સ્ત્રીને પતિના મૃત્યુ પાછળ સતી થવાની ઇચ્છા થયેલી. ઠેઠ લોકસભા સુધી મોટો ખળભળાટ થયો, પણ પ્રાચીનકાળમાં તો આવી સેંકડો સ્ત્રીઓ મંત્રવિધિઓ સાથે વાજતે-ગાજતે સતી થતી. અરે, જે સતી થવા રાજી નહોતી તેને હાથ પકડીને, ઢસડીને અગ્નિકુંડ પાસે લાવીને સતી કરવામાં આવતી.
પ્રાચીનકાળની અસંખ્ય માન્યતાઓ તથા રૂઢિઓ આજે રહી નથી. એને દૂર કરવા કેટલાયે ગૅલિલિયો, બ્રૂનો, સર્વેટસ, દયાનંદ જેવા મહાનુભાવોએ બલિદાન આપવાં પડ્યાં છે. અસંખ્ય યાતનાઓ અને બલિદાન પછી યુરોપ સ્થગિતતામાંથી બહાર નીકળ્યું અને જોતજોતામાં આખા વિશ્વ પર ફરી વળ્યું. જે પ્રજાઓ પ્રાચીનકાળનાં જ ગાણાં ગાતી રહી તે યુરોપની આધીનતામાં આવી ગઈ. ચિંતનની સ્થગિતતાએ તેમને પરાધીનતાની બેડી પહેરાવી દીધી.
ભારતની પ્રજા સેંકડો વર્ષોથી ઉપરાઉપરી વિદેશીઓથી હારતી રહી, કારણ કે એ સ્થગિત થઈ ગઈ હતી. વિદેશીઓ સામે કોઈ એક-બે વાર તે ટક્કર લઈ શકી કે જીતી શકી તો પણ પોતાની જીતને કાયમ ન રાખી શકી. જીવનના પૂરા ક્ષેત્ર પર મૌલિક ચિંતન કરીને જ્યાં-જ્યાં સુધારવા જેવું હોય એને તે સુધારી ન શકી, કારણ કે સ્થગિતતાની શિલા એના ગળામાં પડી હતી.