ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ, પ્રેમ. પ્રેમ-સૂત્ર સૌથી સરળ છે અને મુશ્કેલ પણ છે. આ પ્રેમ-સૂત્રને પકડી લો. પ્રેમ-સૂત્રને જ્ઞાનખંડમાં પ્રવેશ મળે છે અને જ્ઞાનખંડ પછી આવે છે લજ્જાખંડ.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
ઈશ્વરપ્રાપ્તિ માટે ચાર ખંડ છે, જેમાંથી આપણે ધર્મખંડ અને જ્ઞાનખંડની વાત કરી, હવે વાત કરવાની લજ્જાખંડ અને કૃપાખંડની. આ ખંડની વાત કરતાં પહેલાં તમને યાદ દેવડાવવાનું કે આ ખંડ વચ્ચે-વચ્ચે દીવાલ નહીં, દરવાજો છે અને એ પણ લૉક કરેલો છે. સદ્ગુરુના હાથમાં ચાવી છે. ધર્મખંડમાં બહારથી દરવાજો છે, જ્યારે બાકીના ત્રણેય ખંડના દરવાજા એકબીજાની અંદર છે, એ ખંડોને સ્વતંત્ર અલગ દરવાજો નથી. ધર્મખંડમાંથી થઈને જ અંદરના દરવાજા સુધી જઈ શકાય છે. ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ, પ્રેમ. પ્રેમ-સૂત્ર સૌથી સરળ છે અને મુશ્કેલ પણ છે. આ પ્રેમ-સૂત્રને પકડી લો. પ્રેમ-સૂત્રને જ્ઞાનખંડમાં પ્રવેશ મળે છે અને જ્ઞાનખંડ પછી આવે છે લજ્જાખંડ.
જ્ઞાન મળે છે તેને ખરેખર શરમ આવે છે. મને એમ હતું કે હું ઘણું જાણતો હતો, પણ હું તો કંઈ નથી જાણતો. તારી પાસે આવીને એમ લાગે છે કે મેં કંઈ જાણ્યું જ નથી. કાં તો ભગવાન બની જાઓ અથવા ભગવાનના બની જાઓ. એ બે જ સ્થિતિ છે. કોઈ ઘૂમટો તાણે ત્યારે ખોલનારો આવે છે. જ્યારે શરમાળ જ્ઞાની જાણી જાય છે કે મારી પાસે કંઈ નથી ત્યારે કૃપાખંડમાં પ્રવેશ થઈ જાય છે. આ કૃપાખંડમાં પ્રવેશ પછી તમે નિષ્ફિકર છો. તમને જેમ માફક આવે એમ કરો, જેમ માફક આવે એમ રહો, કારણ કે ઈશ્વરના બારેબાર હાથ તમારા પર છે અને આ હાથ તમારા પર ત્યારે જ આવે જ્યારે એણે જોઈ લીધું હોય કે આ કૃપાનો એક પણ પ્રકારનો દુરુપયોગ થવાનો નથી અને એટલું જ નહીં, એને ખાતરી થઈ ગઈ હોય કે કૃપાનો અંગત ઉપયોગ પણ નહીં, સતત સદુપયોગ અને લોકાર્થે ઉપયોગ થતો રહેવાનો છે. કૃપાખંડમાં પ્રવેશનારો સંતત્ત્વ પ્રાપ્ત કરી ચૂકે છે.
હું એક વાત કહીશ, જ્યાં સુધી કોઈ વસ્તુ અનુભવમાં ન આવે ત્યાં સુધી સાધના કરો અને એ અવિરત ચાલુ રાખો. શાસ્ત્રોમાં પાંચ સાધનની ચર્ચા કરી છે, જેમાં પ્રથમ ક્રમે છે, ક્રિયાસાધ્ય સાધન.
જે તમે પોતે કરી શકો. એમાં તમને ધનની જરૂર ન પડે! એમાં તમને બળ, વિદ્યા કે પ્રારબ્ધની જરૂર પણ નહીં પડે.
કોઈ પણ સહારો લીધા વિના તમે સાધન કરી શકશો. એનું નામ છે ક્રિયાસાધ્ય સાધન! ક્રિયા સાધનાની વાતો આપણે કરીશું હવે આવતી કાલે.