25 May, 2022 08:11 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૮ વર્ષની છે અને હું નિવૃત્ત છું. મારી પત્ની ૬પ વર્ષની છે. હું સંભોગ લાંબો ચલાવવા મેગાલિસ-૨૦ પાવરની ગોળી લઉં છું, જેને લીધે હું સંભોગનો પૂરતો આનંદ લઉં છું. પેનિસનું ઉત્થાન બરાબર થતું હોવાથી વાઇફને પણ પૂરેપૂરો અનુભવ થાય છે અને અમે સેક્સનો આનંદ બરાબર માણીએ છીએ. મારે એ જાણવું છે કે સેક્સ હજી વધારે લાંબો સમય સુધી ચલાવવા મેગાલિસ-૨૦ની સાથે હું પૅરાક્સિટિન-૨૦ પાવરની ગોળી લઈ શકું? મારો એક મિત્ર આ બન્ને ગોળી સાથે લે છે અને તેને કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી નથી. મારે આ બન્ને દવા ચાલુ કરવી જોઈએ કે નહીં?
ડોમ્બિવલી
ના, ક્યારેય નહીં. તમે પૂછેલા સવાલનો આ સીધો અને સરળ જવાબ છે. કોઈને આપવામાં આવેલી મેડિસિન તેના માટે લાભદાયી હોય એનો અર્થ એવો બિલકુલ નથી કે એ તમારા માટે પણ લાભકર્તા પુરવાર થશે. આ જ મેડિસિન નહીં, જગતની કોઈ પણ મેડિસિન જ્યારે પ્રિસ્ક્રાઇબ્ડ કરવામાં આવતી હોય ત્યારે જે-તે વ્યક્તિની કેસ-હિસ્ટરી જોઈને તેને આપવામાં આવતી હોય છે એટલે તેને લાભકારી પુરવાર થઈ હોય તો પણ બીજા કોઈએ એ દવા લેવી જોઈએ નહીં. બીજું એ કે તમે જે બન્ને ડ્રગ્સનાં નામ વાપર્યાં છે એ બન્ને ડ્રગ્સ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રગ્સ હોવાને કારણે એ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. ધારો કે તમે તમારા મિત્ર પાસેથી એ દવા લેવાના હો તો પણ એવી ભૂલ કરતા નહીં.
જો આ ઉંમરે પણ તમને સેક્સમાં આનંદ આવતો હોય અને તમારી વાઇફને પણ મજા આવતી હોય તો આ પ્રકારના ઘરમેળે રસ્તાઓ કાઢવાને બદલે બહેતર છે કે તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ મેડિસિન લો. આ ઉપરાંત તમે આયુર્વેદના રસ્તે પણ ચાલી શકો છો. આયુર્વેદમાં અનેક ઓસડિયાં એવાં છે જે તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે અને એની કોઈ આડઅસર પણ નથી. મારી પર્સનલ ઍડ્વાઇઝ છે કે સેક્સનો આનંદ મહત્ત્વનો છે એ વાત મનમાં રાખો. એના પિરિયડને લંબાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવા કરતાં ફોર-પ્લેનો આધાર લઈને તમે તમારી સેક્સ-સાઇકલને લાંબો સમય ચલાવી શકો છો.