એફસીઆઇ પાસે પહેલી જૂને ૬૩૪.૭ લાખ ટનનો સ્ટૉક રહ્યો : ઘઉંની ટેકાના ભાવથી ખરીદી ગયા વર્ષની તુલનાએ ૫૪.૪ ટકા ઘટી
સરકારી ગોડાઉનમાં અનાજના સ્ટૉકમાં ૩૦ ટકાનો ઘટાડો
દેશમાં ઘઉંની સરકારી ખરીદી ઓછી થવાને પગલે સરકારી ગોડાઉનમાં અનાજના સ્ટૉકમાં પણ ગયા વર્ષની તુલનાએ મોટો ઘટાડો થયો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં કેન્દ્રનો ખાદ્યાન્નનો સ્ટૉક ગયા વર્ષની તુલનાએ ૩૦ ટકા નીચો હતો. જોકે માસિક ધોરણે માત્ર ૦.૨૦ ટકાનો જ ઘટાડો બતાવે છે.
પહેલી જૂન સુધીમાં, સરકાર પાસે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગોડાઉનોમાં ૬૩૪.૭૦ લાખ ટન અનાજ હતું, જે એક વર્ષ અગાઉ ૯૦૨.૧ લાખ ટન હતું. મે મહિનામાં, સરકાર પાસે એના અનાજ ભંડારમાં લગભગ ૬૩૬.૧ લાખ ટન અનાજ હતું.
ફૂડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ઘઉંનો સ્ટૉક પહેલી જૂને ૩૦૯.૪ લાખ ટન હતો. પહેલી જુલાઈના રોજ ઘઉંના સ્ટૉક માટેનો બફર ધોરણ ૨૪૫.૮ લાખ ટન હોવો જોઈએ એની તુલનાએ વધારે છે. ચોખાનો સ્ટૉક આ વર્ષે ૩૨૫.૪ લાખ ટન હતો, જે ગયા વર્ષે ૨૯૨.૨ લાખ ટન હતો. આમ એમાં ૮.૭ ટકાનો વધારો થયો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખાદ્ય અનાજના જથ્થામાં ઘટાડો મુખ્યત્વે ઘઉંની ઓછી ખરીદીને કારણે છે, કારણ કે એમાંથી મોટા ભાગની ઊંચા દરે નિકાસ કરવામાં આવી હતી અને ખેડૂતો એને લઘુતમ ટેકાના ભાવે સરકારને વેચતા ન હતા.
ગયા મહિને, ખાદ્ય મંત્રાલયે ૨૦૨૨-’૨૩ (એપ્રિલ-માર્ચ) માર્કેટિંગ સીઝન માટે ઘઉંના પ્રાપ્તિ લક્ષ્યાંકને અગાઉના અંદાજિત ૪૪૪ લાખ ટનથી ઘટીને ૧૯૫ લાખ ટનનો અંદાજ મૂક્યો હતો.
ફૂડ કૉર્પોરેશન અને અન્ય સરકારી એજન્સીઓએ ૨૦૨૨-’૨૩ની માર્કેટિંગ સીઝનમાં ૧૮૭ લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી, જે વાર્ષિક ધોરણે ગયા વર્ષની તુલનાએ ૫૪.૪૦ ટકા ઓછી હતી. ઘઉંનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખરીદી ઓછી હતી, કારણ કે નિકાસના ભાવ ઊંચા હતા, જેના કારણે ખાનગી ખરીદીમાં વધારો થયો હતો.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ જેવા ઘઉંનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે અનાજની ખરીદીના પ્રમાણમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
પંજાબમાં સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી માત્ર ૯૬.૪ લાખ ટનની ખરીદી સાથે સમાપ્ત થઈ, જે ગયા વર્ષે ૧૩૨ લાખ ટન હતી.
હરિયાણામાં સરકાર દ્વારા ૪૧.૮ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં ૫૦.૮ ટકા ઓછી છે. મધ્ય પ્રદેશમાં ખેડૂતો પાસેથી ૪૬ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જે વાર્ષિક ધોરણે ૬૪ ટકા ઓછી છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, સરકારી એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં માત્ર ૨૯૬,૭૪૯ ટન અને ૩૧૫૧ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જ્યારે એક વર્ષ અગાઉ અનુક્રમે ૪૯.૧ લાખ ટન અને ૧૯૬.૮ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.
યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વૈશ્વિક ભાવમાં તીવ્ર વધારો થયો એ પછી ભારત ઘઉંના ટોચના નિકાસકારોમાંના એક તરીકે ઊભરી આવ્યું હતું. વૈશ્વિક ઘઉંની નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો લગભગ ૩૦ ટકા છે.