અભિનેતા હિતુ કનોડિયા અભિનેતા તો છે, સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના ઈડરના ધારાસભ્ય છે. નેતા અને અભિનેતા તરીકે હિતુ કનોડિયાને વધારે નેતા તરીકે સેવા કરવી વધારે ગમે છે.
INTERVIEW
હિતુ કનોડિયા(તસવીર ડિઝાઈન: સોહમ દવે)
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની વાત થાય એટલે 80ના દાયકાના સુપરસ્ટાર નરેશ કનોડિયા અચુક યાદ આવે જ. પણ આ સાથે સાથે તેમના ઘરમાં રહેતા વધુ બે કલાકારો પણ યાદ આવે, તેમના પુત્ર હિતુ કનોડિયા અને વહુ મોની થીબા.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે નેતા તરીકે પ્રજા માટે સેવા કરી સામાન્ય પ્રજાના હીરો બનેલા અને અભિનેતા તરીકે દર્શકો માટે હીરો બની મનોરંજન પુરૂ પાડનારા હિતુ કનોડિયાની. હિતુ કનોડિયા નરેશ કનોડિયાના પુત્ર છે એ બાબતથી કોઈ અજાણ નથી, પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હોય કે અભિનેતા તરીકે સફળતાના શિખરો પાર કરી નેતા બનવા સુધીની તેમની સફર કેવી છે? તો ચાલો આપણે જાણીએ અભિનેતાની રસપ્રદ સફર વિશે.
ADVERTISEMENT
`દીકરી તો પારકી થાપણ કહેવાય` ના અભિનેતા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ બાળપણથી જ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનય ક્ષેત્રમાં 2017માં તેમને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
પિતાના સ્વર્ગવાસ બાદ બદલાઈ સ્થિતિ
જ્યારે તમે નેતા અને અભિનેતા તરીકે કામ કરો છે અને તેવામાં ઘરના મોભીનો સ્વર્ગવાસ આવે એટલે સ્વાભાવિક છે જવાબદારીઓ વધી જાય અને જીવનશૈલીમાં બદલાવ પણ આવે. નરેશ કનોડિયાના નિધન બાદ તેમના જીવનમાં આવેલા બદલાવ વિશે પૂછતાં હિતુ કનોડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કહ્યું કે,` પપ્પાએ કહ્યું હતું કે સમય આવશે પરંતુ હિંમત રાખવાની છે. તેમના સ્વર્ગવાસથી અમે બધા કઠિન પરિસ્થિતિમાં હતાં. પણ તેમના કહેલા શબ્દો ક્યાંકને ક્યાંક તાકાત પુરી પાડી રહ્યાં હતાં. પપ્પાના જવાથી સામાજીક, કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓ પણ વધી છે, જેને હું નિભાવવા માટેના તમામ અથાગ પ્રયાસો કરતો રહું છું.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ પર વાત કરતાં તેમણે કહ્યું કે, આજે ઢોલીવુડમાં તમામ પ્રયાસો થઈ રહ્યાં છે, તેનો હું ભાગીદાર પણ છું અને સાક્ષી પણ છું. વિવિધ વિષયો પર ફિલ્મ બની રહી છે. લોકો સાહસ ખેડી રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે વિકાસની દિશા તરફ જઈ રહી છે. બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઈન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ ઉભું ન થાય, જો આ નહીં થાય તો બધા લોકોને કામ મળતુ રહેશે અને આમ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ વેગ મળશે.`
નેતા અને અભિનેતા તરીકે હિતુ કનોડિયા
હિતુ કનોડિયા અભિનેતાની સાથે સાથે એક નેતા પણ છે. હાલમાં તે ઈડર ક્ષેત્રના ધારાસભ્ય છે. નેતા અને અભિનેતા તરીકે જીવનમાં સંતુલન કેવી રીતે જાળવે છે તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ` કલાકાર તરીકે તે મારો વ્યવસાય છે, જ્યારે નેતા તરીકે કામ કરવું એ સેવા છે. અમારો પરિવાર પહેલાથી જ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, પછી તે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય કે ન હોય. અભિનેતા તરીકે જ્યારે પ્રશંસા થાય દર્શકો અમારી સાથે રડે અને હસે તે બાબત ગમે તે સ્વાભાવિક છે. પરંતુ નેતા તરીકે મજાની વાત એ છે કે જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદના તારણહાર બનો, કઠિન સમયમાં લોકોને મદદ કરો પછી તે કોઈ પણ સ્વરૂપમાં હોય અને ત્યારબાદ તેમના ચહેર પર જે હળવાશનો હાશકારો અનુભવાય તથા તેમના ચહેરા પર ચિંતા ઓછી થઈ હોવાની જે ખુશી છલકાઈ તેની અનુભૂતી કરવાનો આનંદ અલગ જ હોય છે. તેથી મને અભિનેતા કરતાં નેતા તરીકે કામ કરવું વધારે પસંદ છે.`
આગામી સમયમાં આઠ ફિલ્મો થશે રિલીઝ
હાલમાં હિતુ કનોડિયાની વેબ સિરીઝ સહિત આઠ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં, `રાડો`, `ભારત મારો દેશ`, `માધવ`, `દાદાગીરી` અને `દર્દ` જેવી ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત પત્ની મોના થીબા સાથે પણ તે એક વેબ સીરિઝમાં જોવા મળશે.
હિતુ કનોડિયા અને મોના થીબાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે અને મનોરંજન જગતમાં સફળતા હાંસિલ કરી છે. આ બંને કલાકારોએ ઓગસ્ટ 2014માં ખુબ જ સરળ રીતે અમદાવાદની મેટ્રો કોર્ટમાં લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા સાત વર્ષથી બંને સાથે હતા અને એકબીજાને સપોર્ટ કરતા હતાં. પત્ની મોના થીબા સાથેના પ્રેમભર્યા સંબંધ વિશે રસપ્રદ વાત શેર કરતાં તેમણે કહ્યું કે,` અમે એકબીજાને નામથી નથી બોલાવતાં પણ `બી` કહીને બોલાવીએ છીએ. મારા માટે બી એટલે બીવી અને તેના માટે બી એટલે બેબી.`
અંતમાં નવા ઉભરતાં કલાકારો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, ભરોસો અને આશા હંમેશા જીવંત રાખવી, આ બંને વસ્તુ જીવનમાં ક્યારે ગુમાવવી નહીં. ભરોસો અને આશા સફળતાનો પાયો છે. પોતાના પર ભરોસો અને આશા હશે તો દરેક સપનાંઓ પૂર્ણ કરી શકાશે અને જીવનમાં સફળતાના તમામ શિખરો પાર કરી શકાશે.