કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવાનું ભૂલતો નથી.
ધર્મ લાભ
મિડ-ડે લોગો
હવે હું જીવનમાં બરાબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવાનું ભૂલતો નથી.
સારા પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.
ઑફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય એવું માનું એવો બાળક રહ્યો નથી હવે, પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે : પહેલી વાર સ્મશાને ગયો એ પછી કેટલીયે રાત જંપીને સૂઈ ન’તો શક્યો, પણ હવે તો મને નનામી બાંધતાં પણ આવડી ગઈ છે.
કવિ વિપિન પરીખની પંક્તિઓ એટલું જ કહે છે કે આજનો માણસ સંવેદનશીલતાને મારી નાખીને જીવી રહ્યો છે. સશક્ત ભિખારી તેને દંભી લાગી રહ્યો છે. કતલખાનાં તેને નૉર્મલ લાગી રહ્યાં છે. લાખોની સંખ્યામાં થઈ રહેલા ગર્ભપાતના સમાચાર તેને કોઠે પડી ગયા છે. ભૂકંપમાં કે વાવાઝોડામાં, દુકાળમાં કે દાવાનળમાં, કોમી હુલ્લડમાં કે યુદ્ધમાં મરનારની સંખ્યાના આંકડાના આધારે તેના મનમાં કંઈક ઝણઝણાટી પેદા થાય છે. ચા પીતાં-પીતાં તે પેપરમાં આવેલા સગીરા પર થયેલા બળાત્કારના સમાચાર વાંચી શકે છે. કડડડભૂસ થઈ ગયેલી ઇમારત નીચે દટાયેલાં બાળકોની લોહીનીંગળતી લાશને ટીવી પર મિત્રો સાથે મોજમજાક કરતાં જોઈ શકે છે. ૨૦ વર્ષના નવયુવકના ઍક્સિડન્ટના સમાચાર હવે એ રૂવાડું ફરકાવ્યા વિના સાંભળી શકે છે. સરહદ પર દેશની રક્ષા કરતાં શહીદ થયેલા જવાનોના સમાચાર હવે તેને મન સમાચાર નથી.
આવા સત્તાવાર મરણ ન પામ્યો, ન થયો હોવા છતાં સળગી ચૂકેલા માણસોના સમૂહથી આ જગત અત્યારે ખદબદી રહ્યું છે. અહીં બોલબાલા છે પૈસાની અને રૂપની, પદની અને પ્રતિષ્ઠાની સફળતાની, ચાલાકીની અને ચાલબાજીની. મશીન બની ગયેલાઓનું પ્રતિનિધિત્વ ધરાવતા સમૂહ વચ્ચે રહેવાનું દુર્ભાગ્ય લમણે ઝીંકાયું હોવા છતાં તમે જો સાચા અર્થમાં ધર્મી, સજ્જન બની રહેવા માગતા હો તો એક કામ કરો.
અન્યના દુખે કમસે કમ દુઃખનો અનુભવ કરો. અન્યની તકલીફનાં દર્શને હૃદયને સંવેદનશીલ બનાવો, અન્યની પીડાને શક્તિ અનુસાર દૂર કરવા પ્રયત્નશીલ બનો, તમારી આંખ સામે થતી કોઈકની વિદાય પાછળ થોડીક વેદના તો અનુભવીને રહો.