05 June, 2022 09:54 AM IST | Tanzania | Gujarati Mid-day Correspondent
હીરો રૅટ્સ
ઉંદરો પર વૈજ્ઞાનિકો જાતજાતના પ્રયોગ કરતા હોય છે. જોકે તાન્ઝાનિયામાં થઈ રહેલો એક પ્રયોગ ખરેખર અલગ જ છે. અહીં ભૂકંપ દરમ્યાન અસરગ્રસ્તોને બચાવવા માટે ઉંદરોને ‘હીરો રૅટ્સ’ બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉંદરને ઇનબિલ્ટ માઇક્રોફોન્સ સાથે નાનકડી બૅકપૅક પહેરાવવામાં આવે છે, જેથી તેઓ અસરગ્રસ્તોને શોધવામાં રેસ્ક્યુ ટીમને મદદ કરી શકે.
બ્રિટિશ રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. ડોના ક્રીઅન તાન્ઝાનિયાના મોરોગોરામાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ટીમ ઇન-બિલ્ટ માઇક્રોફોન અને લોકેશન ટ્રૅકરની સાથે સ્પેશ્યલિસ્ટ બૅકપૅક તૈયાર કરી રહી છે, જેથી રેસ્ક્યુ ટીમ ભૂકંપના અસરગ્રસ્તો સાથે વાત કરી શકે. અત્યારે આ ટીમ કૃત્રિમ કાટમાળમાં ઉંદરને મોકલી રહી છે. અત્યાર સુધી સાત ઉંદરને તાલીમ અપાઈ છે.