આપણે ત્યાં અનેક પરિવાર આ રીતે છિન્નભિન્ન થયા છે અને અનેક પરિવાર ભૂલ સ્વીકારવાની હિંમત ધરાવતા વડીલોને કારણે સચવાઈ પણ ગયા છે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર
બૉડી-લૅન્ગ્વેજ (દેહભાષા) સમજનાર ઋષિ શકુંતલાને જોઈને સમજી ગયા કે કંઈક અનહોની થઈ છે. ધીરે-ધીરે તેઓ જ શકુંતલા પાસે ગયા અને માથે હાથ ફેરવતાં પ્રેમથી પૂછ્યું, ‘કેમ, આજે આવું વલણ થઈ ગયું છે? નજર કેમ ફેરવવી પડે છે?’
ગઈ કાલે કહ્યું એમ, વડીલો અને સંતાનો વચ્ચે પણ એ આત્મીયતાનો નિખાલસ સંબંધ હોય તો ઘણા અનર્થોથી બચી શકાતું હોય છે. અહીં એનું શ્રેષ્ઠ ઉદાહરણ મળે છે. શકુંતલાએ જે થયું હતું એ અથથી ઇતિ સુધીનું બધું કહી સંભળાવ્યું, કશું જ છુપાવ્યું નહીં. તેણે દુષ્યંત સાથે ગાંધર્વલગ્ન કરી લીધાં છે એ પણ કહી દીધું. આ બધું સાંભળીને ઋષિવરે શકુંતલાને હડધૂત ન કરી. તેમણે મનોમન પોતાની ભૂલ માનીને સ્વીકારી લીધું કે તેમણે એ દિશામાં ધ્યાન આપવાની જરૂર હતી. પોતાના પક્ષની ભૂલને સ્વીકારનાર વડીલ પરિવારને સાચવી શકતો હોય છે. માત્ર આશ્રિતોની ભૂલોનાં જ ગાણાં ગાનારા વડીલો પરિવારને છિન્નભિન્ન કરી નાખતા હોય છે. આપણે ત્યાં અનેક પરિવાર આ રીતે છિન્નભિન્ન થયા છે અને અનેક પરિવાર ભૂલ સ્વીકારવાની હિંમત ધરાવતા વડીલોને કારણે સચવાઈ પણ ગયા છે.
કણ્વઋષિએ શકુંતલાના દુષ્યંત સાથેના ગાંધર્વવિવાહને સ્વીકૃતિ આપી દીધી. જે ઘટનાથી પરિવારમાં ખૂનામરકી થઈ શકતી હતી એ જ ઘટનાને કણ્વની ઉદારતા અને ડહાપણે આનંદનો વિષય બનાવી દીધો.
હવે શકુંતલા વડીલ પક્ષથી તો નિશ્ચિંત થઈ ગઈ, પરંતુ દિવસો વીતવા લાગ્યા, પણ રાજા તરફથી કોઈ પાલખી તો આવતી નથી. ગુજરાતીમાં જેને આણું કહે છે અને હિન્દીમાં જેને ‘ગૌના’ કહે છે એ તો થતું જ નથી. વિવાહિત કન્યાને લગ્ન કરતાં પણ વધારે ઉત્સુકતા આણાની રહે છે. લગ્નથી બંધાઈ તો ગયાં, પણ હવે પતિ તરફથી આણું આવતું જ નથી. શું થયું હશે, મારો તિરસ્કાર તો નહીં થયો હોયને?
આવી જાત-જાતની શંકા-કુશંકામાં ચિંતાની અશાંતિ ભોગવતી રહે છે. એમાં પણ શકુંતલા તો સગર્ભા થઈ ગઈ હતી. જો આણું ન આવે તો આ ગર્ભનું શું? એ તો સારું છે કે તેણે બધી વાત પિતાને કરી દીધી છે અને સમજુ પિતાએ બધું સ્વીકારી લીધું છે, નહીં તો શું થાય? શકુંતલા રોજ કપાળ પર હાથની છાજલી બનાવીને દૂર-દૂરથી આવતી પોતાના માટેની પાલખીની રાહ જોતી રહી, પણ પાલખી ન આવી તે ન જ આવી. શકુંતલા નિરાશ થઈ જતી. સમય ક્યાં ઊભો રહે છે? સમય પૂરો થતાં જ શકુંતલાને પ્રસૂતિ થઈ. પુત્રરત્નનો જન્મ થયો, પણ તેનું મુખ જોનારો પિતા ક્યાં? શું થયું હશે?