કરણ કુન્દ્રાએ ટ્વીટ કર્યું હતું
કરણ કુન્દ્રા
કરણ કુન્દ્રાનું કહેવું છે કે આપણો દેશ કંઈ અફઘાનિસ્તાન નથી કે કોઈ પણ વ્યક્તિ બંદૂક લઈને ગમે ત્યાં ફરી શકે. રવિવારે પંજાબના માનસામાં સિંગર અને પૉલિટિશ્યન સિધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઑટોપ્સી રિપોર્ટમાં આવ્યું હતું કે સિધુની બૉડી પર લગભગ ૨૪ ગોળીઓના ઘા હતા. આ વિશે વાત કરતાં કરણ કુન્દ્રાએ કહ્યું હતું કે ‘એક ટ્વીટમાં દુઃખ વ્યક્ત કરીને શું મળવાનું છે? અમે લોકો ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરીશું, પરંતુ એક મમ્મીએ તેનો દીકરો ખોયો છે. આ ખૂબ જ દુખદ ઘટના છે. મેં કેટલાક વિડિયો અને વિઝ્યુઅલ જોયાં છે જે ખૂબ જ દર્દનાક છે. તે ૨૭-૨૮ વર્ષનો હશે અને આ ઉંમરમાં તેણે ખૂબ જ સિદ્ધિઓ મેળવી છે. દિવસના સમય દરમ્યાન પંજાબમાં ખુલ્લેઆમ ગોળી મારવામાં આવે છે. મને આ સમજમાં નથી આવતું.’
પંજાબ પોલીસે તેની સિક્યૉરિટી હટાવી અને બીજા જ દિવસે તેનું મર્ડર કરવામાં આવ્યું છે. આ વિશે પૂછતાં કરણે કહ્યું કે ‘હું એ વિશે કમેન્ટ નહીં કરી શકું, કારણ કે એ પૉલિટિકલ છે. આ લોકો કોણ છે અને આવી ઘટના કેવી રીતે બની શકે? ઇન્ડિયામાં આ રીતે બંદૂકો રાખવી શક્ય નથી. માફ કરજો, પરંતુ આ કંઈ અફઘાનિસ્તાન નથી કે લોકોને ઇચ્છા થાય એ રીતે બંદૂક લઈને ફરે. હું જે પંજાબને જાણું છું એ આ નથી.’