ન્યુઝ શોર્ટમાં : ભારતની ચૅમ્પિયન હૉકી ટીમ પર અભિનંદનની વર્ષા

07 June, 2022 02:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આનંદે ફરી નંબર-વન કાર્લસનને હરાવી દીધો; અદાણી ગ્રુપે ગુજરાતની ખો-ખો ટીમ ખરીદી અને વધુ સમાચાર

ભારતની ચૅમ્પિયન હૉકી ટીમ

ભારતની ચૅમ્પિયન હૉકી ટીમ પર અભિનંદનની વર્ષા

રવિવારે લોહઝાનમાં નવા ટૂંકા ફૉર્મેટવાળી હૉકી ફાઇવ નામની ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પાછળ રહ્યા બાદ કમબૅક કરી પોલૅન્ડને ૬-૪થી હરાવીને આ પ્રથમ ટુર્નામેન્ટનો તાજ જીતી લેનાર ભારતની મેન્સ હૉકી ટીમ પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે. આ ફૉર્મેટની મૅચમાં ૧૧-૧૧ને બદલે ૫-૫ ખેલાડી હૉકીની કોર્ટ પર રમવા ઊતર્યા હતા. ભારતની ટીમ પાંચ દેશ વચ્ચેની આ સ્પર્ધામાં ત્રણ જીત અને એક ડ્રૉને પગલે અપરાજિત રેકૉર્ડ સાથે મોખરે રહી હતી. કેન્દ્ર સરકારના ખેલકૂદ અને યુવા બાબતોને લગતા ખાતાએ ભારતીય ટીમને ખાસ અભિનંદન પાઠવ્યાં હતાં. લેજન્ડરી શૂટર અભિનવ બિન્દ્રાએ તેમ જ દેશના અન્ય રમતવીરોએ પણ હૉકી ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. ભારતીય હૉકી ટીમ તાજેતરમાં એશિયા કપમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

 

સાઇક્લિસ્ટની કોચ વિરુદ્ધ ફરિયાદ

સ્લોવેનિયામાં આયોજિત કૅમ્પ દરમ્યાન પોતાની સાથે અણછાજતું વર્તન કરનાર ચીફ કોચ આર. કે. શર્મા વિરુદ્ધ એક મહિલા સાઇક્લિસ્ટે ફરિયાદ કરી છે જે બાબતમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ તપાસ શરૂ કરી છે અને સાઇક્લિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પૂરા સહકારની ખાતરી આપી છે. કોચ અને પ્લેયર્સ ૧૪ જૂને ભારત પાછા આવી રહ્યા છે.

 

આનંદે ફરી નંબર-વન કાર્લસનને હરાવી દીધો

ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદે નૉર્વે ચેસ ટુર્નામેન્ટની બ્લિટ્ઝ ઇવેન્ટમાં નૉર્વેના વર્લ્ડ નંબર વન અને વિશ્વવિજેતા મૅગ્નસ કાર્લસનને હરાવ્યા બાદ ગઈ કાલે તેને આ જ ટુર્નામેન્ટની ક્લાસિકલ ઇવેન્ટમાં પણ હરાવ્યો હતો. આ વિજય સાથે બાવન વર્ષનો આનંદ તમામ સ્પર્ધકોમાં ૧૦ પૉઇન્ટ સાથે મોખરે થઈ ગયો હતો. ગઈ કાલે સડન ડેથ ગેમમાં કાર્લસન સાથેની તેની હરીફાઈ દિલધડક બની રહી હતી. રેગ્યુલર મૅચ ૪૦મી ચાલમાં ડ્રૉમાં પરિણમ્યા બાદ સડન ડેથ ગેમમાં ૫૦મી ચાલમાં આનંદની જીત નક્કી થઈ ગઈ હતી.

 

અદાણી ગ્રુપે ગુજરાતની ખો-ખો ટીમ ખરીદી

આ વર્ષે શરૂ થનારી ‘અલ્ટિમેટ ખો-ખો’ લીગ માટેની ગુજરાતની ટીમ અદાણી ગ્રુપે ખરીદી છે. આ અનોખી લીગ માટેની તેલંગણની ટીમ જીએમઆર ગ્રુપે ખરીદી છે. આ ભારતીય રમતને પ્રોત્સાહિત કરવાના આશયથી આ રમતની લીગ શરૂ કરવામાં આવી રહી છે. આ લીગને ડાબર ગ્રુપે ખો-ખો ફેડરેશન ઑફ ઇન્ડિયા (કેકેએફઆઇ) દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. લીગનું સોની પિક્ચર્સ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

યુએઈની ટી૨૦નો ૬ જાન્યુઆરીથી આરંભ

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ આવતી ૬ઠ્ઠી જાન્યુઆરીએ યુએઈની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ (આઇએલટી૨૦)ની શરૂઆત કરશે. ૬ ટીમ વચ્ચેની આ સ્પર્ધા ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. છમાંથી પાંચ ટીમ ભારતીય કંપનીઓએ ખરીદી છે. આ સ્પર્ધાની ટીમની માલિકી રિલાયન્સ ઇન્ટસ્ટ્રીઝ, અદાણી સ્પોર્ટ્સલાઇન, શાહરુખ ખાનનું નાઇટ રાઇડર્સ ગ્રુપ, કૅપ્રી ગ્લોબલ પાસે તેમ જ દિલ્હી કૅપિટલ્સની માલિકી ધરાવતી કંપની જીએમઆર પાસે અને મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ટીમના માલિક ગ્લેઝર પરિવાર પાસે છે. આઇપીએલ સાથે કરારબદ્ધ કેટલાક પ્લેયર્સ યુએઈની આ સ્પર્ધામાં રમતા જોવા મળશે.

sports sports news