06 June, 2022 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાફેલ નડાલ
સ્પેનના ટેનિસ-સમ્રાટ રાફેલ નડાલે ૩૬મા જન્મદિનના બે દિવસ બાદ ગઈ કાલે પોતાના જ બે વિક્રમ તોડ્યા હતા. પૅરિસમાં ફ્રેન્ચ ઓપનની સિંગલ્સની ફાઇનલમાં નોર્વેના કૅસ્પર રુડને સ્ટ્રેઇટ-સેટમાં ૬-૩, ૬-૩, ૬-૦થી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ પહેલાં સૌથી વધુ ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતાપદ તેના નામે હતાં અને ગઈ કાલે તેણે બાવીસમું વિજેતાપદ મેળવીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. ફ્રેન્ચ ઓપનની ક્લે-કોર્ટ પર સૌથી વધુ ૧૩ ટાઇટલ તેના નામે હતાં અને હવે તેણે ૧૪મું જીતીને પોતાના જ વિક્રમને ઓળંગ્યો છે. અહીં તે ૨૦૦૫માં ૧૯ વર્ષની ઉંમરે પહેલું ટાઇટલ જીત્યો
હતો. પૅરિસમાં પુરુષ કે મહિલા, બેમાંથી કોઈ પણ વર્ગમાં કોઈ પણ ખેલાડી નડાલ કરતાં વધુ મોટું ટાઇટલ નથી જીતી શક્યાં.
ખરેખર તો ૩૬ વર્ષનો નડાલ યુવા ખેલાડીને અનુરૂપ રમ્યો અને ત્રણેય સેટ જીતી ગયો. તે આ ઉંમરે રોલાં ગૅરો ખાતેની ક્લે-કોર્ટ પરની ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો વિજેતા બન્યો છે. ગઈ કાલે તે બીજા સેટમાં ૧-૩થી પાછળ રહ્યા બાદ લાગલગાટ ૧૧ ગેમ જીત્યો હતો.
નડાલ હવે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવામાં રોજર ફેડરર (૨૦) અને નોવાક જૉકોવિચ (૨૦)થી બે ડગલાં આગળ થઈ ગયો છે.
ગઈ કાલે નડાલ સામે હારનાર
રુડની આ પહેલી જ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ હતી.