હૃદય સહજ રીતે આનંદિત તો થઈ જતું અને આપણી યુવા પેઢી માટે ગર્વ પણ થતું. આ જ દિવસો દરમ્યાન એક દિવસ એક યુવાનને એમ જ ઊભો રાખીને તેની સાથે વાત શરૂ કરી.
					
					
પ્રતીકાત્મક તસવીર
ગયા મંગળવારે જે નિયમોની લાંબી યાદી જોઈ એ જ નિયમો હમણાં એક પ્રવચન દરમ્યાન સૌકોઈને કહ્યા અને સૌને કહ્યું કે જે નિયમ તમને અનુકૂળ આવે, જે નિયમ તમને માફક આવે એ નિયમ જીવનમાં અપનાવજો. ઓછામાં ઓછો એક નિયમ જીવનમાં આવે એવો પ્રયાસ કરશો. 
‘નિયમ જીવનને અનુશાસન આપવાનું કામ કરે છે, જીવનમાં નિયમો હોવા જોઈએ અને એનું પાલન પણ ચુસ્તપણે કરતા રહેવું જોઈએ.’
આવું કહીને એ દિવસનું પ્રવચન પૂરું કર્યું અને પછી તો જાતજાતના નિયમો પ્રસન્નતાપૂર્વક લેતા યુવાનો આવી-આવીને મળીને આગળ વધતા રહ્યા. કેટલાક યુવાનો એવા પણ મળ્યા જેણે ગયા મંગળવારે કહી હતી એ યાદી સિવાયનો નિયમ આંખ સામે ધરીને એનું પાલન કરવાનો નિર્ણય લીધો.
થોડા દિવસ પસાર થયા અને મર્દાનગીપૂર્વક એ નિયમોનું પાલન કરતાં યુવક-યુવતીઓને જોતાં દિવસો પસાર થવા માંડ્યા. હૃદય સહજ રીતે આનંદિત તો થઈ જતું અને આપણી યુવા પેઢી માટે ગર્વ પણ થતું. આ જ દિવસો દરમ્યાન એક દિવસ એક યુવાનને એમ જ ઊભો રાખીને તેની સાથે વાત શરૂ કરી.
‘આજ સુધી આપેલા તમામ નિયમોમાં કયા નિયમનું પાલન સૌથી વધુ કઠિન લાગ્યું?’
‘પંખાનું...’ યુવાને હાથ જોડીને કહ્યું, ‘એનો ઉપયોગ નહીં કરવાનો નિયમ બહુ કઠિન લાગ્યો. ગરમીના દિવસો અને એમાં પણ પંખો નહીં વાપરવાનો. દિવસ તો જેમ-તેમ પસાર થઈ જાય, પણ ગુરુદેવ, રાત કોઈ હિસાબે પસાર થાય નહીં. આખી રાત પથારીમાં પડખાં ઘસી-ઘસીને પસાર કરી.’ 
યુવકની આંખોમાં ચમકારો હતો જે સ્પષ્ટ દેખાતો હતો. 
‘ગુરુદેવ...’ તેણે ફરી વાર હાથ જોડ્યા, ‘આપ નહીં માનો, પણ આખી રાત આંખ સામે આપ આવ્યા. પંખા વિના અમારાથી અઠવાડિયું પણ નીકળ્યું નહીં અને આખી જિંદગી આપે પંખા વિના પસાર કરવાની અને એય પ્રસન્નતાપૂર્વક...’
યુવકને સસ્મિત પોતે લીધેલા બીજા નિયમ વિશે જાણીને હૃદયમાં આનંદ પ્રસરી ગયો. યુવકે આશીર્વાદ લેતાં કહ્યું, ‘મહારાજસાહેબ, બીજો પણ એક નિર્ણય કરી લીધો છે કે જિંદગીમાં ક્યારેય 
સાધુ-સાધ્વીજી-ભગવંતની નિંદા કરવી નહીં. સત્ત્વહીન જિંદગી જીવનારા અમારા જેવા સંસારીઓને સત્ત્વશીલ જીવન જીવી રહેલા એ પૂજ્યોની નિંદા કરવાનો અધિકાર જ શો છે.’
		        	
		         
        

