કહેવાનો ભાવાર્થ એ કે સાધના સ્થિર હોવી જોઈએ. એ જ વાત સાથે ફરીથી કહેવું પડે કે સ્થિર સાધનામાં પણ જડતા ન હોવી જોઈએ.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
ગયા ગુરુવારે કહ્યું એમ, સાધનાનો પણ એક નિયમ છે. આ નિયમ એટલે સાવધાન. સાવધાન રહીને કાર્ય કરવું એનું નામ સાધના. એ પછી તમે કોઈ પણ સાધના કરતા હો. અભ્યાસની સાધના હોય તો પણ આ જ વાત લાગુ પડે અને કળાની સાધના કરતા હો તો પણ આ જ વાત લાગુ પડે. સાવધાન રહીને કાર્ય કરવું એનું નામ સાધના, પણ હવે પ્રશ્ન એ છે કે સાધના કેવી હોવી જોઈએ?
માણસની સાધના પર્વત જેવી સ્થિર હોવી જોઈએ, પણ પાછી એ જડ ન હોવી જોઈએ, નદી જેવી તરંગિત હોવી જોઈએ, એનાં વહેણ સૌકોઈને ભીંજવે એવાં હોવાં જોઈએ. મારી ને તમારી સાધના બીજાને પ્રક્ષાલિત કરે, બીજાની તૃષા છિપાવે અને સૌકોઈને વિશ્રામ આપે એવી હોવી જોઈએ. કહેવાનો ભાવાર્થ એ કે સાધના સ્થિર હોવી જોઈએ. એ જ વાત સાથે ફરીથી કહેવું પડે કે સ્થિર સાધનામાં પણ જડતા ન હોવી જોઈએ, સ્થિર સાધનામાં પણ પ્રવાહિતા હોવી જોઈએ. સાધના પોતે જો પ્રવાહિત ન થઈ હોત તો કદાચ હું ને તમે આટલા સરળ, તરલ ન બની શક્યા હોત. જડ ને કઠોર બની ગયા હોત અને આપણે જડ કે કઠોર નથી એ જ દેખાડે છે કે સાધના સરળ અને તરલ હોવી જોઈએ.
આ સાધના સ્થિર હોવી જોઈએ, તરંગિત હોવી જોઈએ, પણ સાથોસાથ ફળદાયી હોવી જોઈએ, એનું કંઈ પરિણામ આવવું જોઈએ. અહીં આપણે ભગવદ્ગીતાને પણ યાદ કરવાની છે. ગીતાનું તત્ત્વજ્ઞાન–ફળની ઇચ્છા ન કરવી, એ વાત અને કહેવાનો એ ભાવ જુદો છે. એને અહીં જોડવાની જરૂર નથી.
એક સંત તો કહે કે ‘માણસ કર્મ કરે પછી ફળની ઇચ્છા ન કરે’, એવી ઇચ્છા ન કરવી એવું કોણે કહ્યું? ગીતામાં તો ખાલી એટલું જ કહ્યું છે કે માણસ કર્મ કરે, ફળ લઈને તો ભગવાન કદાચ દરવાજે આવીને ઊભો જ રહે છે. આપણે અપેક્ષા કરવાની જરૂર રહેતી જ નથી, પણ એમાં એક વસ્તુ ઉમેરવી જોઈએ કે માણસ સાધના કરે, પ્રભુ ફળ લઈને ઊભો રહે ત્યારે સાધના કરનારો ફળ માગે જ નહીં. ઈશ્વરને જ માગી લે, ફળને હટાવી દે એટલે કે સાધના વૃક્ષની સમાન ફળદાયી હોવી જોઈએ. ચોથું અને વધુ એક અગત્યનું અનુસંધાન, સાધના સદ્ગુણ કરતી હોવી જોઈએ. ગુણ હોય તો જ પછી વાત સદ્ગુણની આવે એટલે કે સાધના સદ્ગુણકારી હોવી જોઈએ. ક્યારેય ભૂલતા નહીં, કસોટી કસોટી લાગે ત્યાં સુધી સાધના અધૂરી છે, કસોટી પણ જ્યારે કૃપા લાગે ત્યારે જ સાધના સફળ બને છે અને વ્યક્તિએ પોતાની સાધનાને સફળ બનાવવાની છે.