Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > યે વો બંધન હૈ જો કભી ટૂટ નહીં સકતા : ભારત જેવું સુખ બીજે ક્યાંય નથી

યે વો બંધન હૈ જો કભી ટૂટ નહીં સકતા : ભારત જેવું સુખ બીજે ક્યાંય નથી

Published : 15 August, 2021 12:35 PM | Modified : 07 August, 2023 02:08 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશી રહેલા આપણા દેશની ખાસિયતો જાણીએ એવા ગુજરાતીઓ પાસેથી જેમણે પોતાના દેશનો પોકાર સાંભળીને ભારતમાં પુનરાગમન કર્યું. થોડાંક વર્ષ વિદેશમાં રહ્યા પછી દેશનું એવું કયું આકર્ષણ હતું જે તેમને અહીં કમબૅક કરવા પર મજબૂર કરી ગયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં ગંદકી છે, પ્રદૂષણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે, પાર વગરનો ભ્રષ્ટાચાર છે, સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગનાં કોઈ ઠેકાણાં નથી, લોકોમાં બેઝિક સિવિક-સેન્સ નથી, વ્યવસ્થાના નામે મીંડું છે અને એવું તો ઘણુંબધું. આપણા દેશની આવી અઢળક મર્યાદાઓ હોવા છતાં ભારતથી દૂર રહેતા ભારતીયોને આપણા દેશ વિશે પૂછશો તો તમને તેમની આંખોમાં દેશપ્રેમ, દેશ માટે આદર અને દેશ પ્રત્યે જોરદાર આકર્ષણ મળશે. આજે ૭૪મો સ્વતંત્રતા દિવસ છે ત્યારે દેશથી દૂર રહ્યા પછી દેશના ખરા મૂલ્યને સમજનારા અને એ સમજીને પરદેશને અલવિદા કહી ફરી એક વાર પોતાના જ રાષ્ટ્રની છત્રછાયામાં સ્થાયી થવાનો નિર્ણય લેનારા કેટલાક ભારતીયો સાથે વાત કરીએ અને જાણીએ કે એવું શું હતું જે તેમને વિશ્વના વિકસિત દેશોની સુખસાહ્યબી પણ ન આપી શકી? એવી કઈ બાબતો હતી આપણા દેશની જેનાથી ખેંચાઈને તેમણે પોતાની તમામ ઍડ્વાન્સ્ડ લાઇફસ્ટાઇલને પડતી મૂકીને ફરીથી અહીં જ આવીને વસવાનો નિર્ણય લીધો. આ વખતે થોડાક જુદા અંદાજમાં સેલિબ્રેટ કરીએ સ્વતંત્રતા દિવસને. દેશના ગૌરવ વિશે જાણીએ એ લોકો પાસેથી જેમણે પરદેશમાં રહીને આપણા દેશની શાખને, દેશની મહાનતાને વ્યક્તિગત રીતે અનુભવી છે.


ઓગણીસ વર્ષ પછી બૅક ટુ ઇન્ડિયાનો નિર્ણય કેમ લીધો?




જે દિવસે અમેરિકામાં પગ મૂક્યો એ દિવસે આવનારાં વર્ષોનો કોઈ વિચાર નહોતો કર્યો. માસ્ટર્સ કરીને અહીં જૉબ કરીશ અને પછીનું પછી જોવાશે. છેલ્લાં દસ વર્ષથી પુણેમાં રહેતા અને એ પહેલાં ઓગણીસ વર્ષ અમેરિકાના બૉસ્ટનમાં રહેલા પરેશ પુનાતર આ રીતે વાતની શરૂઆત કરતાં આગળ કહે છે, ‘ઓગણીસ વર્ષમાંથી લગભગ પંદરથી સોળ વર્ષ બૉસ્ટનમાં જ રહ્યો છું. લગ્ન પછી વાઇફ પણ અહીં આવી ગઈ.

બન્ને બાળકો પણ અહીં જ મોટાં થયાં. જોકે ઓગણીસ વર્ષમાં ભારત સાથેનો નાતો ક્યારેય તૂટ્યો નહીં, પરંતુ વધુ ને વધુ ઘનિષ્ઠ થયો છે. પરિવારની ભરપૂર ખોટ મને ત્યાં લાગતી. ઘણી વખત મનમાં એવો વિચાર કર્યો છે કે પાછા ભારત આવવું છે, પણ કોઈ મેળ નહોતો પડતો. જોકે પરિવારના કેટલાક સ્વજનોને ભારતમાં ગુમાવ્યા પછી નક્કી કર્યું કે હવે નથી જ રહેવું ત્યાં. વન ફાઇન ડે અમેરિકાને અલવિદા કહીને અહીં પાછા સેટલ થઈ ગયા અને એ પછી ફરી પાછું ક્યારેય એ બાજુ વળીને જોયું નથી. એક વાત કહીશ કે ત્યાં ગમે એટલી જાહોજલાલી હોય તો પણ તમને કોઈક ખૂણે પારકા જેવી, ફૉરેનર તરીકેની ફીલિંગ આવે. જે બિલોન્ગિંગનેસનો અનુભવ અહીં ભારતમાં થાય છે એ તમને ત્યાં નહીં જ થાય. પારકાપણું લાગશે. કદાચ પોતાનો દેશ જે મારાપણું આપે છે એવો ભાવ અન્ય કોઈ જગ્યાએ સુખસગવડો ભરપૂર મળતી હોવા છતાં નથી જ આવતો. બહુ જ સમજીને આ નિર્ણય અમે લીધો છે. ભારત અને અમેરિકાની કરન્સીમાં ફરક છે. ત્યાં જે ભંડોળ ભેગું થયું એ ભંડોળના આધારે અહીં મારું આખું રિટાયરમેન્ટ પ્લાનિંગ થઈ ગયું. ત્યાં રહેતો હોત તો ૬૫ વર્ષે નિવૃત્ત થઈ શક્યો હોત, અહીં ૪૫ વર્ષે જ રિટાયર થઈ શકીશ. બીજું, અહીંનું અધ્યાત્મ તમને એની તરફ ખેંચે એવું છે જે તમને ત્યાં મળવું અઘરું છે. બેશક, હવે ભારતમાં પણ ઘણાં ડેવલપમેન્ટ થઈ ગયાં છે અને લોકો મટીરિયલિસ્ટિક જીવન જીવવા માંડ્યા છે. એ પછી પણ કહીશ કે અહીં જે પ્રમાણમાં અધ્યાત્મના રંગ આજે પણ ગાઢ છે એનો તમને બીજે ક્યાંય અનુભવ નહીં થાય.’


પરેશભાઈની વાઇફ અને તેમનાં બન્ને બાળકો પણ ભારતમાં ફરી રીસેટલ થવાની બાબતથી ખૂબ ખુશ છે. તેમનાં વાઇફ કુંતલ કહે છે, ‘અહીંનું ક્રાઉડ, કલ્ચર, સોશ્યલ લાઇફ, અહીં મળતી હૂંફ, આસપાસના લોકોનો મળતાવડો સ્વભાવ ક્યાંય નથી આખા વર્લ્ડમાં. મારા પિયર પક્ષનો પરિવાર મુંબઈમાં રહે છે અને સાસરિયા પક્ષ કોલ્હાપુરમાં. આ બન્ને સ્થળની વચ્ચે પુણે હોવાથી અમે અહીં જ રીએસ્ટૅબ્લિશ થવાનું નક્કી કર્યું. ત્યાં તમે મોટા ભાગે બિઝી રહેતા હો અને તમારી આસપાસ કોણ રહે છે, શું કરે છે એની પણ તમને ખબર ન હોય. હૂંફ અને પ્રેમભરી જિંદગી જોઈતી હોય તો મને નથી લાગતું કે ભારતનો કોઈ પર્યાય છે.’

સાડાત્રણ વર્ષના વિદેશવાસમાં બાર વખત ભારત આવ્યો હતો હું

એક સમયે જે કંપનીમાં બોરીવલીમાં રહેતા ગૌતમ કોઠારી કામ કરતા હતા એના ઑફિસ કલીગ મજાકમાં કહેતા કે તારે ભારત-અમેરિકા વચ્ચે મન્થ્લી પાસ કઢાવી લેવો જોઈએ, કારણ કે અમેરિકા ગયા પછી સાડાત્રણ વર્ષમાં લગભગ બારેક વાર તેણે ભારતની મુલાકાત લીધી હતી. ૨૦૧૩માં પહેલી વાર ઑફિસમાંથી અમેરિકા જવાનો ચાન્સ મળેલો. એ વિશે ગૌતમભાઈ કહે છે, ‘એ સમયે બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જઈ રહ્યું હતું તો મને થયું કે લાવ, અમેરિકા જઈને થોડીક વધુ આવક થાય તો ઘર સરસ બની જાય. જોકે એ પહેલાં હું ક્યારેય મમ્મી-પપ્પાથી અલગ રહ્યો નહોતો. મારા માટે તો એ વનવાસ જેવો સમય હતો. છ મહિના ત્યાં રહ્યો અને પાછો ઇન્ડિયા આવ્યો. ડિસેમ્બરમાં ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે નવેમ્બરમાં પપ્પાની તબિયત બગડેલી. એ પછી તેમનું ધ્યાન રાખી શકાય એ માટે લગભગ બે મહિના અહીં જ રહ્યો. અહીંથી કામ કર્યું. જોકે ફરી ત્યાં આવવા માટેનો કૉલ તો આવી જ ગયો હતો. ફેબ્રુઆરીમાં પાછો અમેરિકા ગયો અને કામે લાગ્યો, પણ અહીં પાછી પપ્પાની તબિયત બરાબર નહોતી એટલે પરિવારની જવાબદારીને કારણે પાછો ઇન્ડિયા આવ્યો. આવું બધું લગભગ ૨૦૧૭ સુધી ચાલ્યું. એમાં સાડાત્રણ વર્ષ હું યુએસમાં રહ્યો હતો. મારા મૅનેજર સારા હતા કે તેમણે મને ક્યારેય પરિવારની જરૂરિયાત સમયે રોકવાનો પ્રયાસ નથી કર્યો. તમે માનશો નહીં પણ અમેરિકામાં બહુ જ લક્ઝરીવાળું જીવન હતું. કંપની તરફથી ગાડી, ખાવાનું પણ સ્પૉન્સર્ડ અને ફાઇવસ્ટાર હોટેલમાં રહેવાનું. અમેરિકામાં રહેવા માટે લોકો જે પ્રકારનાં સપનાંઓ જુએ એવું જ જીવન. એ પછી પણ કહીશ કે મને ત્યાં ભારતની, મારા પરિવારની, મિત્રોની ભરપૂર યાદ આવતી. તમને સતત એકલા પડી ગયાની ફીલ આવે જે ન ગમનારી હોય. બધી જ સુખસાહ્યબી પરિવાર સામે ફિક્કી લાગવા માંડે. છેલ્લે ૨૦૧૭માં અમેરિકા સતત એક વર્ષ રહ્યા પછી કાયમ માટે ભારત આવી ગયો. ત્યાં રહી શકાય એવી પૂરી શક્યતાઓને પડતી મૂકીને. મને મારો દેશ, મારા લોકો અને મારાપણાનો ભાવ સૌથી વધુ વહાલો હતો. જેટલા રૂપિયા કમાવાના ટાર્ગેટ સાથે ગયો હતો એના કરતાં વધુ આવક સાથે પાછો ફર્યો હતો. ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી ઘણી સારી આવી ગઈ હતી. એક વાત કહીશ કે પૈસા કમાયા પછી એને ખર્ચ કરવા માટે પણ તમને તમારા લોકો જોઈએ. અમેરિકામાં તમને મિત્રતા, હૂંફ એ બધું ખૂટતું લાગશે. અઠવાડિયે એક વાર મળી શકો તમારા મિત્રોને. વ્યસ્તતા અકલ્પનીય સ્તરની હોય. કોઈ અજાણ્યા સામે ક્યારેક હસી પણ લો તો તમને શંકાની નજરે જોઈ શકે તે તમને. આપણા દેશમાં બની શકે કે હજી સિવિક સેન્સની બાબતમાં લોકો થોડાક અજ્ઞાની છે. ધારો કે ફ્લાઇટ લૅન્ડ થાય તો આપણે ત્યાં લોકો હજી તો વિમાન ઊભું ન રહ્યું હોય ને પોતે સામાન કાઢીને ઊભા થઈ ગયા હોય અને દોડાદોડ કરવા માંડી હોય. આ બાબતમાં ત્યાંના લોકો સમજદાર છે. બીજી બાજુ આપણા દેશમાં ગમે એટલા લોકો ટોળામાં ભેગા થયા હોય તો પણ અહીં કોઈ તોફાનો નહીં થાય. સેંકડો લોકો શાંતિથી રૅલી કાઢશે. જ્યારે ત્યાં ટોળું થયું નથી ને તોફાન થશે, તોડફોડ થશે જ. ભારતમાં ઑર્ગનાઇઝ્ડ કૅઓસ છે જેની પોતાની ખૂબી છે. જોકે હું તો મારા દેશની વિશેષતાઓને દુનિયાના કોઈ દેશ સાથે તોલી નથી શકતો.’

સિંગાપોર અને સ્વિટ્ઝરલૅન્ડમાં રહ્યા પછી પણ ભારત બેસ્ટ લાગે છે

ભારતમાં રહીને કેવી સુખસાહ્યબી માણી શકાય એનો અનુભવ તમારે જલ્વી તપન દીવાનજી પાસેથી મેળવવો પડે. બે વર્ષ સ્વિટ્ઝરલૅન્ડમાં અને આઠ વર્ષ સિંગાપોરમાં રહેનારી જલ્વી અને તેના પરિવારે હજી છ મહિના પહેલાં જ ઇન્ડિયા શિફ્ટ થઈને હવે અહીં જ વસી જવાનો નિર્ણય લીધો છે અને અત્યારે જાણે તેમના સુખના દિવસો શરૂ થયા છે એવો અનુભવ તેમને થઈ રહ્યો છે. એનું કારણ આપતાં જલ્વી કહે છે, ‘તમે જે દેશમાં રહેતા હો એ દેશ સોનાનો હોય તો પણ પારકો છે એ વાત તમારા મનમાંથી ક્યારેય ખસે નહીં. અમુક દેશના કાયદાકાનૂન પણ એવા હોય કે તમને એ વાત ભૂલવા ન દે. દસ વર્ષ પહેલાં જ્યારે ભારત છોડીને ગયા હતા ત્યારે અને આજના ઇન્ડિયાને જોઉં છું તો ખરેખર મને ડેવલપમેન્ટ દેખાય છે. તમારી પાસે પૂરતી આવક હોય અને તમે ફાઇનૅન્શિયલી સ્ટેબલ હો તો ભારત જેવી લક્ઝુરિયસ લાઇફ તમે ક્યાંય નહીં જીવી શકો. સાચું કહું છું. અમે ત્યાં હતા ત્યારે ઘરનાં લગભગ બધાં જ કામ જાતે કરવાં પડે, કારણ કે રોજબરોજની હાઉસ-હેલ્પ પરવડે એમ ન હોય. ઘર અને ઑફિસ બન્નેના આકરા કલાકો વચ્ચે તમને જીવવાનો કોઈ મોકો જ ન મળે એવું લાગે. અમે પ્યૉર વેજિટેરિયન એટલે મોટા ભાગે ત્યાં બહાર ખાવા જવાનું પણ અમારા માટે રૅર બનતું. અમે અહીંના ફૂડ, ફેસ્ટિવલ અને ફૅમિલીને બહુ જ મિસ કરતા હતા. જ્યારે ભારત આવ્યા એ સમયે અમારા પર કોઈ કમ્પલ્ઝન નહોતું. ઇન ફૅક્ટ હજી પાંચેક વર્ષ ત્યાં નીકળી શકે એવી પૂરી સંભાવના હતી. છતાં કોણ જાણે કેમ ભારત આવવા માટે મન બહુ જ ઉત્સુક હતું. અહીં આવ્યા પછી છેલ્લા છ મહિનામાં એક પણ દિવસ મને કે મારા ૧૪ વર્ષના દીકરાને કે મારા હસબન્ડને અફસોસ થયો નથી. ઇન ફૅક્ટ મારા દીકરાની પહેલી રક્ષાબંધનથી લઈને અહીંના દરેક પહેલા ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા માટે અમે ખૂબ એક્સાઇટેડ છીએ. ઘરના કામમાં હવે ખૂબ મદદ મળવા માંડી છે. રાતે ગાડી લઈને પોતાની મનગમતી આઇટમ ખાઈ આવવાનો લુત્ફ હવે ઉઠાવી રહ્યા છીએ. આ બધું ત્યાં શક્ય નહોતું.’
 સિંગાપોરમાં પોતાની ગાડી લેવી બહુ મોંઘી પડે. ઘર પણ રેન્ટ પર હોય. એમાં પણ છેલ્લા કેટલાક અરસામાં ત્યાંની સરકારે આઉટસાઇડર્સ માટેના નિયમો આકરા કરી દીધા છે. જલ્વી કહે છે, ‘દરેક દેશની ડાર્ક સાઇડ હોય છે. આપણે ભારતમાં રહીએ છીએ એટલે આપણને માત્ર અહીંની ડાર્ક સાઇડ દેખાય છે. તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કે લોકો ૬૦-૬૫ વર્ષે પણ વેઇટરનું કામ કરતા હોય છે. આપણે ત્યાં આજે પણ વડીલોની રિસ્પેક્ટ છે. તેમને સાચવવાની જવાબદારી નિભાવનારાં સંતાનો છે. એ બાજુએ આ પ્રકારનું કલ્ચર જ નથી. ખરેખર પ્રાઉડ લઈ શકાય એવી અઢળક બાબતો ભારત પાસે છે જે વર્લ્ડની ચકાચૌંધથી ખૂબ ઉપર છે.’

અહીં જેટલું સ્ટ્રૉન્ગ સોશ્યલ ફૅબ્રિક દુનિયામાં ક્યાંય નથી

આઠ વર્ષ સૅન ફ્રાન્સિસ્કોમાં રહેલા ધર્મેશ શાહ અને તેમનો પરિવાર ૨૦૦૪માં કાયમ માટે ભારત ખાતે આવી ગયા. દીકરી ત્રણ વર્ષની હતી ત્યારે તેમણે નિર્ણય લઈ લીધો કે તેનો ઉછેર અમેરિકાના માહોલમાં નહીં પણ ભારતના માહોલમાં થવો જોઈએ અને તેનું ભણતર શરૂ થાય એ પહેલાં તેમણે ગ્રીન કાર્ડ મળી ગયા પછી ભારત પાછા આવવાની દિશા પકડી. પોતાનો અનુભવ શૅર કરતાં ધર્મેશભાઈ કહે છે, ‘ત્યાં હું સૉફ્ટવેર ડેવલપમેન્ટની કંપનીમાં કામ કરતો હતો. એ સમયે ખૂબ ડિમાન્ડ હતી અને સારી ઑફર આવી તો ગયો. જોકે ત્યારે પણ મનમાં નક્કી હતું કે ભારત પાછું આવવું જ છે. દીકરી ત્રણ વર્ષની થઈ અને તેને સ્કૂલમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે અહીં આવવાનો નિર્ણય ફાઇનલ થઈ ગયો, કારણ કે એક વાર તેનું એજ્યુકેશન શરૂ થશે પછી નિર્ણય લેવો અઘરો પડશે. ભારતની ફૅમિલી સિસ્ટમ, એકબીજા પ્રત્યેની આત્મીયતા, સામાજિક કલેવર આ બધું ત્યાં નથી. અહીં તમે ખૂલીને જીવતા હો છો. ત્યાં બધા સતત પ્રોફેશનલી અને ફૉર્મલી જ વ્યવહાર કરતા રહે છે. હું જે મેડિટેશન ગુરુ અને ગાઇડને ફૉલો કરતો હતો એ પણ ઇન્ડિયામાં હતા એટલે એ દૃષ્ટિએ પણ ભારત પાછા આવવાનું સહજ હતું. તમારી સોશ્યલ સ્કિલ્સના ડેવલપમેન્ટ માટે ભારતમાં જે અનુકૂળ એન્વાયર્નમેન્ટ છે એ ત્યાં નથી.’ 
હવે તો ધર્મેશભાઈને અહીં આવ્યાને સત્તર વર્ષ થઈ ગયાં. તેઓ કહે છે, ‘ઘણા લોકો ત્યાંથી અહીં પાછા આવવાનું મનોમન વિચારતા હોય છે પરંતુ આવી નથી શકતા, કારણ કે ક્યાંક ત્યાંની લક્ઝરીનો મોહ હોય તો ક્યાંક ડૉલરની કમાણી દેખાય. જોકે સાચું કહું તો હવે ત્યાંની લક્ઝરી અને અહીંની લક્ઝરી લાઇફમાં બહુ ફરક નથી રહ્યો. ત્યાં જે પગાર મળે છે એને રૂપિયાની દૃષ્ટિએ જુઓ તો એવું જ પગારધોરણ અહીં પણ છે. ત્યાંની બે બાબતો આપણે ત્યાં શીખવા જેવી મને લાગે છે. એક તો ડિસિપ્લિન. થોડાક શિસ્તબદ્ધ બનવાની જરૂર છે અહીં. વગર પોલીસે ત્યાં ટ્રાફિકના નિયમો લોકો પાળે છે. બીજું છે ઇનોવેશનને જે પ્રકારનો સપોર્ટ ત્યાં આપવામાં આવે છે એ હવે થોડા સ્કેલ પર આપણે ત્યાં શરૂ થયું છે. ડેવલપમેન્ટ માટે આ બન્ને બાબતો ખૂબ મહત્ત્વની છે.’

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2023 02:08 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK