તેમણે પાર્ટીના રાજ્ય એકમ તેમ જ ટોચના નેતૃત્વના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા
ફાઇલ તસવીર
કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હાર્દિકે સમાચાર એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં હાર્દિકે કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પત્રમાં તેમણે પાર્ટીના રાજ્ય એકમ તેમ જ ટોચના નેતૃત્વના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા.
ન્યૂઝ18 સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કૉંગ્રેસની વર્તમાન નેતાગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે “જ્યારે 75 વર્ષના કપિલ સિબ્બલ સાહેબે કૉંગ્રેસ છોડી, 50 વર્ષના સુનીલ જાખરે પાર્ટી છોડી, તો તમારે ચિંતા કરવી જોઈએ કે તમારો વાંક શું છે. આ નેતાઓએ પાર્ટીને લાંબો સમય આપ્યો છે.”
ADVERTISEMENT
હાર્દિક પટેલે કહ્યું હતું કે “રાહુલ ગાંધીની આસપાસના 2,4 લોકો જ કહે છે, જે જઈ રહ્યા છે તેમને જવા દો તેનાથી કોઈ ફરક નહીં પડે. હું માનું છું કે જ્યારે કોઈ પક્ષ છોડે છે ત્યારે ફાયદો કરતાં નુકસાન વધુ થાય છે. આખરે, શા માટે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મજબૂત અને ગ્રાઉન્ડેડ નેતાઓને જવા દે છે. ભાજપ પર નિશાન સાધતા પાટીદાર નેતાએ કહ્યું કે “આજે જે લોકો સત્તા પર બેઠા છે તેમની સરકાર ઘણા રાજ્યોમાં છે, તેમ છતાં તેઓ ઈચ્છે છે કે સારા અને પ્રામાણિક લોકો તેમની પાર્ટીમાં જોડાય.”
રાહુલ ગાંધી પાર્ટીમાં પોતાનું સ્ટેન્ડ લેતા નથી
હાર્દિકે કહ્યું હતું કે તે રાહુલ ગાંધીના ભરોસે કૉંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ તે પોતાનું સ્ટેન્ડ લેતા નથી, તેમણે પાર્ટીમાં પોતાનું સ્ટેન્ડ લેવું જોઈએ. તેમણે કહ્યું કે “જ્યારે તમે તમારા જ નેતા સાથે આવું વર્તન કરશો તો તમે લોકો સાથે શું કરશો. મારા પિતા કોરોનાની ત્રીજા લહેરમાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ ગુજરાત કૉંગ્રેસનો એક પણ નેતા મારા ઘરે આવ્યો નથી, મારી પાસે બેસવા આવ્યો નથી. જો તમે તમારી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના દુઃખમાં સહભાગી ન બની શકો તો તમે દેશ કે સાડા છ કરોડ ગુજરાતીઓની કેવી રીતે કાળજી રાખી શકશો?”