એક્સરસાઇઝ નહીં કરે તો વજન કેમ ઊતરશે? વજન નહીં ઊતરે તો ઘૂંટણ વધુ ખરાબ અવસ્થામાં પહોંચશે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર
મારી પત્નીની ઉંમર ૬૫ વર્ષ છે. તેનું વજન વધુ હોવાથી ઘૂંટણ પર એની અસર દેખાય છે. ચાલવા-ઊઠવા-બેસવામાં તે મારા જેવી સ્ફૂર્તિલી નથી. ડૉક્ટરને બતાવ્યું તો તેને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ છે. અમે વજન ઉતારવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એનાથી તેના ઘૂંટણનો દુખાવો વધી ગયો છે. એક્સરસાઇઝ નહીં કરે તો વજન કેમ ઊતરશે? વજન નહીં ઊતરે તો ઘૂંટણ વધુ ખરાબ અવસ્થામાં પહોંચશે. હું નથી ઇચ્છતો કે તે ની-ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચે.
તમારા કેસમાં શું કરીએ કરતાં શું ન કરીએ એ સમજવું જરૂરી છે. જો ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ હોય તો તાત્કાલિક વજન ઓછું કરવાની જરૂર છે. શરીરનો આખો ભાર ઘૂંટણ પર જ આવે છે અને એ ઘૂંટણને વધુ ડૅમેજ કરે છે. જો તમારું વજન યોગ્ય રહેશે તો ડૅમેજ ઓછું થશે અને ડૅમેજ ઓછું હશે તો ઘૂંટણને બચાવી રાખવા સરળ રહેશે. જોકે પ્રૅક્ટિકલ બાબત એ છે કે આવા દરદીઓ વધુ એક્સરસાઇઝ પણ કરી શકતા નથી. માટે આ પરિસ્થિતિમાં વજન ઓછું કરવા માટે એક્સપર્ટની મદદ લેવી જરૂરી છે. જાતે વજન ઉતારવાનું રિસ્ક ન લેવું. તમારે જાતે એક્સરસાઇઝ કરવા કરતાં એક્સપર્ટની સલાહ મુજબ જ કસરત કરવી, જેથી ઘૂંટણને બિલકુલ નુકસાન ન થાય. ઘૂંટણને બચાવવા એક્સરસાઇઝ કરવાની છે, એને તોડવા માટેની નહીં.
જો તમે મેદસ્વી હો તો સીડી ઊતર-ચડ કરવાનું રિસ્ક લેવું મૂર્ખામી છે. સીડી ઊતર-ચડની એક્સરસાઇઝ એ લોકો કરે જે એકદમ માફકસર વજન ધરાવે છે તો યોગ્ય ગણાય, કારણ કે જો તમે જાડા છો અને સીડી ઊતર-ચડ જરૂર કરતાં વધુ કરો છો તો આ કારણસર પણ તમારા ઘૂંટણ ભાંગી શકે છે. એટલે આવી મૂર્ખામી ન કરો. એ જ રીતે નીચે ન બેસો. પલાંઠી ન વાળો. આ બધું આર્થ્રાઇટિસ આવ્યા પહેલાં કરી શકાય છે, એ પછી નહીં. બીજું એ કે જે દવાઓ ડૉક્ટરે આપી છે એ ફક્ત સપ્લિમેન્ટ્સ જ છે. એ ખાવાથી કંઈ નહીં થાય એમ માનીને એને અવગણો નહીં એ ખૂબ જરૂરી છે. એક વસ્તુ સમજો કે આર્થ્રાઇટિસ થાય એ પછી એ વકરે નહીં એ માટેના પ્રયાસ અત્યંત જરૂરી છે. એક્સરસાઇઝ કરવી એ માટે ખૂબ જ જરૂરી છે અને વજન ઉતારવું પણ. જોકે સમજદારી વગર આ કામ કરશો તો તકલીફ ઓછી થવાને બદલે વધશે અને ઘૂંટણનો ઘસારો પણ વધશે એટલે સાવચેતી અનિવાર્ય છે.
ADVERTISEMENT
- ડૉ. મિતેન શેઠ