Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > મોદી સરકારનાં આઠ વર્ષ : ક્યાંક હીરો, ક્યાંક ઝીરો

મોદી સરકારનાં આઠ વર્ષ : ક્યાંક હીરો, ક્યાંક ઝીરો

Published : 05 June, 2022 02:55 PM | IST | Mumbai
Raj Goswami

એ સાચું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ સૌથી વધુ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે, પરંતુ એ પણ સત્ય છે કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાતથી નવ ટકાની આસપાસ રહેલો બેરોજગારીનો દર ૨૦૨૦માં પચીસ ટકા થઈ ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


એ સાચું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ સૌથી વધુ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે, પરંતુ એ પણ સત્ય છે કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાતથી નવ ટકાની આસપાસ રહેલો બેરોજગારીનો દર ૨૦૨૦માં પચીસ ટકા થઈ ગયો છે. કેન્દ્ર સરકારની લગભગ ૧૦ લાખ જગ્યાઓ ખાલી પડી છે અને ૩૦ લાખ રાજ્યોમાં ખાલી છે. નોકરીઓ ઊભી કરવામાં સરકાર ખાસી નિષ્ફળ રહી છે.


વિશ્વ બૅન્કના વૈશ્વિક ગવર્નન્સ ઇન્ડિકેટર્સમાં ભારતનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ભારતમાં ગરીબ અને અમીર વચ્ચે ખાઈ વધી છે. એક તરફ ફુગાવાએ સાધારણ માણસની કમર તોડી નાખી છે ત્યારે બીજી તરફ મહામારીના સંકટ અને ડિમાન્ડમાં ઘટાડા છતાં કૉર્પોરેટ પ્રૉફિટમાં વધારો થયો છે.



‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ની થીમ જોતાં પાર્ટી પોતાને લોકોના ઉત્થાન માટે કામ કરતા સંગઠન તરીકે પેશ કરવા માગે છે. એ માટે એ સરકારની આઠ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે : પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, વીમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના.


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ૨૭ મેએ પાટીદારોના પ્રભુત્વવાળા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણીપ્રચારનો શુભારંભ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘પાછલાં આઠ વર્ષમાં ભૂલથી પણ એવું કશું થવા દીધું નથી જેના કારણે તમારે કે દેશના કોઈ નાગરિકે શરમથી માથું ઝુકાવવું પડે.’ રાજકોટમાં ૪૦ કરોડના ખર્ચે બનેલી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે જનસભાને સંબોધતાં મોદીએ એક રીતે તેમની સરકારનાં આઠ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીનો પણ પ્રારંભ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ ૩૦ મેથી મોદી સરકારના આઠ વર્ષના શાસનને ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના નામે ઊજવવાનું શરૂ કર્યું છે. એ પ્રસંગે કેન્દ્ર સરકારના તમામ પ્રધાનોને ૧૪૦થી વધુ સંસદીય મતવિસ્તારોની મુલાકાત લઈને વિભિન્ન કલ્યાણકારી યોજનાઓની વાતો કરવાનું કહેવામાં આવ્યું છે. ૩૦ મેથી ૧૫ જૂન સુધીના આ સેલિબ્રેશનની પાછળ આગામી એક વર્ષમાં આવનારી રાજ્યોની ચૂંટણીઓ ઉપરાંત એક નજર ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પર પણ છે. પ્રધાનોને જે-તે મતવિસ્તારોમાંથી ફીડબૅક લાવવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડે તો સમયસર યોજનાઓ કે નીતિઓમાં ‘કરેક્શન’ કરી શકાય.


‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ની થીમ જોતાં પાર્ટી પોતાને લોકોના ઉત્થાન માટે કામ કરતા સંગઠન તરીકે પેશ કરવા માગે છે. એ માટે એ સરકારની આઠ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે : પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, વીમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના.

એ વાત સાચી છે કે આમાંની ઘણી યોજનાઓ લોકો માટે લાભદાયી રહી છે. એવું મનાય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની મહામારીમાં સરકારની જબ્બર નિષ્ફળતા છતાં લોકોએ કલ્યાણકારી યોજનાઓને કારણે જ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની સરકારને પુન: સત્તામાં બેસાડી હતી. સરકારે એમાંથી સંકેત પકડીને ગરીબોના કલ્યાણની વાતો કરવાનું નક્કી કર્યું છે એની પાછળની એક વ્યૂહરચના એવી પણ હોઈ શકે કે સરકાર પાસે આર્થિક મોરચે છાતી કાઢીને બોલવા જેવું કશું નથી. બે વર્ષની મહામારીમાં આર્થિક નુકસાન ઘણું થયું છે એટલે એને બૅલૅન્સ કરવા માટે સરકાર ગરીબ કલ્યાણની યોજનાનાં ગુણગાન ગાવાનું પસંદ કરે એ સમજી શકાય એવું છે.

ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા જમણેરી માસિક ‘સ્વરાજ્ય’માં પ્રકાશિત એક વિગતવાર લેખ પણ મોદી સરકારે ગ્રામીણ પ્રજાને સક્ષમ બનાવી હોવાનો દાવો કરે છે. લેખ કહે છે કે અગાઉની (કૉન્ગ્રેસની) સરકાર માઈ-બાપ સરકાર હતી અને જ્યારે પણ મંદી આવતી હતી ત્યારે ‘હેલિકૉપ્ટર-ધન’ સિસ્ટમમાં નાખતી હતી. એ સરકારની સિસ્ટમ ટેલિફોનની લાઇનો નાખે, ઍરપોર્ટ, બૅન્કો, ઍરલાઇન્સ અને ટેલિકૉમ કંપનીઓ ચલાવે એવી સહજ અપેક્ષા હતી. મોદી સરકારે આ સ્થિતિ બદલી છે. એણે ગ્રામીણ ભારતને દર પાંચ વર્ષે સરકાર સામે લાઇનમાં ઊભા રહેવાને બદલે પોતાના પગ પર ઊભા રહેતાં કર્યું છે.

૮ સાલ, ૮ છલ

બીજેપીના મુખ્ય વિરોધી પક્ષે મોદી સરકારના આઠ વર્ષના શાસનને નિષ્ફળતાના નમૂના તરીકે ગણાવ્યું છે. પાર્ટીએ ‘૮ સાલ, ૮ છલ, સરકાર વિફલ’ નામની ૨૦ પાનાંની એક પુસ્તિકા પ્રગટ કરી છે. એમાં એણે કહ્યું છે કે ઊંચો ફુગાવો, બેરોજગારી, ગેરવહીવટ અને કોમવાદી ધ્રુવીકરણ આ સરકારની ‘ઉપલબ્ધિ’ છે. કૉન્ગ્રેસે કહ્યું છે કે આર્થિક મોરચે, ખેડૂતોની આવક ડબલ કરવાના વચનમાં, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે, અનુસૂચિત જાતિ-જનજાતિ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણની બાબતે સરકાર નિષ્ફળ નીવડી છે.

પશ્ચિમ બંગાળમાં બીજેપીને ધોબીપછાડ પરાજય આપીને પુન: સત્તામાં આવનાર મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસે મોદી સરકારના આઠ વર્ષના શાસનને ‘ઑલરાઉન્ડ નિષ્ફળતા’ ગણાવ્યું છે. પાર્ટીએ જારી કરેલા એક વિડિયોમાં કહેવામાં આવ્યું હતું કે ‘બીજેપીનાં આઠ વર્ષ કેવાં હતાં એની સાબિતી મોંઘવારી, બેરોજગારી, રૂપિયાની કમજોરી, આર્થિક મંદી, અસહિષ્ણુતા અને અન્યાય છે.’ વિડિયો જારી કરનાર પાર્ટી-પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘બીજેપી શાસનનાં આઠ વર્ષ વાસ્તવમાં આઠ વર્ષનું ડિંગ છે, આઠ વર્ષનો જુમલો છે.’

મહાવિકાસ આઘાડીના એક સાથી નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટીએ પણ મોદી સરકારનાં આઠ વર્ષને નિષ્ફળતાનો સિલસિલો ગણાવ્યો હતો. પાર્ટીના પ્રવક્તા મહેશ તાપસે કહ્યું હતું કે આ આઠ વર્ષમાં દેશે મેળવવાને બદલે ‘ઘણું ગુમાવ્યું છે.’

ખેર, એમાં કોઈ શક નથી કે આ આઠ વર્ષમાં વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં નિરંતર વધારો થતો રહ્યો છે. મોદી ઇન્દિરા ગાંધી પછીના સૌથી તાકાતવર વડા પ્રધાન છે એટલું જ નહીં, તેમના ચાહકો અને સમર્થકોની સંખ્યા પણ શુમાર છે. મોદીએ આ આઠ વર્ષમાં સફળતાપૂર્વક તેમની સ્વચ્છ છબિ બનાવી રાખી છે. તેમના નેતૃત્વમાં બીજેપીએ ૨૦૧૪માં ૬ રાજ્યોથી શરૂ કરીને ૨૦૨૨માં ૧૭ રાજ્યોમાં પોતાની સત્તા બનાવી છે.

સરકારતરફી ઝુકાવ ધરાવતી રાષ્ટ્રીય સમાચાર સંસ્થા એએનઆઇ આ આઠ બાબતોને મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવે છે :

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમની નાબૂદી, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો શુભારંભ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, રસીકરણ 
અને આયુષ્યમાન યોજના, અફઘાનિસ્તાન અને યુક્રેનમાંથી ભારતીયોની બચાવકામગીરી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પ્રધાનમંત્રી આવાસ યોજના.

આર્થિક મોરચે મિશ્ર પરિણામ

જોકે પાછલાં આઠ વર્ષમાં દેશના આર્થિક મોરચે પરિસ્થિતિ મિશ્ર રહી છે. પહેલાં કોરોના મહામારી અને પછી રશિયા-યુક્રેનના યુદ્ધથી ભારતની અર્થવ્યવસ્થા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. એ પહેલાં નોટબંધી અને જીએસટીએ પણ બિઝનેસની કમર પર ફટકો માર્યો હતો. કૉન્ગ્રેસ તરફ ઝુકાવ ધરાવતું નૅશનલ હેરાલ્ડ સમાચારપત્ર લખે છે કે સરકારનો સત્તાવાર દાવો તો એવો છે કે ભારતે પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા તરફ હરણફાળ ભરી છે, પરંતુ ઉપલબ્ધ અનેક તથ્યો સારું ચિત્ર પેશ નથી કરતાં.

વિશ્વ બૅન્કના વૈશ્વિક ગવર્નન્સ ઇન્ડિકેટર્સમાં ભારતનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ભારતમાં ગરીબ અને અમીર વચ્ચે ખાઈ વધી છે. એક તરફ ફુગાવાએ સાધારણ માણસની કમર તોડી નાખી છે ત્યારે બીજી તરફ મહામારીના સંકટ અને ડિમાન્ડમાં ઘટાડા છતાં કૉર્પોરેટ પ્રૉફિટમાં વધારો થયો છે. ‘નૅશનલ હેરાલ્ડ’ લખે છે કે ૨૦૨૧-૨૨માં ઈંધણ કંપનીઓનો પ્રૉફિટ ૪૩ ટકા વધ્યો છે, જ્યારે એફએમસીજી કંપનીઓનો પ્રૉફિટ ૬૮ ટકા વધ્યો છે. ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી કંપનીઓનો પ્રૉફિટ ૯૦ ટકા, જ્યારે દૂધ સહકારી કંપનીઓનો ૧૧૮ ટકા વધ્યો છે.

‘ન્યુઝક્લિક’ પોર્ટલમાં  સુબોધ વર્મા લખે છે કે ‘એ સાચું કે વડા પ્રધાનના નેતૃત્વમાં બીજેપીએ સૌથી વધુ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે, પરંતુ એ પણ સત્ય છે કે તમામ રાજ્યોમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાતથી નવ ટકાની આસપાસ રહેલો બેરોજગારીનો દર ૨૦૨૦માં ૨૫ ટકા થઈ ગયો છે. કેન્દ્ર સરકારની લગભગ ૧૦ લાખ જગ્યાઓ ખાલી પડી છે અને ૩૦ લાખ રાજ્યોમાં ખાલી છે. નોકરીઓ ઊભી કરવામાં સરકાર ખાસી નિષ્ફળ રહી છે.’

સુબોધ વર્મા કહે છે, ‘બીજેપી માટે હંમેશાં એવું કહેવાય છે કે એ રાજકીય હિતો સાધવા માટે ધર્મનો ઉપયોગ કરે છે. અનેક પ્રકારના ધાર્મિક મુદ્દાઓ પર એ સફળ રીતે ધ્રુવીકરણ કરી શકે છે અને એનો બહુમતી હિન્દુઓમાં આધાર મજબૂત કરે છે, પરંતુ એ બેધારી તલવાર છે. દેશના બહુ મોટા વર્ગમાં નિયમિતપણે કોમી સંઘર્ષના વાતાવરણને લઈને ચિંતા પણ છે. વારાણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ, મથુરામાં કૃષ્ણજન્મ-શાહી ઈદગાહ, તાજમહલ અને કુતુબમિનાર જેવી ઐતિહાસિક જગ્યાઓ માટે વિવાદ શરૂ થયો છે એનાથી લોકો, ખાસ કરીને યુવાનો, આ ઝેરી રાજનીતિથી નારાજ થઈ રહ્યા છે. કદાચ એટલા માટે જ બીજેપી એનાં આઠ વર્ષની સીમાચિહનરૂપ સિદ્ધિ પર કલ્યાણકારી યોજનાઓનાં ઢોલનગારાં વગાડી રહી છે. 

‘નૅશનલ હેરાલ્ડ’એ અન્ય આઠ મોરચા પર મોદી સરકારની નિષ્ફળતા ગણાવી છે :

  • જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવાના સાહસિક નિર્ણય પછી પણ ત્યાં સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિમાં ખાસ સુધાર થયો નથી. ૨૦૧૦ અને ૨૦૧૯ની વચ્ચે જેટલા પંડિતોને નિશાન બનાવીને હત્યા નથી થઈ એટલી ૨૦૧૯ પછી થઈ છે. ત્યાં ચૂંટણીઓ યોજી શકાઈ નથી. રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી નાખ્યા પછી પણ લોકોની અંદરથી અલગાવ અને વિરોધની ભાવના ઓછી થઈ નથી.
  • જેનું સૌથી મોટી કૅશલેસ યોજના તરીકે મહિમામંડન થયું હતું એ આયુષ્યમાન ભારત યોજનાને કોઈ ગંભીરતાથી લેતું નથી એવું ખુદ સરકાર માને છે. આ વર્ષે માર્ચ મહિનામાં સરકારે સંસદમાં કહ્યું હતું કે ફન્ડના અભાવે કોઈ લાભાર્થીને સારવારનો ઇનકાર થયો નથી, પરંતુ રાજ્યો તરફથી માગણીના અભાવમાં એનું ફન્ડ ઘટાડવામાં આવ્યું હતું. ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે એનું ફન્ડ ૬,૪૦૦ કરોડ રૂપિયા હતું, જે સુધારીને અનુક્રમે ૩,૨૦૦ કરોડ રૂપિયા, ૩,૧૦૦ કરોડ રૂપિયા અને ૩,૧૯૯ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
  • વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે ટ્રિપલ તલાકના અન્યાયમાંથી મુસ્લિમ મહિલાઓને આઝાદ કરી છે, પણ અન્ય ધર્મોના પુરુષોનો પત્નીઓ પર અત્યાચાર યથાવત્ છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેનો ડેટા કહે છે કે ૧૦૦૦માંથી ૧૭ હિન્દુ સ્ત્રીઓની ફરિયાદ છે કે તેમના પતિ એકથી વધુ સ્ત્રીઓને પરણ્યા છે, જ્યારે ૧૦૦૦ મુસ્લિમ સ્ત્રીઓમાંથી આવી ફરિયાદ ૨૫ સ્ત્રીઓએ કરી હતી.
  • વડા પ્રધાને ૨૦૧૪માં જે સંસદનાં પગથિયાં પર માથું ટેકવ્યું હતું એ જ સંસદની પરંપરાઓની તેમની સરકારે ઉપેક્ષા કરી છે. લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ પર કોઈની વરણી કરવામાં આવી નથી (સામાન્ય રીતે આ હોદ્દો વિપક્ષને આપવાનો રિવાજ છે). બજેટ પર ચર્ચા વગર એને પસાર કરવામાં આવ્યાં છે. પહેલાં કરતાં વધુ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે અને સંસદની સમીક્ષા સમિતિમાં બિલોને મોકલવાની સંખ્યા ઘટી ગઈ છે. જનહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચાની વિપક્ષોની માગણીઓનો અસ્વીકાર 
    થાય છે.
  • સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણો છતાં કેન્દ્ર સરકાર મનફાવે એ રીતે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજનાં નામો પસંદ કરે છે. પરિણામે સેંકડો જગ્યાઓ ખાલી પડી છે.
  • કોઈ જાતના વિચાર-વિમર્શ વગર પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિકાનૂનનો ફિયાસ્કો થયો છે. ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ, કાનૂની અધિકાર અને બેવડી આવક આપવાની ખાતરી હજી પણ અધ્ધર લટકે છે.
  • ભારતની જમીનમાં કોઈ આવ્યું નથી એવા વડા પ્રધાનના ઑન-કૅમેરા દાવાથી ચીનનો એ દાવો ઔર મજૂબત થયો છે કે લદ્દાખમાં ભારતે ચીનની ભૂમિમાં ઘૂસણખોરી કરી છે. હવે તો વિદેશ મંત્રાલય પણ સ્વીકારે છે કે લદ્દાખમાં ચીન બીજો બ્રિજ બનાવી રહ્યું છે. ગલવાનમાં જે થયું એમાં ભારતને નાછૂટકે અમેરિકાના નેતૃત્વ હેઠળની ચીનવિરોધી ધરીમાં જવું પડ્યું છે અને ચીન સામે હવે કાયમી મોરચો ઊભો થયો છે.
  • ૨૦૧૯માં સરકારે ગાઈવગાડીને ઊભી કરેલી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ જનરલ રાવતના કસમયના મૃત્યુ પછી છ મહિનાથી ખાલી પડી છે. એવું લાગે છે કે સરકાર આ પોસ્ટ જ નાબૂદ કરી નાખવાનું વિચારી રહી છે.
Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 02:55 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK